દિપક જોશી (મેરાન્યૂઝ. કચ્છ): જાન્યુઆરીનાં અંતિમ દિવસોમાં ઠંડીએ તેનું જોર બતાવ્યું છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર ગુજરાતમાં ચમકારો જોવા મળ્યો છે ત્યારે કચ્છમાં પણ ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કચ્છમાં તો 26મી જાન્યુઆરી મંગળવારે પારો 2.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જે એક દાયકાનો રેકોર્ડ હતો.

કચ્છમાં હિમાલય તરફથી પવન આવતો હોવાથી આગામી  દિવસોમાં હજુ પણ દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. છેલ્લા બે દિવસના આંકડા ઉપર નજર કરીએ, તો 26મી જાન્યુઆરીએ નલિયાનું તાપમાન 2.8 ડીગ્રી માત્ર વર્ષનું જ નહીં પરંતુ એક દાયકનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જિલ્લા મથક ભુજ 9.8 ડીગ્રી તેમજ કંડલા એરપોર્ટનું 8.4 ડીગ્રી તાપમાન રહ્યું હતું. જેને પગલે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કચ્છ હવામાન વિભાગના અધિકારી રાકેશકુમારના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસોમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. આ ઉપરાંત લઘુતમ તાપમાન પણ 4થી5 ડિગ્રીનો ઘટાડો થશે. કચ્છના અમુક રેતાળ તેમજ ખુલ્લા વિસ્તારમાં હજુ પણ ઠંડી વધશે.27 જાન્યુઆરીના  હવામાન વિભાગના આંકડા પ્રમાણે નલિયામાં 3.4 ડીગ્રી,કંડલા એરપોર્ટ 8.0 ડીગ્રી અને ભુજમાં 10.4 ડીગ્રી રહ્યું હતું.

રાજ્યમાં કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં  પોરબંદર, ભાવનગરમાં સૌથી વધારે અસર જોવા મળશે તેવું હવામાન ખાતાના સૂત્રો જણાવ્યું હતું. રાજ્યનાં અન્ય ભાગમાં અમદાવાદમાં 10 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. ગાંધીનગરમાં 8, રાજકોટ, કેશોદ, પોરબંદર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં 9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે