જયેશ શાહ (મેરાન્યુઝ. કચ્છ) : IPS સૌરભસિંગની પશ્ચિમ કચ્છનાં એસપી તરીકેની પોસ્ટિંગ બાદ અહીં ખનિજ ચોરી સહિતનાં તમામ પ્રકારનાં બે નંબરનાં ધંધા બંધ થઈ ગયા હતા. અસામાજિક તત્વો તો ઠીક પરંતુ પોલીસ બેડામાં પણ કોઈ ખોટું કામ કરતા દસ વાર વિચાર કરતુ હતું. પરંતુ જયારથી ભુજનાં એસપી એવા આઇપીએસ અધિકારી સૌરભસિંગની એક મહિનાની ટ્રેનીંગની વાત વહેતી થઈ છે ત્યારથી ખનિજચોરો ઉપરાંત ઓઇલ તેમજ દારૂ જુગારની ગેરકાયદે પ્રવૃત્તિમાં ખરડાયેલા શખ્સો તેમની ગેરહાજરીમાં એક મહિનો કમાઈ લેવા માટે પોલીસ બેડાના તેમના સંપર્કોને ફરીથી સક્રિય કર્યા છે. 

મૂળ પંજાબનાં એવા એન્જીનીયર અને MBAનો અભ્યાસ કરી ચૂકેલા સૌરભસિંગ 2012ની ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. નખશીખ પ્રામાણિક ઓફિસરની સાથે સાથે તેઓ માનવીય અભિગમ ધરાવતા હોવાને કારણે એક તરફ જયાં બે નંબરીયાઓમાં તેમનો ખૌફ છે ત્યારે બીજી તરફ પોલીસ સ્ટાફમાં તેઓને સન્માનથી જોવામાં આવે છે. ભુજનાં એસપી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી તેમણે પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં કડક મેસેજ આપી દીધો હતો કે, તેઓ કોઈપણ પ્રકારનાં ખોટા કામ ચલાવી નહીં લે. અને એટલે જ એક જ જિલ્લા કચ્છમાં જયાં એક તરફ પૂર્વમાં તમામ પ્રકારની બદી ચાલુ છે ત્યારે પશ્ચિમ કચ્છમાં ખોટા કામ કરનારા તો ઠીક પરંતુ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ પણ ચૂપચાપ શાંતિથી નોકરી કરી રહ્યા છે. તેવામાં એક મહિનાની તેમની તાલીમની વાત બહાર આવતા જ ખોટા કામ અને બે નંબરનાં ધંધાવાળા એક મહિનામાં કમાણી કરી લેવા માટે થનગની રહ્યા છે.આઇપીએસ તરીકે જોડાયા બાદ દસ વર્ષે આ પ્રકારની ચાર સપ્તાહની તાલીમમાં હૈદરાબાદ ખાતે આવેલી નેશનલ પોલીસ એકેડેમીમાં જવાનું હોય છે. 2012માં આઇપીએસ કેડરમાં જોડાયેલા સૌરભસિંગ પણ આ ટ્રેનીંગમાં ગાંધીનગર ખાતે પોલીસની કરાઈ એકેડેમીમાં સોમવારથી જઈ રહ્યા છે. કોરોનાને લીધે ભારત સરકારનાં ગૃહ મંત્રાલય દ્વારા આ વખતે જે તે રાજ્યની પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

Advertisement


 

 

 

 

 

ભુજ એસપીનો ચાર્જ ગાંધીધામનાં એસપી મયુર પાટીલને
એક મહિનાની ટ્રેનીંગમાં જઈ રહેલા ભુજનાં એસપી સૌરભસિંગનો ચાર્જ પૂર્વ કચ્છનાં ગાંધીધામનાં એસપી મયુર પાટીલને સોંપવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. ક્રિકેટમાં રણજી ટ્રોફી સુધી આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપી ચૂકેલા આઇપીએસ મયુર પાટીલ ઓલરાઉન્ડર ખેલાડી છે.