મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ : નોકરીની સાથે સાથે માનવીય અભિગમ રાખવામાં આવે તો તમારો એક નાનકડો પ્રયાસ સામાન્ય માણસ માટે જિંદગીભરનું સંભારણું બની જતું હોય છે. આવું જ કઈંક કચ્છનાં એ 26 અનાથ બાળકો સાથે પણ થયું છે. જેમણે કોરોનાને કારણે તેમનાં માતા-પિતા ગુમાવ્યા છે. બીબાઢાળ સરકારી સિસ્ટમથી ઉપર જઈને ખૂબ જ ઝડપથી બધી પ્રક્રિયા સંપન્ન કરીને કચ્છનાં 26 બાળકો સુધી સહાય પહોંચાડવામાં જેમનો સિંહફાળો છે તેવા IAS અધિકારી મનીષ ગુરવાણીની રાજ્ય સરકારે પ્રમોશન સાથે કચ્છથી બદલી કરી છે. તેમને જયારે ડીડીઓઓનું પ્રમોશન આપીને સરકારે વલસાડ પોસ્ટિંગ આપ્યું છે ત્યારે એક વર્ષ અને નવ મહિનાની તેમની નોકરી દરમિયાન સાચા અર્થમાં લોકોની પાસે જઈને કામ કરનારા આ ઓફિસરને કચ્છનાં લોકો મીસ કરી રહ્યા છે.
મૂળ રાજસ્થાનનાં એવા વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જીનિયર મનીષ ગુરવાણીએ જયારે ભુજનાં પ્રાંત અધિકારી તરીકે ઓક્ટોબર-2019માં ચાર્જ લીધો ત્યારે મીડિયા અને કચ્છનાં લોકોએ તેમને એક 'રૂટિન' વહીવટી પ્રક્રિયા સમજી લીધી હતી. પરંતુ એસડીએમ તરીકે જયારે 2017ની બેચના આ આઈએએસ અધિકારીએ પ્રાંત અધિકારી તરીકે સાચા અર્થમાં તેમના પાવર વાપરીને કામ કરવાનું શરૂ કર્યું ત્યારે લોકોને ખબર પડી કે, જો દિલમાં ખરેખર લોકોની સેવા કરવાની ઈચ્છા હોય તો કોઈ મુસીબત નડતી નથી. ભુજ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીનો ચાર્જ હોવાને પગલે તેમણે ભુજને દબાણથી મુક્ત કરાવવાનું શરૂ કર્યું ત્યારે કચ્છનાં રાજકારણીઓને ગમ્યું ન હતું.
Advertisement
 
 
 
 
 
એક કુશળ વહીવટી અધિકારી કેવો હોય તેનો અદભુત દાખલો આપનાર મનીષ ધારતા તો તેમની ચેમ્બરમાં બેસીને તેમનો તાલીમ અંગેનો આ પિરિયડ પૂરો કરી શકતા હતા. પરંતુ તેમણે ચેમ્બર છોડીને લોકોની વચ્ચે જઈને કામ કરવાનું પસંદ કર્યું. મહિલા કલેક્ટર પ્રવીણા ડી.કે. સાથે કોઈપણ કામને સાચા દિલથી કરનારા આ ઓફિસર ગમેતેવી સ્થિતિમાં ઘટના સ્થળે પહોંચી જતા હતા. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિ દરમિયાન તંત્રમાંથી જો કોઈ પહેલી એન્ટ્રી થતી હોય તો તે પ્રાંત અધિકારી મનીશની હતી.
અબડાસાના પ્રાંત અધિકારી સાથે મળીને તેમને સૌથી પહેલા અબદાદાના8બે બાળકોને મુખ્યમંત્રી બાળ સહાય યોજના હેઠળ મહિને આર્થિક મદદ મળે તે માટે ઝડપી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ સરકારે જ્યારે મદદની રકમ વધારી અને યોજનાને મોટી બનાવી ત્યારે પણ આઈએએસ મનીશે કચ્છનાં તમામ તાલુકાઓમાંથી એવા બાળકોને શોધવાનું શરૂ કર્યું જેમણે માતા પિતાની છત ગુમાવી હોય. અને 26 બાળકોને અત્યાર સુધીમાં તારવી પણ લીધા છે.
આવા માનવીય અભિગમ ધરાવતા ઓફિસર કચ્છમાંથી જાય ત્યારે તેમણે જે કાર્યો કર્યા, ભલે એ ફરજના ભાગરૂપે હોય, તેમ છતા બિરદાવવા જ રહ્યા. અલવિદા મનીષ, અમે ઇચ્છીએ કે તમે ફરી એકવાર કચ્છમાં આવો.