મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: ગુજરાતનાં સરહદી જિલ્લા કચ્છમાંથી બુધવારે સાંજે 24 લાખની કિંમતનું ચરસ ઝડપાયું હતું. જખૌનાં ક્રીક એરિયામાં આવેલા શેખરણ પીર નામના ટાપુ પાસેથી 17 પેકેટ ચરાસના મળી આવ્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને જખૌ પોલીસનાં જોઈન્ટ ઓપરેશન દરમિયાન મળી આવેલા આ માદક પદાર્થના માતબર જથ્થાને પગલે કચ્છનાં સુરક્ષા દળો ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ હતી.

પશ્ચિમ કચ્છ પોલીસનાં અધિક્ષક સૌરભ તોલંબિયાનાં જણાવ્યા પ્રમાણે, જખૌનાં શેખરણ પીર ટાપુ પાસે ગુપ્ત બાતમીને આધારે ક્રિકમાં એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 16 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 24 લાખની કિંમત થાય છે. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું એસપી તોલંબિયાએ વધુમાં ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએથી ચરસનો આ જથ્થો મળી આવ્યો છે તે સ્મગલિંગ ઉપરાંત આંતકી હરકતો માટે કુખ્યાત છે.

અગિયાર વર્ષ પહેલા પણ આ રીતે ચરસ પકડાયું હતું

વર્ષ 2009માં પાકિસ્તાનથી એક જહાજ ચરાસના જથ્થા સાથે નીકળ્યું હતું. જે તોફાનમાં ફસાઈ જતા તૂટી ગયું હતું અને તેમાં રહેલો ચરસનાં પેકેટ પાણીમાં પડી ગયા હતા. રઘુ સ્વીટ એન્ડ ગારલીક કલકત્તા લખેલા રેપરમાં આ ચરસને પેક કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન પણ આ રીતે સમયાંતરે ચરસ પકડાવાની ઘટનાઓ સામે આવી હતી. રેવન્યુ ઇન્ટેલિજન્સથી માંડીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ સહિતની એજન્સીઓ દ્વારા કામ બતવવાના ભાગરૂપે ચરસ પકડાવાની ઘટનાઓ બહાર આવી હતી.