જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): ગુજરાત સરકારનાં રાજય કક્ષાના મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એકવાર કહેવાતા સંસ્કારી અને શિસ્તબદ્ધ પક્ષ ભાજપની ભવાઈ બહાર આવી છે. આ વખતની ઘટનામાં પણ અંજાર કેન્દ્ર સ્થાને છે. અંજાર નગર પાલિકાના ભાજપી સભ્યોના વોટ્સએપ ગ્રુપમાં એક મેમ્બરે અશ્લિલ વીડિયો મોકલી દીધો હતો. જેને લીધે ગ્રુપની મહિલા સભ્યો પણ શરમજનક સ્થિતીમાં મુકાઈ ગઈ હતી. ચૂંટણીનાં દિવસે 23મી એપ્રિલની સાંજે બનેલી આ ઘટના બની હતી.

અંજારનાં ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી વાસણ આહીરની ઓડિયો ક્લિપના આઘાતમાંથી ભાજપ હજુ બહાર પણ આવ્યો નથી, ત્યાં અંજાર નગર પાલિકાના નગર સેવકોના ગ્રુપમાં સંજય ટાંક નામના સભ્યે અભદ્ર વીડિયો અપલોડ કરી દીધી હતી. ત્રીજા તબક્કાના ચૂંટણીના દિવસે સાંજે સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતાઓ તથા કાર્યકર્તાઓ વ્યસ્ત હતા. ત્યારે અંજાર કાઉંસિલરના વોટ્સએપ ગ્રુપમાં વીડિયો ક્લિપ મુકવામાં આવી હતી. વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપ વાયરલ થયી હોવાને કારણે એક તબક્કે ગ્રુપના મેમ્બર આહીરની જ વીડિયો ક્લિપ છે તેમ માનીને ક્લિપ ડાઉનલોડ કરવા લાગ્યા હતા, પરંતું તે ક્લિપ વિદેશમાં બનેલી નીકળી હતી.

અંજાર નગર પાલિકાના સભ્યોના વોટ્સએપ ગ્રુપમાં 18 મહિલા સભ્યો પણ છે. આથી મામલો વધુ ગંભીર બની ગયો હતો. ગ્રુપની ભાજપી મહિલા નગર સેવિકાઓએ એકબીજાને ફોન કરીને ક્લિપ અંગે ચર્ચા પણ કરી હતી, તથા આ અંગે પોલીસમાં પણ જવાનું નક્કી કર્યું હતું પરંતું તેમાં સંસ્કારી ભાજપ પક્ષનું જ ખરાબ લાગે તેમ હતું. છેવટે વાસણ આહીરની ક્લિપની જેમ જ આ મામલામાં ચુપ રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ પરંતું ગ્રુપના કેટલાક સભ્યએ ક્લિપનો સ્ક્રીનશોટ પાડીને વાઇરલ કરવાને લીધે આ સમગ્ર મામલો પબ્લિક વચ્ચે પણ આવ્યો હતો.