મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલનની જેમ પશ્ચિમ કચ્છમાં આવેલા નખત્રાણા તાલુકાનાં કિસાનોએ પણ નખત્રાણાથી લખપતને જોડતો હાઇવે સોમવારે બંધ કરાવી દીધો હતો. લગભગ પાંચેક કલાક સુધી હાઇવે બંધ રહેતા જયાં એક તરફ લાંબો ચક્કાજામ સર્જાયો હતો ત્યાં બીજી તરફ કિસાનોનાં આ આક્રોશને પગલે પોલીસ અને તંત્ર દોડતું થઈ ગયું હતું. આશરે 60 જેટલા ખેડૂતોને અટકાયત કરવામાં આવ્યા હતા. ભાજપની કેન્દ્ર સરકારની કંપનીનાં વીજ વાયરને મામલે આ ખેડૂતોમાં ગુસ્સો હતો. ચારેક મહિનાની ચર્ચા વિચારણા પછી પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. 

સોમવારે સવારથી જ નખત્રાણા પાસેના કોટડા (જડોદર) ગામમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરીને હાઇવે બ્લોક કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર હસ્તકની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની કંપની દ્વારા સરકારી જમીનમાં સર્વે હાથ ધરવાને મામલે ખેડૂતોમાં નારાજગી હતી. જેને કારણે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ખેડૂતોએ ટ્રેક્ટર અને અન્ય વાહનો રસ્તા વચ્ચે આડા ગોઠવી દેવામાં આવીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. પાવર ગ્રીડ કંપની દ્વારા સોમવારે વહેલી સવારથી જડોદર અને કોટડા વિસ્તારમાં વિજલાઈનનો સર્વે કરવાની કામગીરી પૂર્વ નિર્ધારિત હતી. અને તેનો વિરોધ થશે તે તંત્ર અને પોલીસનાં ધ્યાનમાં હોવાને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપીની એક કંપની  તૈનાત કરવામાં આવી હતી.


 

 

 

 

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ પોલીસે સાથે રાખી હતી. સમગ્ર ઘટના અંગે પશ્ચિમ કચ્છનાં પોલીસ અધિક્ષક સૌરભસિંગએ જણાવ્યા કે, સરકારી જમીનમાં કેન્દ્રની સરકારી કંપની પાવર ગ્રીડ દ્વારા સર્વેની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે SRP સાથે સ્થાનિક પોલીસને બંદોબસ્તમાં મૂકી છે. અંદાજે 30થી40 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું એસપી સૌરભ સિંગએ અંતમાં ઉમેર્યું હતું. નખત્રાણા ડિવિઝનના ડેપ્યુટી એસપી વી.એન.યાદવ તેમજ એસડીએમ સહિત તંત્ર અને પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. અટકાયત કરેલા ખેડૂતોને પાંચેક કલાક બાદ મુકત કરી દેવામાં આવતા હાઇવે પણ ખોલી દેવામાં આવ્યો હતો.