જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ) સીએમ વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પણ આગળ નીકળી ગયા હોય તેવો ઘાટ છે. જી, હા વાત બિલકુલ સાચી છે. કારણ કે ચીનના રાષ્ટ્રપતિ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના તથા પીએમ મોદીનાં કાફલાને ઝૂંપડપટ્ટીઓ, ગરીબો ન દેખાય તે માટે પડદા પાડી દેવામાં આવ્યા હતા. ગુજરાતનાં મુખ્યપ્રધાન રૂપાણી કચ્છમાં આવ્યા છે ત્યારે અહીં પણ આવા જ કેટલાક પડદા પાડી દેવામાં આવ્યા છે. અલબત્ત કચ્છ ભુજમાં ઝૂંપડપટ્ટી ઢાંકવા માટે નહીં પરંતુ કરોડો રૂપિયાને ખર્ચે તૈયાર થયેલી જી.કે. જનરલ હોસ્પિટલને ઢાંકી દેવામાં આવી છે. જેને કારણે બહારથી હોસ્પિટલમાં અને હોસ્પિટલની અંદરથી બહાર જોઈ શકાતું નથી.

સીએમ વિજય રૂપાણીની એક દિવસની કચ્છની મુલાકાતને લઈને તંત્ર દ્વારા એક સપ્તાહ પહેલાથી તૈયારીઓ ચાલી રહી હતી. દરમિયાન બુધવારે ભુજમાં આવેલી જી.કે. જનરલ હોસ્પિટલની ફેંસિંગને પડદા વડે ઢાંકી દેવામાં આવતા અહીંથી પસાર થતા લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી અને તેમને અમદાવાદમાં પડદા વડે ઝુંપડા ઢાંકી દેવાની ઘટના યાદ આવી ગઈ હતી. માત્ર એટલું જ નહીં સાથે સાથે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં હતા અને જે રીતે સોસાયટીના લોકોને બારીઓ બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે ભુજની ઘટનામાં તો કરોડોની આલેશાન હોસ્પિટલ કેમ ઢાંકી દેવામાં આવી તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. કદાચ સીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલને ઢાંકી દેવામાં આવી હોય તેવું સૂત્રોએ જણાવ્યું હતું.