મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ અનુસૂચિત જનજાતિમાં કોઇને પણ સામેલ કરવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ ને જ છે પરંતુ, ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે ઠરાવો કરી અનેક રબારી- ભરવાડ અને ચારણ ને અનુસૂચિત જનજાતિ નો દરજ્જો અપાયો હોવાના આક્ષેપ સાથે ૨૬ દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે. તેમની માંગણી છેકે આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્રો મેળવીને કેટલાક લોકો સરકારી નોકરીઓ મેળવી રહ્યા છે. જેને કારણે તેમના મૂળભૂત અધિકારોનુ હનન થઇ રહ્યુ છે અને ૨૬ ફેબ્રુઆરીએ વિધાનસભાનો ઘેરાવ કરવાના છે ત્યારે કચ્છ રાપરના માલધારી સમાજના અગ્રણી ધારાભાઈ કાલાભાઇ ભરવાડનો આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા અરવલ્લી જીલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પેદા થયો છે. આ શખ્શ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગ ઉઠી છે.

મેઘરજ પોલીસ સ્ટેશનમાં સાચા આદિવાસી અધિકાર સમિતિ દ્વારા ધરણા કરી પી.આઈને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બોગસ આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે. કચ્છ જીલ્લાના તાલુકાના વાગડ માનવ વિકાસ ટ્રસ્ટના અને માલધારી સમાજના અગ્રણી ધારાભાઈ કાલાભાઇ ભરવાડે જાતિ-જાતિ વચ્ચે જાતિવાદી વૈમનસ્ય પેદા કરી વર્ગ વિગ્રહ ફેલાય એવા અને આદિવાસી સમાજની સામે અણછાજતી અને ધિક્કારની ભાવનાથી હીન ભાષાનો પ્રયોગ કરેલ તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે તો આ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધાર પુરાવા તરીકે માન્ય રાખી ધારા કાલાભાઇ ભરવાડ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની માંગ કરી હતી. 
તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા યોજ્યા હતા અને સંવિધાનના આર્ટિકલ ૧૪, ૧૫ અને ૧૯ નો ભંગ કરેલો છે તો સમસ્ત આદિવાસી સમાજે ધારા કાલાભાઇ ભરવાડ વિરુદ્ધ દરેક કલમોને આધારે કાયદેસરની કાર્યવાહી કરે અને ફરિયાદ નોંધવા આદિવાસી સમાજ મેઘરજે માંગ કરી હતી.