મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: કોરોના કાળ દરમિયાન જો કોઈએ સૌથી વધુ અને વારંવાર નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો તે ભાજપનાં કાર્યકરો છે. સત્તામાં હોવાને કારણે તંત્ર અને પોલીસ પણ તેમની જગજાહેર નિયમ ભંગના કૃત્ય સામે આંખ આડા કાન કરતું હોય છે. તેવામાં કચ્છમાં ભુજ ખાતે રવિવારે જાણે કે સોશિયલ ડિસ્ટન્સ તો બીજેપીના DNAમાં છે જ નહીં  તે રીતે અનેક કાર્યકરો અને નેતાઓ ટાઉન હોલમાં એકઠા થયા હતા. ગુજરાત ભાજપની ટીમમાં નિયુક્ત કરવામાં આવેલા નેતાઓની વધામણી કરવા માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જયાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો ભેગા થયા હતા. અને માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સના નિયમોની અનદેખી કરી હતી. જોકે આવું હાલ દરેક રાજકીય પાર્ટીઓમાં જોવા મળી રહ્યું છે. 

ભુજમાં રવિવારે ગુજરાત ભાજપમાં નિયુક્ત કરવામાં આવેલા સાંસદ વિનોદ ચાવડા તથા પ્રદીપ વાઘેલાનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અપેક્ષા પ્રમાણે ઉપસ્થિત લોકો વડાપ્રધાન મોદીની "દો ગજકી દુરી હૈ જરૂરી" અપીલને પણ ફગાવી દીધી હતી. કેટલાક તો માસ્ક વગર જોવા મળ્યા હતા. માંડ કોરોના કંટ્રોલમાં આવ્યો છે ત્યારે ભાજપની આવી ભવાઈને કારણે ભુજમાં કોરોનાનું સંક્રમણ વધી જાય તેવી સ્થિતી જોઈને અહીંથી પસાર થતા મારા-તમારા જેવા કોમન મેન પણ ટેન્શનમાં આવી હતા. અલબત્ત સત્તાનાં નશામાં રહેલા ભાજપનાં નેતાઓ અને કાર્યકરો જાણે કશુ થયું જ નથી તેવા ભાવ સાથે સફળતાપૂર્વક ટાઉનહોલનો અભિવાદનનો કાર્યક્રમ પૂરો કર્યો હતો. 

કૂવામાં હોય તો અવાડામાં આવે ને..!

સી.આર.પાટીલ જ્યારથી ગુજરાત ભાજપનાં પ્રમુખ બન્યા છે ત્યારથી સમયાંતરે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ભંગના મામલે સમગ્ર રાજ્યમાં અવ્વલ રહ્યા છે. વાત તેમની રેલી હોય કે સભાની કે પછી રોડ ઉપર કરતા ગરબાની, હંમેશા તેમનું નામ મોખરે જ હોય છે. તેવામાં તેમની ટીમનાં લોકોનો અભિવાદન કાર્યક્રમ હોય અને તેમાં નિયમનો ભંગ ન થાય તેવું કેમ ન બને. પ્રમુખ સાહેબની પરંપરાને કચ્છનાં ભાજપીઓએ હોંશભેર આગળ વધારી હતી.

પોલીસ-તંત્ર સુઓમોટો કાર્યવાહી કરશે

મારા તમારા જેવો સામાન્ય માણસ જો માસ્ક ન પહેરે તો પોલીસ ભર બજારે એક હજારનો દંડ વસૂલી લેતી હોય છે. તેવી જ રીતે આપણાં ઘરે પ્રસંગ હોય અને તંત્રની મંજૂરી લેવા જઈએ તો તંત્ર ડોળા કાઢતું હોય છે. ભુજનાં જે ટાઉનહોલમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં જો આપણે આવું કરીએ તો સામે આવેલી કલેક્ટર ઓફીસ અને બાજુમાં આવેલી એસપી ઓફિસમાંથી તરત જ માણસો આવી જાય અને દંડ ફટકારીને કાર્યવાહી કરતા સહેજ પણ અચકાય નહીં. ત્યારે એસપી અને કલેક્ટરની નજર આગળ થયેલી ભાજપની આ ભવાઈ અંગે પોલીસ કે તંત્ર સુઓમોટો કાર્યવાહી કરે છે કે નહીં તેની ઉપર ભુજનાં લોકોની નજર રહેશે.