મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 38 કાર્યકરને સસ્પેન્ડ કરવાનો મામલો પેચીદો બની ગયો છે. એમાંય વળી મુન્દ્રનાં કાર્યકર દ્વારા તો કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ સામે હાઇકોર્ટમાં બદનક્ષી અંગેનાં દાવાની આડકતરી ધમકીથી તો મામલો વધુ ગંભીર બની ગયો છે. ભાજપ પક્ષ છે કે પેઢી ? એવો સ્ફોટક પ્રશ્ન કરીને આ કાર્યકરે ભાજપે પાર્ટી સિદ્ધાંત નેવે મૂકી દીધા છે એવો ગંભીર આક્ષેપ કર્યો છે.

વિનંતીનાં સ્વરમાં, પરંતુ આડકતરી રીતે કચ્છ ભાજપ કેશુભાઈ પટેલને માધ્યમો સમક્ષ ધમકી આપતા મુન્દ્રનાં ભાજપનાં સસ્પેન્ડેડ કાર્યકર ધર્મેન્દ્ર સામજી જેસરે સોમવારે તેમના સસ્પેનશન બાદ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે પક્ષ માટે સક્રીય કાર્યકરોને બદલે થોડા દિવસ પહેલા જ પક્ષમાં આવેલા સામાન્ય કાર્યકરોને મુન્દ્રમાં ટીકીટ આપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપનાં નેજા હેઠળ જ કચ્છની સૌથી ધનવાન ગ્રામ પંચાયતનાં સરપંચ રહી ચૂકેલા ધર્મેન્દ્ર જેસરે ભાજપે સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમના પત્ની સીમા ધર્મેન્દ્ર જેસર ભાજપનાં કાર્યકર ન હોવા છતાં તેમને સસ્પેન્ડ કરીને ભાજપે તેમના પરિવાર અને પત્નીની બદનામી કરી છે.


 

 

 

 

 

એટલે જો સોમવાર સાંજ સુધીમાં ભાજપ દ્વારા આ અંગે કોઈ ખુલાસો કરવામાં નહીં આવે તો હાઇકોર્ટમાં બદનક્ષીનો દાવો કરશે એવું પણ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. પાર્ટીના નિયમ પ્રમાણે ત્રણ વખત નોટિસ અને ત્યારબાદ ખુલાસો યોગ્ય ન લાગે તે સ્થિતિમાં સસ્પેનશનનું પગલું લેવામાં આવતું હોય છે તેમ જણાવીને જેસરે કચ્છમાં ભાજપ પાર્ટી છે કે પેઢી એવો પ્રશ્ન કરતા હવે આ મામલો આગામી દિવસોમાં વધુ વિવાદ કરશે તેવો દાવો સૂત્રો કરી રહ્યા છે.

સ્ત્રી સન્માનની વાતો ભાજપ કરે છે પરંતુ વાસ્તવમાં મહિલા સન્માન સાથે કોઈ સંબંધ નથી તેવું કહીને મુન્દ્રનાં પૂર્વ સરપંચ જેસરે ગઈકાલ સુધી ભાજપનો પ્રચાર કરતી મહિલાઓને કેમ સસ્પેન્ડ કરી તેવો આકરો પ્રશ્ન પણ ભાજપ મોવડી મંડળ સમક્ષ કર્યો હતો.

ગુજરાત ભાજપનાં મહામંત્રી અને કચ્છનાં ઇન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું કે, જેસર સક્રિય કાર્યકર હતા એટલે એમને પાર્ટીની પરંપરા પ્રમાણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેસરનાં પત્નીને સસ્પેન્ડ કરવા અંગે તેમણે જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલને પૂછવા જણાવ્યું હતું. કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કહ્યું કે, સ્થાનિક કક્ષાએથી આવેલી સૂચિ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી અને  અશિસ્ત કરનારા કાર્યકરને સાંખી લેવામાં આવશે નહીં.

'મિસ કોલીયા કાર્યકરોને ટીકીટ આપી'

ટીકીટ ફાળવણીમાં ભાજપે તમામ સિદ્ધાંતો નેવે મુકવાનો આક્ષેપ કરીને ધમેન્દ્ર જેસરે મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે, મુન્દ્રમાં સક્રિય કાર્યકરો સાથે અન્યાય થયો છે. થોડા સમય પહેલા જ મિસ કોલ કરી સભ્ય બનેલા સામાન્ય કાર્યકરોને ટીકીટ આપવામાં આવી છે. અને તેમને આ અંગે પણ વાંધો છે.