મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ બદલાની ભાવના અને ખૂની અદાવત માટે કુખ્યાત કચ્છનાં વાગડ પંથકમાં આજે એક સાથે પાંચ વ્યક્તિનાં ખૂનની ઘટનાથી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાના કહેર વચ્ચે આજે શનિવારે બપોરે પૂર્વ કચ્છનાં રાપર તાલુકામાં આવેલા મોટી હમીરપર ગામ ખાતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં દેશી રાઇફલ અને ઘાતક હથિયારો વચ્ચે ખેલાયેલા મોતનાં ખેલમાં ચાર વ્યક્તિએ ઘટના સ્થળે અને એક વ્યક્તિએ સારવાર દરમિયાન મોતને ભેટી હતી. એક સાથે બનેલી આ ઘટનાને પગલે પૂર્વ કચ્છની પોલીસ હરકતમાં આવી ગઈ હતી. એસપી સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

સમગ્ર ઘટના અંગે વિગતો આપતા પૂર્વ કચ્છ પોલીસનાં એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, દેશી દારૂની બાતમી આપવા અંગે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પાંચ વ્યક્તિનાં ખૂન થયા હતા. હાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો પૂર્વ કચ્છનાં વાગડ પંથકમાં દોડી આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ધમો કોળી અને તેની સાથેના વ્યક્તિઓનાં ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસ કાર્યવાહી ચાલુ છે ત્યારે એકથી વધારે વ્યક્તિઓ સામે કાયદાનો સંકજો કસાઈ શકે છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.