મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ કચ્છના જખૌ નજીકના દરિયામાંથી ઇન્ડિયન કોસ્ટગાર્ડ  દ્વારા એક પાકિસ્તાની માછીમાર બોટને આંતરી લઇ કરાચીથી  ગુજરાત તરફ આવતો 400 થી 500 કરોડનો હેરોઇનનો જથ્થો કબ્જે કર્યો છે. કોસ્ટગાર્ડ દ્વારા બોટમાં રાખવમાં આવેલ 193 પેકેટ કબ્જે કરી કેમીકલ પરીક્ષણ માટે મોકલી આપવમાં આવ્યો છે. મોટું કન્સાઇમેન્ટ હાથ લાગ્યાના પગલે સુરક્ષા વિભાગની અન્ય એજન્સીઓએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

સોમવારે બીઆરઆઇ અને અન્ય કુફિયા એજન્સીઓ દ્વારા ઇન્ડિયન કોસ્ટગાર્ડને ઇન્પુટ આપવામાં આવ્યા હતા કે  ગુજરાતના દરિયા કિનારામાં પાકિસ્તાનથી એક બોટ માદક ઉપદ્રવ્યનો વિશાળ જથ્થો ભરીને ગુજરાત તરફ આવી રહી છે. જેને લઇને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સચેત થઇ હતી અને બે ફાસ્ટ ઇન્સ્પેકટર બોટ દ્વારા દરિયામાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલીંગ દરમ્યાન અલ-મદીના નામની એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ આંતરી લેવામાં આવી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટનો કબ્જો લઇ દરિયામાં જ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ બોટમાં સવાર પાકિસ્તાની ખલાસીઓના કબ્જામાંથી જુદી જુદી પાણી ભરેલી 7 બેગ મળી આવી હતી. આ બેગને તોડીને તપાસ કરતા તેની અંદરથી 400 થી 500 કરોડની કિંમતના હેરોઇનના 193 પેકટ મળી આવ્યા હતા. કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટ અને ખલાસીઓને ત્વરીત જખૌ બંદરે લઇ આવવામાં આવ્યા હતા. આ જથ્થો કરાંચીથી રવાના થયો હતો અને ગુજરાતમાં સપ્લાય કરવાની વિગતો જાણવા મળી છે. હેરોઇનનો મોટો જથ્થો પકડાયો હોવાની જાણ થતા જ દેશની સુરક્ષા-વ્યવસ્થા સાથે સંકળાયેલી અન્ય એજન્સીઓએ પણ તપાસનો ઝંપલાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2019ના કોસ્ટગાર્ડ અને એ.ટી.એસ દ્વારા 100 કિલો હેરોઇનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ટૂંકા ગાળામાં જ મોટી સફળતા હાથ લાગી છે. આ ઉપરાંત હવે સવાલ એ ઊભો થાય છે કે આ પાકિસ્તાનીઓ ગુજરાતમાં કોને આ માલ સપ્લાય કરવાના હતા, એવું કોણ છે જે પાકિસ્તાનમાં ગેરકાયદેના ધંધાઓના સંપર્કો ધરાવે છે. જોકે હજું તપાસમાં આ બધા સવાલોના જવાબો સામે આવે અને તે શખ્સ પણ પકડાય તથા તેને પણ કાયદાકીય રીતે સજાને પાત્ર થાય છે કે કેમ તે જોવું રહ્યું...