મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : ગુજરાતનાં સૌથી મોટા જિલ્લાનાં સાંસદે તેમના જન્મ દિવસે અનોખી પહેલ કરી છે. પોતાના બર્થ ડે નાં દિવસે એમપી વિનોદ ચાવડાએ કોરોના વોરિયર્સ અને પ્રવાસી શ્રમિકો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના અંતર્ગત એક વર્ષનું બાર રૂપિયાનું પ્રીમિયમ પોતે ભરશે તેવી જાહેરાત કરી છે. 

કચ્છ-મોરબી ક્ષેત્રનાં સાંસદ વિનોદભાઈ ચાવડા તેમનાં જન્મ દિવસની ઉજવણી દર વર્ષે અનોખી રીતે કરતા હોય છે. સરહદ ઉપર જવાનો સાથે બર્થ ડે સેલિબ્રેટ કરી ચૂકેલા એમપી ચાવડાએ છઠ્ઠી માર્ચના આ વખતનાં બર્થ ડે નિમિત્તે કોરોના વોરોયર્સનું વિમા પ્રીમિયમ ભરવાની જાહેરાત કરીને તેમની દિલેરીનો પરચો આપ્યો છે. તેમની સત્તાવાર પ્રેસનોટમાં જણાવ્યા મુજબ, તેમની પ્રેરણાથી શ્રી સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તરફથી આરોગ્ય કર્મચારી, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, તથા આરોગ્ય સેવા સફાઈ કામદારો ઉપરાંત પ્રવાસી શ્રમિક મજદૂરો માટે એક વર્ષનું વિમા પ્રીમિયમ ભરશે. જેમના બેન્ક એકાઉન્ટ નથી તેવા લોકો માટે જનધન યોજના હેઠળ બેન્ક ખાતું ખોલીને તેમના એકાઉન્ટમાં પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનાનું એક વર્ષનું બાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ, ભુજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

પ્રીમિયમનો લાભ લેવા મેસેજ કરવો પડશે

કચ્છનાં હજારો કર્મચારીઓ અને શ્રમિકો માટે જાહેર કરવામાં આવેલી સાંસદની આ યોજનાનો લાભ લેવા માટે વોટ્સએપ ઉપર મેસેજ કરવાનો રહેશે. યાદીમાં જણાવ્યા મુજબ, મોબાઈલ નંબર 97271 05467નાં વોટ્સએપ ઉપર મેસેજ કર્યા પછી જ તેમના ખાતામાં એક વર્ષનાં પ્રીમિયમ પેટે બાર રૂપિયા જમા થઈ જશે.