મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: નલિયાનાં સામુહિક ફુષ્કર્મ કાંડના પડઘા હજુ શમ્યા પણ નથી ત્યાં ભાજપનાં એક સક્રિય સભ્યનું દુષ્કર્મનું કાંડ બહાર આવ્યું છે. જેમાં માંડવી તાલુકાનાં પૂર્વ સરપંચ સામે તેમના સમાજની જ એક અપંગ યુવતીએ નોકરીને બહાને દુષ્કર્મ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. કચ્છ ભાજપનાં એક બાહુબલી માનવામાં આવતા ધારાસભ્યનાં ખાસ માણસ માનવામાં આવતા આ શખ્સની પત્ની માંડવી તાલુકા પંચાયતની ભાજપી સભ્ય પણ છે. કચ્છનાં રાજકારણમાં ખાસ્સી એવી વગ ધરાવતા આ શખસ સામે છેક ગુજરાત હાઈકોર્ટમાં પીડિત યુવતી દ્વારા પત્ર લખવાને કારણે પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ ના હતો.

માંડવી તાલુકાનાં પીપરી ગામનાં સરપંચ રહી ચૂકેલા વાલજી ભવાનજી સંઘાર નામનાં શખશે વર્ષ ૨૦૧૪થી મૂળ માંડવી તાલુકાનાં દરશડી ગામની અને હાલમાં ભુજમાં રહેતી એક વિકલાંગ યુવતીને નોકરી આપવાને બહાને દુષ્કર્મ કરતો આવ્યો હતો.  સામાજિક પ્રસંગે મળેલી યુવતીને તેણે નોકરીની લાલચ આપ્યા પછી આ માથાભારે શખસ દ્વારા યુવતીનાં ખરાબ હાલતમાં ફોટા પાડવામાં આવ્યા હતા. અને આ ફોટા સોસીયલ મીડિયામાં મૂકી દેવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની વાત યુવતીએ પત્રમાં લખી છે.

ગુજરાત હાઈકોર્ટ તેમજ પશ્ચિમ કચ્છનાં એસપીને લખવામાં આવેલા પત્રને કારણે સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવી પડી હોવાનું પણ કચ્છનાં રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે.

ખનીજ ચોરીમાં પણ નામ હતું

કચ્છનાં બાહુબલી ધારાસભ્યના પુત્રનાં કાળા કારોબારમાં સક્રિય એવા આ શખસનું નામ ખનીજ ચોરીમાં પણ બહાર આવ્યું હતું. પરંતુ સત્તાપક્ષ ભાજપ સાથે ખાસ સંબંધ ધરવાતા હોવાને કારણે પોલીસ પણ તેની સામે હાથ નાખતા વિચાર કરતી હતી. આ માથાભારે શખસ દ્વારા  સ્થાનિક પોલીસને મસ મોટો હપ્તો આપવામાં આવતો હોવાને કારણે પણ તેની સામે ફરિયાદ નોંધવામાં મોડું કરવામાં આવ્યું હોવાનું ખુદ પોલીસ સૂત્રો દાવો કરી રહ્યા છે.