મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ : થોડા દિવસો પહેલા જ ભાજપનાં એક યુવા નેતાનો વિવાદ બહાર આવ્યો હતો. જેને કારણે સમગ્ર મામલો કચ્છનાં રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલો છે તેવામાં ઓચિંતા કચ્છ ભાજપનાં મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ સામેથી રાજીનામુ ધરી દેતા સૌની આંખો પહોળી થઇ ગઇ છે. ભાજપનાં સત્તાવાર સૂત્રોએ આ અંગે સમર્થન આપ્યું છે.

રાજીનામાની વાતને સમર્થન આપતા કચ્છ ભાજપનાં પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વિવાદને પગલે કચ્છ ભાજપનાં મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ રાજીનામુ આપી દીધું છે. પક્ષ દ્વારા તેમને વિવાદ અંગે પૂછવામાં આવતા તેમણે સામેથી મહામંત્રી પદેથી રાજીનામુ આપ્યું હોવાનું પટેલે ઉમેર્યું હતું. ભાજપ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે કે કેમ તે અંગે જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બે પરિવાર વચ્ચેનો મામલો છે. જાડેજા ભાજપનાં પ્રાથમિક સભ્ય પદે ચાલુ હોવાનું અંતમાં તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કચ્છનાં એક ભૂતપૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે કચ્છ ભાજપનાં એક યુવા નેતાનાં લફરાને પગલે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન જ કચ્છ ભાજપનાં મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાનું રાજીનામું આપવાની વાત બહાર આવી છે.