જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ): પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા પ્રચારમાં એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ બંને પક્ષ ઉપરાંત વિવિધ સમાજ અને જ્ઞાતિનાં લોકો વોટ્સએપ ઉપર ગ્રુપ બનાવીને પ્રચાર કરી રહ્યા છે. તેવામાં બુધવારે વોટ્સએપ ઉપર એક ગ્રુપની લિંક ફરતી થઈ હતી. જેનું નામ "ગદ્દાર હારશે, મતદાર જીતશે" એવું રાખવાની સાથે ભાજપનાં ઉમેદવારનો હાથ રૂપિયાની નોટોની થપ્પી વાળો ફોટો જોવા મળ્યો હતો. ગ્રુપના મોટાભાગનાં મેમ્બર પાટીદાર સમાજનાં હોવાને કારણે કચ્છ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવીને ચૂંટણી લડી રહેલા પ્રદ્યુમનસિંહ જાડેજાનાં ફોટાવાળા આ ગ્રુપનાં પ્રોફાઈલ ફોટોમાં "ગદ્દાર, તારું તો ગોઠવાઈ ગયું પણ મતદારોનું શુ..?" એવું પણ લખવામાં આવ્યું છે. પેટા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો છે ત્યારે આ પ્રકારનાં ગ્રુપ અને પ્રચારથી ભાજપનાં નેતાઓ પણ ચોંકી ઉઠ્યા છે. અગાઉ જાડેજાનાં કાર્યાલયથી એક વ્યક્તિને સંપર્ક યાત્રા અંગે ફોન કોલની વોઇસ ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં એક વ્યક્તિ કોલ કરનારને એવું બોલતો સાંભળવા મળ્યો હતો કે, અમે પી.એમ.જાડેજા જેવા નથી. આ ક્લિપે પણ કચ્છમાં ભારે ચર્ચા જગાવી હતી ત્યારે હવે આ વોટ્સએપ ગ્રુપ ક્રિએટ થતા ફરી એકવાર મામલો ગરમાયો છે.

ગ્રુપમાં આઈબીનાં માણસો પણ

ચૂંટણી જીતવા માટે સત્તા પક્ષ ભાજપ દ્વારા શામ, દામ અને દંડ ભેદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં આ ગ્રુપમાં સ્ટેટ આઈબીનાં માણસો પણ મેમ્બર તરીકે એડ થતા આગામી સમયમાં સરકાર દવારા કોઈ કાર્યવાહી થાય એવું પણ માનવામાં આવી રહ્યું છે. ગ્રુપમાં મોટાભાગના મેમ્બર પાટીદાર સમાજનાં લોકો છે. આ ઉપરાંત ગ્રુપમાં કેટલાક પત્રકારો પણ જોવા મળે છે.