જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ) : કચ્છનાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)નાં ગાંધીધામ યુનિટમાં તૈનાત કાશ્મીરી જવાન જાસુસી કરતા ઝડપાયો છે. ગુજરાતનાં એન્ટી ટેરરિસ્ટ સ્કોડ (ATS) દ્વારા આ જવાનની ધરપકડ કરવામાં આવતા બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. સમગ્ર મામલામાં હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ આ કાશ્મીરી જવાન ત્રિપુરામાં ડ્યુટી ઉપર હતો ત્યારથી તેનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. અને કચ્છમાં આવ્યા પછી પણ તેની ઉપર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગુજરાત એટીએસને ટીપ્સ મળતા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.
સુત્રોનાં જણાવ્યા મુજબ, જમ્મુ કાશ્મીર રાજ્યનાં રાજોરી જીલામાં રહેતો આ જવાન બે મહિના પહેલા તેની બટાલિયન કચ્છમાં ગાંધીધામ ખાતે આવતા અહીં આવ્યો હતો. ઇન્ટેલિજન્સ એજન્સીઓની તેની ઉપર નજર હતી અને તે અંગે ગુજરાત એટીએસને પણ જાણ કરવામાં આવતા તેની ઉપર ફોક્સ કરવામાં આવ્યું હતું. આ મુસ્લિમ કાશ્મીરી યુવાન સાતેક વર્ષ પહેલા જ બીએસએફમાં ભરતી થયો હતો.
Advertisement
 
 
 
 
 
સુત્રોનાં જણાવ્યા મુજબ, ગાંધીધામની 74મી બટાલિયાનમાં તૈનાત આ કાશ્મીરી જવાન અંગે આજે સાંજ સુધીમાં ગુજરાત એટીએસ દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવે તેવી સંભાવના છે.
આંતકીઓ તેમના યુવાનોને ભરતી કરાવતા હોવાની શંકા
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા ભારતમાં જાસુસી કરવા માટે અલગ અલગ તરકીબો અપનાવવામાં આવી રહી છે. જેમાં આંતકી સંગઠનો તેમના માણસોને કાશ્મીરી યુવકોનાં બહાને ભારતીય સુરક્ષા દળમાં ભરતી કરાવીને તેમનો મનસૂબો પાર પાડતા હોવાનું ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજનાઓના ધ્યાનમાં આવ્યું છે. બીએસએફનો આ જવાન પણ આવી કોઈ નાપાક તરકીબનો હિસ્સો છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.