જયેશ શાહ (મેરાન્યૂઝ.નલિયા): ઇન્ડિયન એરફોર્સ તથા તેના લડાકુ વિમાનોની તાકાતનો પરચો આપતો એક ખાસ પ્રકારનો એર શો કચ્છનાં નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો. ભારતીય વાયુ સેનાનાં સુખોઈ, મિગ તથા મિરાજ જેવા ફાઇટર ઘડીના છઠ્ઠા ભાગમાં કેવી રીતે ઉડીને સચોટ નિશાન લઈ દુશ્મનોનો ખાત્મો કરે છે તે હકીકત ટચુકડા વિમાન દ્વારા એર શો થકી લોકો સમક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિદ્યાર્થીઓ તથા કચ્છનાં ઉચ્ચ અધિકારીની હાજરીમાં ઇન્ડિયન એરફોર્સના ઝાંબાઝ ઓફિસર્સ દ્વારા આ દિલધક એક્સરસાઇસ કરવામાં આવી હતી.

ભારતીય વાયુ સેનાના ગ્રુપ કેપ્ટન પ્રશાંત ગ્રોવર તથા તેમની ટીમમાં રહેલા વિંગ કમાન્ડર-સ્કોડર્ન લીડર રેન્કના નવ ફાઇટર પાઇલોટ દ્વારા ત્રણ ત્રણની ટિમ બનાવવામાં આવી હતી. જેમણે નાના નાના નવ પ્લેન વડે સુખોઈ-મિગ-મિરાજ તથા જગુઆર જેવા એરફોર્સના યુદ્ધ જહાજોની હવામાં આકૃતિ(ફોર્મેશન) બનાવીને ઉપસ્થિત લોકોને અચંબિત કરી દીધા હતા. માત્ર પાંચ મીટર જેટલું સાવ નજીવું અંતર રાખીને આકાશમાં સાવ ઊંધા-ચત્તા થયી જતા 'સૂર્ય કિરન' એર શોનાં ટીચકું વિમાનોએ લડાકુ જહાજો ઉપરાંત ઈસરો તથા યોગને લગતા ફોર્મેશન પણ બનાવ્યા હતા.

નલિયા એર બેઝનાં કમાન્ડર એવા એર કોમોડોર એરિક નાધન જે. એંથોનીની અધ્યક્ષતામાં તથા કચ્છ કલેક્ટર એમ.નાગરાજન સહિતનાં વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બે દિવસ ચાલેલા આ એર શોની ખાસિયત એ રહી છે કે, ભારતનાં વિવિધ રાજ્યો-શહેરો ઉપરાંત વિદેશમાં પણ ઇન્ડિયન એરફોર્સના ચુનંદા ફાઇટર પાઈલોટથી બનેલી આ ટીમ તેના કરતબ બતાવી ચુકી છે.

વાયુ સેનાના ફાઇટર પ્લેન ઉપરાંત સૂર્યકિરન નામના આ શોમાં વજ્ર, યોગ, વાઈડ એંગલ, ડાયમંડ રો, થનડર બોલ, તથા ક્રોસ રો જેવા દિલધડક ફોર્મેશન રચતા હાજર રહેલા લોકોએ પણ તાળીયોનાં ગડગડાટથી વાયુદળનાં ઝાંબાઝ જવાનોને વધાવી લીધા હતા.

જયારે એર કોમોડોરે ગુજરાતી બોલીને સૌને ચોંકાવ્યા

સૂર્ય કિરન એર શો બાદ તેના ઉદ્દેશ્ય તથા કાર્ય અંગે જયારે નલિયા એરબેઝનાં ચીફ એવા એર કોમોડોર એરિક જે. એંથોનીએ કડકડાટ ફાંકડું ગુજરાતી બોલવાનું શરૂ કર્યું ત્યારે કલેક્ટર સહિતનાં ઉપસ્થિત લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. મૂળ અમદાવાદનાં અને ત્યાંની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણેલા એર કોમોડોર એંથોનીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દાયકા પહેલાં થયેલા એર શો બાદ આ પ્રકારની આકાશી કવાયત કરવામાં આવી છે. જેમાં ઐરફોર્સની લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ફોર્સીસનાં જવાનો અને અધિકારીઓ સામાન્ય લોકોથી સુરક્ષાનાં કારણોસર અળગા રહેતા હોય છે. આવા સંજોગોમાં આ પ્રકારનાં શો એવું માધ્યમ બને છે જેના સિવિલિયન તથા ફોર્સના લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. ફાઇટર પ્લેન મિગ ઉડાવવામાં માસ્ટર એવા કોમોડોર એંથોનીએ આસામમાં તેજપુર ખાતે પોતાની કરિયર સ્ટાર્ટ કર્યા પછી ફર્સ્ટ ટાઈમ હોમ સ્ટેટ ગુજરાતમાં, ખાસ કરીને કચ્છમાં કામ કરવાના મોકાને રોમાંચક ગણાવ્યો હતો.