મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ : કોરોનાની રસીને લઈને કચ્છમાં સત્તા પક્ષ ભાજપની માનીતી લોકગાયિકા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એક તરફ જયાં આપણાં જેવા સામાન્ય લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં કોરોનાની રસી મળતી નથી, તેવામાં કથિત લોકગાયિકા ગીતા રબારીને આરોગ્ય વિભાગ દ્વારા ઘરમાં રસી મુકવામાં આવી હતી. અને આ વાતનો ખુદ ગીતાએ સોસીયલ મીડિયામાં ફોટા મુકવામાં આવતા સમગ્ર વાતનો ફાંડો ફૂટ્યો હતો. જોકે કલાકાર ગીતા રબારીને ભાન થાય તે પહેલા જ કેટલાક લોકોએ તેનો સ્ક્રીન શોટ લઈને તંત્રને રજુઆત કરતા ગીતાની મુશ્કેલી વધી ગઈ હતી. બીજીબાજુ કડક કાર્યવાહી કરવા માટે જાણીતા કચ્છનાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર સમગ્ર મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અને ગીતાને ઘરે રસી મુકવા ગયેલા ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી જવાબ માંગવાની કાર્યવાહી કરી હતી. દરમિયાન ગીતાના મામલે તંત્રને દબાવવા માટે ભાજપનાં નેતાઓ દ્વારા ધમપછાડા કર્યા હોવાની પણ વાત બહાર આવી હતી.
Advertisement
 
 
 
 
 
કોરોના તેમજ લોકડાઉન દરમિયાન નિયમોનો ભંગ કરી જાહેર કાર્યક્રમો કરનારી લોકગાયિકા ગીતા રબારીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે વેક્સીન લેતો તેનો ફોટો આટલો વિવાદ સર્જી શકે છે. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં રસીને મામલે લોકો પરેશાન છે. કચ્છમાં તો આપણાં જેવા સામાન્ય લોકોને રસી મુકાવવાવી એ લોઢાનાં ચણા ચાવવા સમાન છે ત્યારે લોકગાયિકા ગીતા ઘરમાં રસી મુકાવે તો સામાન્ય લોકોમાં નારાજગી પ્રવર્તે તે હકીકત છે. અને તેમાં પણ ગીતા જાતે સોસીયલ મીડિયામાં રસી લેતો ફોટો અપલોડ કરે તો તડકામાં કલાકો સુધી રસી લેવા માટે તપસ્યા કરતા આપણાં જેવા સામાન્ય લોકોમાં રોષની લાગણી જન્મે તે સ્વાભાવિક છે. આ તો સારું થયું કે, ભુજની કોંગ્રેસની મહિલા કાર્યકર્તા અંજલિ ગોરે સમયસૂચકતા વાપરીને ગીતાનાં ફોટાનો સ્ક્રીન શોટ લઈને ડીડીઓને ફરિયાદ કરી. નહીંતર આખો મામલો દબાવી દેવામાં આવ્યો હોત.
રજૂઆતને પગલે કચ્છનાં ડીડીઓ ભવ્ય વર્માએ કરેલી તરત કાર્યવાહી પણ કબીલેદાદ છે. કોઈની પણ શરમ કે દબાણમાં આવ્યા વિના ડીડીઓ વર્માએ ગીતાને રસી આપનાર ભુજ તાલુકાના માધાપરની ફિમેલ હેલ્થ સુપરવાઇરને નોટિસ ફાટકારવાની સૂચના આપી હતી.
લોકોને લાઈનમાં અને લોકગાયિકાને ઘરે બેઠા રસી આપવાનાં મામલામાં ભાજપનાં નેતાઓ દ્વારા તંત્રને, ખાસ કરીને ડીડીઓ ભવ્ય વર્માને દબાણ કરવાની વાતો વહેતી થઈ હતી. જેમાં ધારાસભ્ય તો ઠીક છે પરંતુ સાવ ખોટી રીતે કચ્છનાં સાંસદનું પણ નામ લેવામાં આવ્યું હતું. કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાની છબી ખરાબ કરવાને ઇરાદે જાણી જોઈને તેમના જ પક્ષના કેટલાક ઈર્ષાળુ લોકો સામેથી મીડિયાને બ્રિફ કરતા હોવાનો પણ અનુભવ થયો હતો.
Advertisement
 
 
 
 
 
ગીતાનાં બે ઘર છે !
મૂળ અંજાર તાલુકાના ટપ્પર ગામનાં રહેવાસી લોકગાયિકા ગીતા રાબારીનું ભુજમાં પણ ઘર છે. ટપ્પર કે ભુજમાં રસી લેવાને બદલે ગીતાએ ભુજ તાલુકાનાં ઢોરી ગામે વેક્સીન લીધી હતી. જેને કારણે સામાન્ય લોકોમાં વધુ રોષ છે. ગુજરાત ટુરિઝમનાં આઇડલ તરીકે કામ કરનારા ગીતાબેન સામે લોકડાઉનમાં નિયમ ભંગ અંગેની એક કાર્યવાહીમાં પોલીસે નિવેદન પણ લીધેલું છે. આમ વિવાદ અને ગીતા સિક્કાની બે બાજુ છે ત્યારે વેક્સીન વિવાદ ગીતાને આગામી સમયમાં કેવો ફળશે તે જોવાનું રહ્યું.