જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ) : કોરોનાની વ્યાપક મહામારી વચ્ચે કચ્છમાં માત્ર એક જ દિવસમાં 112 વ્યક્તિનાં મરણનોંધને જોઈને લોકોમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ જયાં તંત્ર પાંચ મરણની વાત સ્વીકારે છે ત્યાં સેકંડો લોકોનાં મોતની ખબરથી કચ્છીઓ હલબલી ઉઠ્યા છે. અલબત્ત એ ચોક્કસ નથી કરી શકતા કે મરનાર તમામ 112 કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે, પરંતુ એ ચોક્કસ છે કે, છેલ્લા ઘણા દિવસોથી કચ્છમાં લોકોને પોતાની આસપાસનાં લોકોમાંથી મરણનાં સમાચાર મળી રહ્યા છે. જેને લીધે કચ્છ એક અતિ ભયાનક મેડિકલ ઇમર્જન્સી તરફ જઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હાલત કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત ઉપરથી પણ લગાવી શકાય છે કે, જેમનાં માથે આખા કચ્છ જિલ્લાની જવાબદારી છે તેવા કલેક્ટર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

કચ્છની સૌથી મોટી ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવારને મામલે તંત્ર અને સરકાર ઉપર પસ્તાળ પડી રહી છે. તેવામાં એક દિવસમાં 112 મોતની ખબરે બધાના હોંશ ઉડાવી દીધા છે. જિલ્લા કક્ષાનાં મરણનોંધ માટે દુનિયાભરમાં વિખ્યાત અખબાર કચ્છમિત્રમાં રવિવારે ત્રણ પાના ભરીને 112 વ્યક્તિની મરણનોંધ પ્રસિદ્ધ થઈ છે. જેને જોઈને રવિવાર સવારથી કચ્છ સહિત દુનિયાભરમાં ફેલાયેલા કચ્છી લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જિલ્લામાં પૂરતી સગવડ હોવાની આલબેલ વચ્ચે એક દિવસમાં આટલા બધા મોતની વાતે તંત્ર અને સરકારનાં દાવાથી લોકોની આંખો પહોળી થઇ ગઇ છે. દરમિયાન બે દીવસથી હોમ આઇસોલેટ થયેલા કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.નો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવવાની ખબરે લોકોમાં તો ઠીક તંત્રમાં સોંપો પાડી દીધો છે. કોરોનાગ્રસ્ત લોકોને મદદ કરવા અને એડમિટ કરવા અંગે લોકો પોતાની પહોંચ અને અઢળક રૂપિયા હોવા છતાં પોતાને નિઃસહાય અનુભવી રહ્યા છે. પરિણામે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ એક અતિ ભયાવહ આરોગ્ય સંબંધી કટોકટી તરફ ધકેલાય રહ્યો હોય તેવું લોકોને લાગી રહ્યું છે.


 

 

 

 

 

પ્રભારી સચિવ જે.પી.ગુપ્તાને મીડિયાનો આકરો સામનો કરવો પડ્યો

વડાપ્રધાન મોદીની જેમ પોતાને કચ્છથી વિશેષ લાગણી અને કચ્છને પોતાનું બીજું વતન તરીકે ઓળખાવતા આઈએએસ અધિકારી જયપ્રકાશ (જે.પી.) ગુપ્તાને રવિવારે મીડિયાનો આકરો સામનો કરવો પડ્યો હતો. પ્રભારી સચિવ તરીકે ગુપ્તાએ સરકારની કામગીરી અંગે પ્રેસવાર્તા ગોઠવી હતી. જેમાં તેમણે કચ્છમાં કોરોનાની સ્થિતિને લઈને પૂર્વ કચ્છમાં RT PCR ટેસ્ટ માટેની અલાયદી વ્યવસ્થા અંગે જાહેરાત કરી હતી. રેમડેસિવિર સહિત કોરાના સંબંધી દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં સરકાર પાછી પાની નહીં કરે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. પરંતુ જયારે મીડિયાએ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ અંગે સવાલોનો મારો ચલાવ્યો ત્યારે તેમણે 'પ્રેસવાર્તા સમાપ્ત થાય છે' એમ કહીને ચાલતી પકડી હતી. 25 વર્ષથી કચ્છનાં એક જ મીડિયા હાઉસનો 'સોફ્ટકોર્નર' ચાખી ચૂકેલા કચ્છનાં પૂર્વ ડીડીઓ ગુપ્તાને કચ્છનાં આ બદલાયેલા મીડિયા સ્વરૂપનો અલગ જ અનુભવ થયો હતો. કોઈપણ વાતનો સીધો અને ટૂંકો જવાબ આપવાને બદલે લાંબી લચક 'વાર્તા' કરતા પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાને પત્રકારોએ ટપારીને ટૂંકમાં, સીધો જવાબ આપવા માટે પણ ટકોર કરી હતી.

કલેક્ટર પોઝિટિવ આવ્યા છતાં મંત્રી હજુ ફરે છે

કોરોનાની સમીક્ષા કરવા માટે છેલ્લા ઘણા દિવસથી કચ્છ કલેક્ટર સાથે ખભાથી ખભો મિલાવી સતત દોડધામ કરી રહેલા રાજયમંત્રી વાસણ આહીર હજુ પણ જાહેરમાં દેખાતા તંત્રમાં તેની ભારે ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે અધિકારી વર્ગ કે મંત્રી પોતે જયારે પોઝિટિવ આવે ત્યારે સોસીયલ મીડિયા મારફતે તેની જાણ કરીને તેમનાં સંપર્કમાં આવેલા લોકોને પણ ધ્યાન રાખી આઇસોલેટ થવાની સલાહ આપતા હોય છે. પરંતુ કચ્છનાં કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. પત્રકારો સાથે વાતચીત કરતા મીડિયાએ સામેથી જયારે કલેકટરના રિપોર્ટ અંગે પ્રશ્ન કર્યા ત્યારે પ્રભારી સચિવે કલેક્ટર પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. જો કલેક્ટર પોઝિટિવ હોય તો નિયમ પ્રમાણે તેમની સાથે ફરતા રાજ્યકક્ષાનાં મંત્રી આહિર ઉપરાંત સાંસદ વિનિડ ચાવડા, ધારાસભ્યો અને અન્ય લોકોએ સામેથી સાવચેતી દાખવી લોકો સમક્ષ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.


 

 

 

 

 

પ્રભારી સચિવ સાથે કોઈ રાજકારણી ન દેખાયા

અત્યાર સુધી સતત તંત્રની સાથે હોવાનો ડોળ કરનારા કચ્છનાં જનપ્રતિનિધિઓ રવિવારે પ્રભારી સચિવની સાથે જોવા મળ્યા ન હતા. જેને લઈને કચ્છનાં પોલિટિશિયન્સ તંત્રને રામભરોસે મૂકી ગાયબ થઈ ગયા હોય તેવો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો.

કલેકટરના ચાર્જ અંગે હજુ અસમંજસતા

જિલ્લાનો સમગ્ર કારભાર કલેક્ટર દ્વારા ચાલતો હોય છે તેવામાં કચ્છ કલેક્ટર પોઝિટિવ હોવાને લીધે આઇસોલેટેડ છે. ત્યારે તેમનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે તે જાણવા પ્રભારી સચિવ સચિવ ગુપ્તાનો સંપર્ક કરતા લુક આફ્ટર ચાર્જ ડીડીઓ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. રવિવાર હોવાને કારણે ઓફિસયલી ચાર્જ સોંપવા અંગે કોઈ નિર્ણય ન લેવાયો હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.