મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દવારા કલંકિત અને વિવાદાસ્પદ ઉમેદવારોને ટીકીટ આપવા અંગે ખાસ્સી એવો વિવાદ થઈ રહ્યો છે. ત્યારે કચ્છની જિલ્લા પંચાયતની ગળપાદર સીટના ભાજપનાં ઉમેદવાર સામે તાજેતરમાં જ અસ્તિત્વમાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ (ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક-૨૦૨૦ ) હેઠળ ફરિયાદ થઈ હોવાનો મામલો બહાર આવ્યો છે. જેને લીધે સ્વચ્છ અને કેડર બેઝ પાર્ટી મનાતા ભાજપ પક્ષની ઇમેજને ઝાંખપ લાગે તેવી સ્થિત ઉભી થઇ છે. જમીનના અન્ય કેસમાં તો કલેકટર દ્વારા મનાઈ હુકમ પણ કરવામાં આવેલો છે. ગાંધીધામ ક્ષેત્રનાં ધારાસભ્યની ભલામણથી ટીકીટ મેળવનાર સરપંચ પતિ એવા ઉમેદવાર સામે ફરિયાદનો મામલો બહાર આવતા કોંગ્રેસને પણ જાણે મોકો મળી ગયો છે.


 

 

 

 

 

ગાંધીધામનાં પડાણા ગામની જમીનને મામલે જિલ્લા પંચાયતની ગળપાદર બેઠકના ભાજપનાં ઉમેદવાર ધનાભાઈ નારણભાઇ હૂંબલ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત તેમના ગામનાં એક વેપારીએ કચ્છ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે. જે સંદર્ભે અંજારના નાયબ કલેક્ટરે તેમને નોટિસ ફટકારીને તપાસ માટે બોલાવ્યા છે. ફરિયાદ મુજબ, પડાણા ગામનાં સરપંચ શાંતિબેન હૂંબલના પતિ અને ભાજપનાં ઉમેદવાર ધનાભાઈ હૂંબલે સરકારી જમીન ઉપર કબજો કરી લીધો છે એટલું ન નહીં પરંતુ પીજીવીસીએલનાં ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને તેમાં વીજ કનેક્શન મેળવી લીધું છે. વેપારી દ્વારા આ સંદભે પણ પીજીવીસીએલમાં ફરિયાદ કરી છે. આ ઉપરાંત તેમની અન્ય એક જમીનમાં તો ખોટી રીતે બિનખેતીનો હુકમ થઈ જતા કચ્છ કલેક્ટર દ્વારા તેમાં મનાઈ હુકમ પણ કરવામાં આવેલો છે.

જમીન પચાવી પાડવાના બબ્બે મામલામાં પડાણા ગામનાં સરપંચ પતિની સંડોવણી હોવા છતા સ્વચ્છ પાર્ટી માનવામાં આવતા ભાજપે તેમને ટીકીટ આપતા ખુદ ભાજપમાં પણ આ મામલે ઉકળતા ચરું જેવી સ્થિતિ છે. આ અંગે નારણભાઇ હૂંબલનો સંપર્ક કરતા તેમણે ફરિયાદ ખોટી હોવાનું કહીને તેમાં કોઈ તથ્ય નથી તેમ જણાવ્યું હતું. બીજી બાજુ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ થઈ હોય તેવા વ્યક્તિને ટીકીટ કેવી રીતે મળી તે જાણવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ મળી શક્યા ન હતા.


 

 

 

 

 

પંચાયતનો વહીવટ પત્નિ નહીં પણ પતિ કરતા

જમીન પચાવી પાડવાનો જેમની ઉપર આક્ષેપ છે તેવા ધનાભાઈ ઉર્ફે ધનજીભાઈ હૂંબલ પડાણા ગ્રામ પંચાયતનો સમગ્ર વહીવટ તલાટી સાથે મળીને તેમની પત્નીને બદલે જાતે કરે છે. અને આ અંગેના ફોટા વાયરલ થતા વિવાદ પણ સર્જાયો હતો.

જમીન કૌભાંડમાં સંડોવાયેલાની સંખ્યા મોટી

કચ્છમાં ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં ટીકીટ ફાળવવામાં આવી છે તેમાં, મહદઅંશે ઉમેદવાર જમીન પ્રકરણથી માંડીને કોઈકને કોઈક ગુન્હાઓમાં ખરડાયેલા હોય તેવા લોકોને ટીકીટ આપવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અત્યાર સુધી આ મામલે વાત બહાર આવતી ન હતી. પરંતુ ટીકીટ ફાળવણીમાં કયાંક ને કયાંક પરિવારવાદ અને લોબિંગ કરવામાં આવતા કજીદ ભાજપનાં લોકો એકબીજાનાં ટાંટિયાં ખેંચી રહ્યા છે. પરિણામે ભાજપનાં પોતાના ઘરનો કંકાશ બહાર આવી રહ્યો છે.