દિપક જોશી (મેરાન્યૂઝ. કચ્છ): મહિનાઓ સુધી કચ્છમાં ધમધમતા રહેલા બધા જ બાયો ડીઝલ પમ્પ ગેરકાયદે હતા. આવું બીજું કોઈ નહીં પણ ખુદ ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાનું કહેવું છે. વીસેક જેટલા માપદંડનું કચ્છનાં બાયો ડીઝલ પમ્પ સંચાલકો દવારા પાલન કરવામાં આવતું ન હતું. એટલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. ડીજી ભાટિયા કચ્છની ચાર દિવસની મુલાકાતે આવ્યા હતા. અને તેમની વિઝીટના અંતિમ દિવસે બેઝ ઓઈલના દુષણ અને તેમાં પોલીસની કેવી કાર્યવાહી થઈ છે તે અંગેની ચર્ચા દરમિયાન તેમણે આ નિખાલસ એકરાર કર્યો હતો.

કચ્છમાં બેઝ ઓઇલ અંગે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી તથા હવે બેઝ ઓઇલ ઉપરાંત બાયો ડીઝલનાં પમ્પ ઉપર શુ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે ભુજમાં ડીજીપી ભાટિયાએ માહિતી આપી હતી. જેમાં તેમણે બેઝ ઓઇલ સામેની કાર્યવાહીમાં બાયો ડીઝલ પમ્પ કેમ બંધ કરવામાં આવ્યા ? તેવું પૂછતાં ડીજીપીએ કચ્છનાં તમામ બાયો ડીઝલ પમ્પ માન્યતા વાળા ન હોવાનું એકરાર કર્યો હતો. વીસેક જેટલા માપદંડ આ આ પ્રકારનાં પમ્પને પાળવાના હોય છે. આથી બધા પમ્પ સીઝ કરવામાં આવ્યા હતા. 

બાયો ડીઝલ વેચવા માટે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર 11 જેટલા માપદંડ-પરમીશન લેવાની થતી હોય છે. સમગ્ર કચ્છમાં બાયો ડીઝલના નામે બેઝ ઓઇલ વેચવામાં આવે છે, તે જગજાહેર હતું ત્યારે પોલીસ ગાઢ નિંદ્રામાંથી જાગી હોવાનો ડોળ કરીને થોડા સમય પહેલા જ બાયો ડીઝલના પમ્પ બંધ કરાવી દીધા હતા. ત્યારે રાજ્યના પોલીસ વડાની બાયો ડીઝલ પમ્પ અંગેની નિખાલસ કબૂલાતથી કચ્છ પોલીસની કાર્યવાહી સામે સવાલ થાય તે સ્વાભાવિક છે.

બાયો ડીઝલ પમ્પ અંગે કચ્છ જિલ્લા પુરવઠા વિભાગના સૂત્રોનાં જણાવ્યા મુજબ, પંપ માલિકો દ્વારા કચ્છ વહીવટી તંત્રની પણ મંજૂરી વગર આ પમ્પ કાર્યરત કરી દીધા હતા. આથી થોડા સમય પહેલા જ અંદાજે 15થી વધારે પમ્પને સીલ કરી દીધા હોવાનું જણાવ્યું હતું. કચ્છમાં શહેરોની બહાર દર પચીસેક કિલોમીટરમાં બાયો પમ્પ હતા ત્યાં પુરવઠા વિભાગની આ કામગીરીથી નવાઈ લાગે તેમ છે.

આ બાયો ડીઝલના નામે ચાલતા બેઝ ઓઈલના વેપારમાં જો યોગ્ય તપાસ પોલીસ વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે તો મોટા કદના માનવીઓની સંડોવણી બહાર આવે તેમ હોવાની વાત પણ ડિજીપીની મિટિંગમાં ચર્ચાઇ હતી.