મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ ઉત્તરાયણનાં દિવસે કચ્છનાં સફેદ રણમાં જવાના વેકરીયાનાં રણમાં એક ફોર્ચ્યુનર કારે બે દીકરીના જીવ લીધા હતા. પાંચેક જેટલી અન્ય દીકરીઓને નાની મોટી ઇજાઓ પણ થઈ હતી. રોંગ સાઈડમાં યમદૂત બનીને આવેલી આ કાર એક મહિલા ચલાવી રહી હતી. અકસ્માતનાં બે દિવસ પછી પણ પોલીસ એ જાણી શકી ન હતી કે કાર ચલાવતી એ મહિલા કોણ હતી. સુત્રોનું માનીએ તો આ કાર ભુજ તાલુકા ફરજ બજાવતા એક તલાટીની પત્ની ચલાવી રહી હતી. જો કે બે દિવસ બાદ મહિલાનું નામ પોલીસે જાહેર કરી દીધું હતું.

14મી જાન્યુઆરી ઉત્તરાયણને દિવસે કચ્છનાં અંજાર તાલુકાનાં સાપેડા ગામની દસ દીકરીઓ સફેદ રણ જોવા નીકળી હતી. બે નાના બાળક સાથે મેજીક છકડામાં તેઓ રણ તરફ નીકળ્યા હતા. બપોરે સાડા ત્રણ વાગ્યાનાં અરસામાં તેઓ સફેદ રણનો નજારો માણીને ઘરે આવી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. હતભાગી બે દીકરી સહિત બાર વ્યક્તિ સવાર હતી તે છકડો ભીરન્ડિયારાથી છએક કિલોમીટર પહોંચી હતી ત્યારે સામેથી ધસમસતી આવતી એક સફેદ ફોર્ચ્યુનરે તેમને ટક્કર મારી હતી. GJ-12-BR-4080 નંબરવાળી સફેદ કલરની ફોર્ચ્યુનર કાર જાનકીબેન નિલેશભાઈ જણસારી નામની ત્રીસ વર્ષની મહિલા હંકારી રહી હતી. પોલીસમાં થયેલી સત્તાવાર ફરિયાદ મુજબ, રોંગ સાઈડમાં પુર ઝડપે આવીને ફોર્ચ્યુનરે છકડાને ધડાકાભેર ટક્કર મારી હતી. જેને લીધે કાર અને છકડો બંને વાહન પલટી મારી ગયા હતા. છકડો ઊંધો થઈ જતા બે દીકરીને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. જેને લીધે બહુ લોહી નીકળી આવતા બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જયારે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના ફોટા તથા વિડિઓ પણ સોશિયલ વાઇરલ થયા હતા.


 

 

 

 

 

એક્સીડેન્ટ અંગે ખાવડા પોલીસ સ્ટેશનનાં સબ ઇન્સ્પેક્ટર જયપાલસિંહ સોઢાનો સંપર્ક કરતા તેમણે કાર જાનકીબેન નામની મહિલા ચલાવતી હોવાનું જણાવ્યું હતું. તપાસ બાદ મહિલાની અટક કરી લીધી હોવાનું પણ પીએસઆઇ જે.પી.સોઢા વધુમાં ઉમેર્યું હતું.

ફંકશનમાં પર્ફોમન્સ માટે જતી હતી એ મહિલા

સંગીત અને ડાન્સ સાથે સંકળાયેલી મહિલા જાનકીબેન ઉત્તરાયણની સાંજે સફેદ રણમાં આયોજિત એક ફંક્શનમાં પર્ફોમન્સ આપવા જતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ભુજથી નીકળેલી આ કાર ભીરન્ડિયારાથી છ કિલોમીટર દૂર હતી ત્યારે ભુજ તરફ જતા છકડાને ટક્કર મારી હતી. કાર ભુજનાં મયુર સોની નામનાં એક સંગીતકારની હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે આ કાર કોણે, શા માટે અને તેને કોણ ચલાવતું હતું તે વાત મયુરભાઇને પોતે ખબર ન હોવાનું તેમણે વાતચીતમાં જણાવ્યું હતું.