જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ) : ગુજરાતની છ મહાનગર પાલિકાઓમાં મળેલા પ્રચંડ પરાજય બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ 'પંજા'નો સફાયો થાય થાય તેવું વાતાવરણ ઉભું થયું છે. ખાસ કરીને, ગુજરાતનાં સૌથી મોટા જિલ્લા કચ્છમાં તો કોંગ્રેસે એવા વ્યક્તિઓનો સહારો લેવાનું શરૂ કર્યું છે જેમના કારણે કોંગ્રેસને વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન પરંપરાગત અબડાસાની બેઠક પ્રચંડ મતથી ગુમાવવી પડી હતી. લોકોની નાડ પારખવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેલા કોંગ્રેસ પક્ષને કચ્છમાં ભાજપ નહીં પરંતુ તેના નેતા-કાર્યકરો, દશા અને દિશાહીન નેતૃત્વ સ્થાનિક સ્વરાજ્યની ભૂંડી હારનો સામનો કરાવે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

આવું એટલા માટે લાગી રહ્યું છે કે, ચાર મહિના પહેલા જે લોકોને કારણે કચ્છમાં કોંગ્રેસે અબડાસાની તેની પરંપરાગત બેઠક જંગી મતથી ગુમાવી તેમને જ તેઓ પંચાયતોની ચૂંટણીમાં પાછા લાવ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ રાજયથી માંડીને જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સંકલનને નામે મીંડું જોવા મળી રહ્યું છે. જે કોંગ્રેસી નેતા કે કાર્યકરને ચૂંટણીનો ફાયદો મળે તે રીતે તેનો લાભ ઉઠાવી રહ્યા છે. જેને કારણે કચ્છનાં લોકો તો ઠીક ખુદ કોંગ્રેસનાં કાર્યકરોને ખબર નથી કે, તેમના ઉમેદવાર કોણ છે અને શા માટે તેમને ટીકીટ આપવામાં આવી છે. આટલું ઓછું હોય તેમ ચૂંટણીને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસનો પ્રચાર પણ જોવા મળતો નથી. માત્ર અમુક જગ્યાએ દેખાવ પૂરતા કાર્યાલયો ખોલીને ચા-પાણી નાસ્તાની મોજ માણવામાં આવી રહી છે. વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ભુજ અને ગાંધીધામનાં કાર્યકરો પાર્ટીનું ફંડ ઘર ભેગું કરી ગયા હતા તે વળી પાછા સક્રિય થઈ ગયા છે. જેને લીધે કોર્પોરેશન કરતા પણ વધુ ખરાબ રીતે હારનો સામનો કરીને 135 વર્ષ જૂનો કોંગ્રેસ પક્ષ તેનું અસ્તિત્વ ગુમાવી દે તો નવાઈ નહીં.


 

 

 

 

 

જેણે હરાવ્યા તે મુખ્ય મહેમાન

કચ્છની અબડાસાની બેઠક ઉપર જેને કારણે ભાજપે 37 હજાર જેટલી જંગી અને ઐતિહાસિક જીત મેળવી અને કોંગ્રેસ હારી ગઈ તેવા અપક્ષ ઉમેદવાર હનીફ પઢીયાર હાલમાં કોંગ્રેસના મુખ્ય મહેમાન છે. ચાર મહિના પહેલા જે વ્યકતીને કારણે કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો તેવા વ્યક્તિને કોંગ્રેસનાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જોઈને સામાન્ય લોકો તો ઠીક કોંગ્રેસના કાર્યકરો પણ સમજી શકતા નથી કે તેમની પાર્ટીની ખરેખર લાઈન શુ છે. આ અંગે ગુજરાત કોંગ્રેસનાં અઘ્યક્ષ અમિત ચાવડાનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો તો તેમણે ચોંકાવનારી વાત કરી હતી. ચાવડાએ એમ કહીને વાત વાળી લીધી કે, તેઓ પેટા ચૂંટણી પછી તેમને મળવા આવ્યા હતા. અને માફી માંગી લીધી હતી. એટલે અમે તેમને માફ કરીને કોંગ્રેસ માટે કામ કરવાનું કહ્યું હતું. એટલે કદાચ હનીફ પઢીયાર અને તેમની ટીમ કોંગ્રેસનાં ફંક્શનમાં આવી હશે. બીજી બાજુ કચ્છ કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાએ અલગ જ વાત કરી હતી. જાડેજાએ એમ કહ્યું કે હનીફ પઢીયાર કોંગ્રેસનાં કોઈ ઉમેદવાર સાથેનાં અંગત સંબંધને લઈને પ્રોગ્રામમાં આવ્યા હશે. અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ ઇકબાલ મંધરાએ અને અન્ય લોકોએ તો કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે ત્યારે તેઓ કોંગ્રેસ કાર્યાલયનાં ઉદ્દઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે કેવી રીતે આવ્યા હશે તેવા પ્રશ્નનાં જવાબમાં પણ જાડેજાએ અદભુત વાત કહી હતી. જાડેજાએ એમ કહ્યું કે, તેમણે રાજીનામું આપ્યું છે પણ અમે સ્વીકાર્યું નથી. રાજીનામું આપી ચૂકેલા ઇકબાલ મંધરાનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, મે પ્રમુખ તરીકે રાજીનામું જરૂર આપ્યું છે પણ કાર્યકર્તા તરીકે હજુ ચાલુ જ છું. મારું રાજીનામુ સ્વીકાર્ય થયું છે કે કેમ તે મને ખબર નથી એમ મંધરાએ અંતમાં ઉમેર્યું હતું. હવે જયારે કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓને જ કાંઈ સાચી ખબર ન હોય ત્યારે સંગઠનમાં ચબરાક પાર્ટી ભાજપનો કેવી રીતે સામનો કરશે તે એક મોટો પ્રશ્ન છે. 

