મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: પ્રતિબંધિત ઇથાઇલ આલ્કોહોલને એક્સપોર્ટ કરવા બદલ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખનું CHA (કસ્ટમ હાઉસ એજન્ટ) તરીકેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કંડલા કસ્ટમ હાઉસ દ્વારા પૂર્વ ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તાની રિશી કિરણ નામની કંપનીના નામે લેવામાં આવેલા પરવાના અંગે કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

કસ્ટમ ડિપાર્ટમેન્ટનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, ચેમ્બરનાં પૂર્વ પ્રમુખ દિનેશ ગુપ્તાની કંપની રિશી કિરણ લોજીસ્ટિક કંપની પ્રોહીબીટેડ એવા ઇથાઇલ આલ્કોહોલનું એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાની ટિપ્સ મળતા આ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં ઇન્વેસ્ટિગેશન બાદ ગુપ્તાની કંપનીએ આયાત-નિકાશની પ્રક્રિયામાં ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે તેમનું સીએચએ તરીકેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવતા કંડલા-ગાંધીધામ સંકુલનાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાં આ ઘટનાની ખાસ્સી એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગપતિ દિનેશ ગુપ્તાને પણ આગામી દિવસોમાં સાંભળવા માટે બોલાવ્યા છે.


 

 

 

 

 

કિરણ ગ્રુપનું નામ બહુ મોટુ છે

દેશના મોટા મીડિયા હાઉસનાં વેવાઈ કરતા પણ એક કુશળ ઉદ્યોગપતિ તરીકે જાણીતા દિનેશ ગુપ્તા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે. ચેમ્બરનાં પ્રમુખ હોવાને લીધે કસ્ટમ ડિપાર્ટમેન્ટ ઉપરાંત જીએસટી અને કંડલા પોર્ટ સહિતનાં કેન્દ્રના મોટાભાગના મંત્રલયો સાથે તેમનો ઘરોબો છે. કસ્ટમ કે જીએસટીનાં મોટાભાગનાં કમિશનર તેમને અંગત રીતે ઓળખે છે ત્યારે તેમની કંપની સામેની કસ્ટમ વિભાગની કાર્યવાહીથી અનેકની આંખો પહોળી થઇ ગઇ હતી.