મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાનની મરીન સિક્યુરિટીએ ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. જખૌ નજીક દરિયામાં ગુજરાતની ત્રણ બોટમાં 18 જેટલા માછીમારો માછીમારી કરતા હતા. આ સમયે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી. તેમજ તમામ બોટ  અને માછીમારોનું અપહરણ કર્યું હતું.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, સોમવારે પોરબંદરની એક બોટ અને ઓખાની બે બોટોમાં 18 જેટલા માછીમારો જખૌ નજીક માછીમારી કરી રહ્યા હતા. આ તકે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની ટીમ અચાનક આવી પહોંચી હતી. અને માછીમારી કરી રહેલા 18 જેટલા ગુજરાતના માછીમારોનું પાકિસ્તાની એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યના માછીમારોમાં ભયનું લખલખું ફરી વળ્યું છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી હતી. જેમાં પણ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારો અપહરણ કરવામાં આવ્યું હતું. આ પૈકી 7 બોટ પોરબંદર અને 1 બોટ વેરાવળની હોવાનું અનુમાન હતું. ભારતીય બોટ ડીપ સીમાં ગયા હતા અને તે સમયે પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમાર બોટનું અપહરણ કરાયું હતું.