ભાજપનાં નેતાનો વહીવટ કોંગી નેતા કરે

કોંગ્રેસનાં એક જિલ્લા કક્ષાનાં નેતા દ્વારા કચ્છ ભાજપનાં સહકારી ક્ષેત્રનાં તેમની જ સમાજનાં નેતાનો વહીવટ કરવાની ચર્ચા પણ કચ્છમાં સ્થાનિક ચૂંટણીમાં થઈ રહી છે. નર્મદા સહિતનાં વિવિધ મુદ્દે પ્રેસનોટ આપી માધ્યમોમાં ચમકતા રહેતા આમ કચ્છમાં કોંગ્રેસનો ચહેરો છે. પરંતુ કામ ભાજપનાં નેતાનાં કરે છે. જેને લીધે ચૂંટણી પ્રચારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.


 

 

 

 

 

જેને કોઈ ન રાખે તેને કોંગ્રેસમાં ટીકીટ મળે

ભાજપનાં અસંતુષ્ટોથી માંડીને જેમને ભાજપ કે અન્ય પક્ષ દ્વારા ટીકીટ ન મળી હોય તેવા કેટલાયને કોંગ્રેસે ટીકીટ આપી છે. જેને લીધે પણ કોંગ્રેસનાં કમિટેડ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હદ તો ત્યારે થઈ જયારે અબડાસામા કોંગ્રેસને હરાવનાર હનીફ પઢીયારનાં ભાઈને કોંગ્રેસે ટીકીટ આપી. આટલું ઓછું હોય તેમ વિધાનસભાની ચૂંટણી હારનાર કોંગ્રેસનાં ડોક્ટર શાંતિલાલ સેંઘાણી જાતે મેન્ડેટ લઈને તેમને આપવા જાય છે. પેટા ચૂંટણી વખતે ડોક્ટર સેંઘાણીને ટીકીટ મળે તે માટે ભાજપનાં એક જેલમાં બંધ નેતાએ કોંગ્રેસનાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ભલામણ કરી હોવાની ચર્ચા પણ જોરમાં છે. હવે એ જ સેંઘાણી મેડેન્ટ લઈને જાય ત્યારે લોકો ઉપરાંત કોંગ્રેસનાં કાર્યકરો પણ પક્ષની આ માયાજાળ સમજી શકતા નથી. જોકે કોંગ્રેસની ટીકીટ નક્કી કરવાની ભાજપની આ નીતિ નવી નથી. વિધાનસભાની ચૂંટણી ટાણે એક એવી પણ વાત બહુ ચર્ચામાં આવી હતી કે, ભુજની કોંગ્રેસની ટીકીટ ભાજપે ફાઇનલ કરી હતી. જેમાં ભાજપનાં દિલ્હી કક્ષાનાં દિવંગત મહિલા નેતા અને કોંગ્રેસનાં એક દિવંગત નેતાએ મોટી ભૂમિકા ભજવી હતી. હવે આવી સ્થિતમાં કોંગ્રેસની હાર ન થાય તો શું થાય..?

પરિવારવાદ અને નબળા નેતા હજુ યથાવત

ભારતીય રાજકારણમાં સૌ પ્રથમ વખત પરિવારવાદને લઈને શરમજનક સ્થિતમાં જો કોઈ રાજકીય પક્ષ રહ્યો હોય તો તે કોંગ્રેસ છે. ભાજપે આ મુદ્દો બહુ ચગાવ્યો અને તેમાં તેમને કઈંક અંશે ફાયદો પણ થયો. તેમ છતાં કોંગ્રેસમાં હજુ કોઈ સુધારો આવ્યો નથી. અલબત્ત ભાજપમાં આ ગુણ જોવા મળી રહ્યો છે. જેને કોંગ્રેસ એટલા માટે ચગાવી નથી શકતી કે હજુ પણ પરિવારવાદ તેમનામાં યથાવત છે. કચ્છમાં હાલની ચૂંટણીમાં પરિવારવાદ જોવા મળ્યો છે. જેમાં ગાંધીધામમાં તો એક જ પરિવારનાં તમામ લોકોને ટીકીટ આપવામાં આવી છે. 

પક્ષની આંતરિક ચૂંટણીમાં હારેલા જિલ્લાના નેતા

નગરપાલિકાની ચૂંટણી તો ઠીક પરંતુ એવા વ્યક્તિ જે કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં હારી ગયા હોય તેમને જિલ્લાનું સુકાન સોંપવામાં આવે છે. પોતાના હોટેલ ઉદ્યોગ અને લીકર શોપને કારણે સત્તાપક્ષની શરમમાં રહેતા જિલ્લા કક્ષાનાં નેતાને કારણે પણ કચ્છમાં કોંગ્રેસ જોઈએ તેટલો વિરોધ કરી શકતી નથી. એટલે સત્તા પક્ષ ભાજપ સામે એન્ટી એસ્ટેબલિશમેન્ટ ફેક્ટર હોવા છતાં ફરી એકવાર ભાજપ કોર્પોરેશનની ચૂંટણીની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેદાન મારી જાય તો નવાઈ નહીં.