મેરાન્યૂઝ નેટવર્ક.ભુજ: કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાના દાવાઓ ભલે થઈ રહ્યા હોય, પણ વાસ્તવિક સ્થિતિ કંઇક અલગ  જ છે. નર્મદા ડેમની સિંચાઈની કેનાલ હજુ સુધી માત્ર રાપર અને ભચાઉ સુધી જ પહોંચી છે. અને એમા પણ કેનાલમાં મોટા ભાગે નર્મદાના નીર મળતા નથી. નર્મદામાં પૂરતું પાણી છે, બંધ ની ઉંચાઈ પણ વધી ગઈ છે અને એક માત્ર વાગડ વિસ્તાર સુધી જ નર્મદાનું પાણી અપાતું હોવા છતાંયે મોટાભાગે નર્મદાની આ કેનાલ ખાલી જોવા મળે છે. દુષ્કાળના આ સમયમાં કચ્છ પાણી ઝંખી રહ્યું છે, પણ સરકાર પાણી પહોંચાડી શકતી નથી, એટલે શનિવારે ભચાઉના ચોબારી ગામના નારાજ ખેડૂતોએ ગાંધીગીરી સાથે પોતાનો વિરોધ દર્શાવીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ પાણી વિનાની કેનાલમાં બેસી ગયા હતા અને રામધુન શરૂ કરી દીધી હતી.

વિરોધ કરવાના આશયથી શનિવારે  ખેડૂતોએ હવનનું આયોજન કરીને રામધૂન બોલાવી હતી અને  સિંચાઇની કેનાલમાં  નર્મદાના નીર વહેતા કરવાની માંગણી કરી હતી. કચ્છની એ કમનસીબી છે કે, નર્મદાના નીર કચ્છમાં પહોંચાડયાનો  દાવો સરકાર દ્વારા સતત કરાતો હોવા છતાંયે વાગડ સુધી પહોંચેલી નહેરમાં પણ પાણી પૂરતા મળતા નથી.  બીજી તરફ ભચાઉથી અંજાર, મુન્દ્રા થઈને મોડકુબા સુધીની સિંચાઇની નહેરનું કામ પણ ધીમી ગતિએ ચાલે છે એટલે પુરુ થતું નથી.

વિપક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે,સરકાર દ્વારા બજેટમાં નર્મદા માટે પૂરતા રૂપિયાની ફાળવણી કે સિંચાઇની નહેરના કામ કયારે પૂર્ણ થશે તે વિશે સ્પષ્ટતા કરાઇ નથી.

દુષ્કાળના વિપરીત સંજોગોમાં કચ્છ માટે નર્મદા ખરેખર જીવાદોરી બની શકે તેમ છે. પણ, વર્તમાન પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતી નર્મદા લડત સમિતિ કહે છે કે, નર્મદાની મુખ્ય નહેરની સાથે  કચ્છમાં બ્રાન્ચ કેનાલના કામો થવા જોઈએ પણ એકે કામ પૂરું કરતું નથી. નર્મદાના સિંચાઈના પાણી માટે ભાજપની સમર્થક કિસાન સંસ્થા ભારતીય કિસાન સંઘ  દ્વારાપણ વારંવાર રજૂઆત કરીને હવે આંદોલનનું એલાન કરાયું છે.

મૂળ વાત એ છે કે, હવે રાજ્ય અને કેન્દ્ર બન્નેમાં જ્યારે ભાજપની જ સરકાર છે, ત્યારે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવા માટે કોંગેસ ઉપર અન્યાયના જુના આક્ષેપો કરવાને બદલે હવે ભાજપે પાણી પહોંચાડવાની જવાબદારી નિભાવવી જોઈએ. કચ્છી માડુઓએ પણ લોકસભાની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી અને ભાજપ ઉપર જે વિશ્વાસ મુક્યો છે એ વિશ્વાસ હવે સાર્થક થાય તેવું ઇચ્છીએ.