મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: લોકડાઉન દરમિયાન લોકોનાં ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા ત્યારે આર્થિક જરૂરિયાતવાળા લોકોએ વ્યાજે રૂપિયા લીધા હતા. જેને કારણે ઊંચા વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસને કારણે વ્યક્તિઓ અને તેના કુટુંબને આત્મહત્યા કરવા સુધ્ધાની નોબત આવતી હતી. આવા કિસ્સા ધ્યાનમાં આવતા સરહદી રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) જે.આર.મોથલીયાએ તેમના તાબા હેઠળનાં ચારેય જિલ્લાને આવી કોઈ ઘટના ધ્યાનમાં આવે તો તપાસ સ્થાનિક પોલિસ સ્ટેશનેથી નહીં પરંતુ જે તે જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અથવા તો રેન્જ કક્ષાએથી તપાસ કરવાનો હુકમ કર્યો છે. જેને કારણે વ્યાજખોરો અને ખંડણીખોરોનાં ત્રાસથી મોતને વ્હાલું કરતા લોકોને પોલીસનો સહારો મળશે.

બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમનાં પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિન સુથારે આઈજીપી જે.આર.મોથલીયા દ્વારા કરવામાં આવેલા હુકમ અંગે જણાવ્યું હતું કે, બોર્ડર રેન્જ હેઠળ આવતા પશ્ચિમ અને પૂર્વ કચ્છ પોલીસ ઉપરાંત પાટણ તથા બનાસકાંઠામાં વ્યાજખોરો અને ગેરકાયદે નાણાં આપતા તત્વોનાં ત્રાસથી વ્યક્તિગત તથા ઘણા કિસ્સાઓમાં સમગ્ર કુટુંબ આપત્તિમાં આવી જતું હોય છે. જેમાં કેટલીક વખત આત્મહત્યાનાં બનાવો પણ બને છે. જેને પોલીસ દ્વારા પ્રો-એક્ટિવ પોલીસની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

આ હકીકતને ધ્યાનમાં રાખીને રેન્જ આઈજી મોથલીયાએ જિલ્લા લેવલે આવતી રજૂઆતો તથા અરજીઓને ગંભીરતાથી લેવા માટે સૂચના આપી છે. માત્ર એટલું જ નહીં પરંતુ આવી પ્રવૃત્તિને નાથવા માટે જિલ્લા કક્ષાએ એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી કડક સૂચના આપવામાં આવી છે. અને જો એલસીબીથી પણ સંતોષ ન થાય તો તેવા કિસ્સામાં તેમનો અલાયદો રેપીડ રેસ્ક્યુ (આર.આર.) સેલ પણ એક્ટિવ રહેશે. આમ વ્યાજખોરોને કારણે નંદવાતા કુટુંબને બચાવવા માટે પોલીસે તેમની ભૂમિકા વધુ સ્પષ્ટ કરીને એક ઉત્કૃષ્ટ  માનવીય અભિગમ દર્શાવ્યો છે.