જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ):કોરોનાનાં પોઝીટીવ કેસનાં આંકડાને લઈને શરૂઆતથી જ વિવાદ થતો રહ્યો છે. દિવાળી બાદ  કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પોઝીટીવ કેસની સંખ્યા વધી છે. તેવામાં કચ્છમાં કેસનો વધેલો આંક ત્રણ દિવસમાં ઘટી જાય છે. જવાબદાર અધિકારી અને સૂત્રો પાસેથી માહિતી મેળવી તો આંચકાજનક વાત બહાર આવી છે. જેમાં એક તરફ સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે, ઉપરથી ટેસ્ટ કરવાની સંખ્યા ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યું છે. બીજી તરફ સરકારી સૂત્રો અન્ય કારણોની સાથે સાથે અમદાવાદમાં નાઈટ કરફ્યુ હોવાને કારણે સેમ્પલનાં રિઝલ્ટ મળવામાં મોડું થઈ રહ્યું હોવાને કારણે કેસની સંખ્યા ઓછી હોવાનું જણાવી રહ્યા છે. 

દિવાળી બાદ જેમ સમગ્ર રાજ્યમાં કોરોના કેસની સંખ્યમાં ઉછાળો જોવા મળ્યો તેમ કચ્છમાં નંબર વધી ગયા છે. વીસમી નવેમ્બરે જયાં પોઝીટીવ કેસની સંખ્યા 20 હતી તે ત્રણ જ દિવસમાં 21 અને 22 નવેમ્બરે અનુક્રમે 30 અને 31 થઈ જાય છે. અને વળી પાછી આ સંખ્યા ઘટી પણ જાય છે. 23 અને 24 નવેમ્બરે આ આંકડો 11 અને 12નો થઈ જાય છે. એટલે સ્વાભાવિક રીતે નવાઈ લાગે કે, અચાનક આમ ફેરફાર કેમ થઈ શકે ? આંકડાની આ માયાજાળ સમજવા માટે કચ્છમાં આંકડાઓ માટે જેમને નિયુક્ત કરવામાં આવ્યા છે તેવા મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે તેમણે કેટલીક રસપ્રદ માહિતી આપી હતી. જેમ કે, સૌથી પહેલા તો તેમણે ટેસ્ટિંગ ઓછું કરવા કે આંકડા જાહેર કરવા માટે કોઈ સૂચના આપવામાં આવી હોવાનો સાફ ઇનકાર કર્યો હતો. લોકલની સરખામણીએ ટ્રાવેલ કરવાવાળા વ્યક્તિઓને પ્રાધ્યાન આપવામાં આવી રહ્યું હોવાની વાત પણ ડિઝાઝસ્ટર મામલતદાર વિજય પ્રજાપતિએ નકારી હતી. જો કે તેમણે એક વાત એવી કરી કે, સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવે છે તેને કારણે વાર લાગી રહી છે. ખાસ કરીને અમદાવાદનાં નાઈટ કરફ્યુને કારણે જે સેમ્પલનાં રિઝલ્ટ 24 કલાક સુધીમાં મળતા હતા તેમાં વાર લાગી રહી છે. સરકારી ખુલાસો ગમે તે હોય પરંતુ જે રીતે કચ્છમાં શરૂઆતથી જ જે રીતે કોરોનાના આંકડા સાથે 'રમત' કરવામાં આવી રહી છે તેને જોતા પોઝીટીવ કેસની સંખ્યા વધીને ઘટી જતા શંકા જાય તે સ્વાભાવિક છે. 

ટેસ્ટ કરાવવું અઘરું, માત્ર ચાર જગ્યાએ થાય છે ટેસ્ટિંગ

ખુદ વડાપ્રધાન મોદીથી માંડીને રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે, ટેસ્ટ વધારવામાં આવ્યા છે. પરંતુ હકીકત અલગ છે. કચ્છની વાત કરીએ તો અહીં રેપીડ એન્ટીજન ટેસ્ટ જરૂર ઝડપથી થાય છે પરંતુ જેની વિશ્વસનીયતા વધુ છે તેવા RT-PCRનો ટેસ્ટ કરાવવો એ લોઢાનાં ચણા ચાવવા બરાબર છે. કારણ કે આવો ટેસ્ટ ગુજરાતનાં સૌથી મોટા એવા જિલ્લા કચ્છમાં માત્ર ચાર જગ્યાએ જ થાય છે. એમાંય વળી ત્રણ જગ્યા તો માત્ર કલેક્શન સેન્ટર છે. ભુજમાં ત્રણ અને ગાંધીધામમાં એક જગ્યાએ RT-PCRનો ટેસ્ટ કરવામાં આવે છે. ચારમાંથી ભુજમાં અદાણી હોસ્પિટલમાં સરકારી ટેસ્ટિંગ છે. જયારે અન્ય ત્રણ જગ્યા ખાનગી છે. એટલે ત્યાં ચાર્જ આપવો પડે છે. અને તે પણ જો ખાનગી ડોક્ટરની ભલામણ (પ્રિસ્ક્રીપશન લેટર) હોય તો જ. એટલે લોકો આવી માથાકૂટમાં પડતા નથી. અને દરરોજ સાંજે (કચ્છમાં મોદી રાતે) પોઝીટીવ કેસનાં જે આંકડા આપવામાં આવે છે તે માત્ર RT-PCRનો ટેસ્ટવાળા જ હોય છે. એટલે કે તેમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની સંખ્યા હોતી જ નથી. ખરેખર જો રેપીડ એન્ટીજન કેસનો આંકડો બતાવવામાં આવે તો કચ્છમાં આ આંક 50થી પણ વધુ હિય શકે છે તેમ આરોગ્ય વિભાગનાં સૂત્રો નામ ન આપવાની શરતે દાવો કરી રહ્યા છે. જો કે ડિઝાઝસ્ટર મામલતદાર પ્રજાપતિએ અદાણી સહિત અન્ય ત્રણ જગ્યાનો પણ આંકડો સામેલ હોવાનું જણાવી રહ્યા છે. સાચી સત્ય સભર માહિતી મળવાની આશા બહુ ઓછી છે. કારણ કે, ભુજની કહેવાતી સરકારી હોસ્પિટલ અદાણી સિવાયનાં આંકડા આપવા અંગે કચ્છનાં તંત્રનાં અધિકારીઓ એક બીજાને માથે પડી રહ્યા છે.