જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ) : કોરોનાની મહામારી વચ્ચે લોકોનાં સુખ દુઃખ અને સરકારી મશીનરી બરાબર કામ કરે છે કે નહીં તે જાણવા માટે શનિવારે મુખ્યપ્રધાન રૂપાણી તેમની ટીમ સાથે કચ્છ આવ્યા હતા. અહીં તેમણે કચ્છમાં બે હજાર બેડ ઉભા કરવાની સાથે 80 વેન્ટિલેટર આપવાની જાહેરાત કરી હતી. દર્દીઓને પણ મળ્યા. કુલ મળીને એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થયો કે, આવી મુશ્કેલીની ઘડીમાં સરકાર લોકો સાથે છે, તેમની ચિંતા કરી રહી છે. આ જાહેરાતો અને વાતોને મોટાભાગનાં માધ્યમોએ આવરી લીધી, પરંતુ એવી વાતો કે ઘટનાઓ પણ બની જેને જાણવાનો તમને હક છે. 'સબ સલામત'ની બાંગ વચ્ચે સીએમની કચ્છ વિઝીટ વખતે કયાંક હાઇકોર્ટની ટકોરની ઝલક જોવા મળી તો કયાંક તંત્ર અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ. તો કયાંક જનપ્રતિનિધિની ભેદી ચુપકેદી. ગણતરીના કલાકો વચ્ચે બનેલી આવી ઘટનાઓ કઈંક આવી છે : 

'એ તો બાપુ છે, બોલ્યા કરે'
મીડિયા દ્વારા સીએમને સવાલો કરવામાં આવ્યા હતા. તેમાં કોઈકે હિન્દીમાં પૂછ્યું કે, પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા કહે છે કે, 'ન સ્કૂલ બને - ન અસપ્તાલ, મંદિર ઔર મસ્જિદ - કાર્યાલય બને'. ત્યારે વિજયભાઈએ શરૂઆત હિન્દીમાં કરી કે, હમ તો વારંવાર. એમ કહીને ગુજરાતીમાં કહું છું અને બોલ્યા કે, એ તો બાપુ છે, બોલ્યા કરે. જેને કારણે એક પૂર્વ મુખ્યમંત્રી અંગે ચાલુ મુખ્યમંત્રીની ટીપ્પણી વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની હતી. 

મુખ્યપ્રધાનનું રેડ કાર્પેટથી સ્વાગત કરવામાં આવ્યું
સંવેદનશીલ સરકારનાં મુખીયા તરીકે વિજયભાઈ પ્રત્યે સૌ કોઈને માન અને લાગણી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જયારે કોરોના જેવી મહામારી વચ્ચે જયારે રાજ્યનાં મોભી એવા મુખ્યમંત્રી લોકોનાં સુખદુઃખ અને ખબર અંતર લેવા આવતા હોય ત્યારે રેડ કાર્પેટથી તેમનું આવકારવું યોગ્ય છે ? આ સવાલ વાચકો ઉપર જ છોડી દઈએ છે. કદાચ સંવેદનશીલ સીએમને પણ આ નહીં ગમ્યું હોય.


 

 

 

 

 

પ્રભારી મંત્રી અને સચિવ જ ગેરહાજર
તંત્ર અને સરકાર વચ્ચે મહામારીના સમયમાં સંકલન થાય અને કોરોનાના અંગેની ખૂટતી કડીઓ સાધી શકાય તે માટે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં પ્રભારી સચિવ અને મંત્રીની નિમણુંક કરી છે. કચ્છનાં પ્રભારી મંત્રી તરીકે મિનિસ્ટર દિલીપ ઠાકોર છે જયારે સચિવ તરીકે કચ્છમાં કામ કરી ચૂકેલા સનદી અધિકારી હર્ષદ પટેલ છે. પ્રભારી મંત્રી દિલીપ ઠાકોર પોતે કોરોના પોઝીટીવ છે અને હોમ કોરોન્ટાઇન છે. જયારે પ્રભારી સચિવ હર્ષદ પટેલ અમદાવાદમાં ફરજ બજાવે છે. એટલે સ્વાભાવિક છે કે, બંને મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત વેળાએ જોવા મળ્યા ન હતા. જે પ્રભારી કોઈક કારણોસર કચ્છ ન આવી શકતા હોય તો તેમને પ્રભારી બનવવાનો અર્થ શું છે ? શું તેમના સ્થાને અન્ય કોઈને પ્રભારી ન બનાવી શકાય ? જેમ કે કચ્છ માટે પ્રભારી સચિવ તરીકે રાજકુમાર બેનિવાલ હતા. તેમના સ્થાને હર્ષદ પટેલને મુકવામાં આવ્યા છે. સીએમની વિઝીટ ટાણે જ જો પ્રભારીઓ હજાર ન રહી શકતા હોય તો આપણે કલ્પના જ  કરવી રહી કે તેઓ કયારે કચ્છ આવી શકશે.

સરકાર ICMRનાં નિયમો પાળે છે તો હાઇકોર્ટ શા માટે ટપારે છે ?
મુખ્યમંત્રી રૂપાણીની મીડિયા સાથેની મુલાકાત ગરમાગરમ રહી હતી. એ વાત અલગ છે કે બીજા દિવસે અખબારોમાં તેનો આછડતો ઉલ્લેખ જોવા મળ્યો. તાલુકાવાર મોતના આંકડા અને સંક્રમિત લોકોની સંખ્યા અંગે તંત્ર દ્વારા માહિતી છુપાવવામાં આવે છે તેવો આક્ષેપ થયો. સીએમ રૂપાણીએ એમ કહ્યું કે, અમે ICMRની ગાઈડલાઈન પ્રમાણે વિગતો આપી રહ્યા છે. જો ખરેખર એવું જ હોય તો, હાઇકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો સુનવણી દરમિયાન સરકાર ખોંખારીને બોલતી કેમ નથી, ખાસ કરીને કોર્ટે જયારે એવી ટિપ્પણી કરી કે, સરકાર આંકડાઓ છુપાવે છે. કોર્ટમાં અલગ અને મીડિયા સાથે અલગ એમ જુદી જુદી માહિતી આપીને સરકાર કયાંક છુપાવવાનો પ્રયાસ કરતી હોય તેવું ભુજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું.


 

 

 

 

 

કલેક્ટર અને DDO સહિતના ઓફિસરની ફરિયાદ થઈ
કોરોનાથી થતા મોત તથા સંક્રમિત લોકોનાં આંકડા આપવામાં કચ્છનું તંત્ર ઉણું ઉતર્યું છે. અને આ વાત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ અનિલ મુકિમની હાજરીમાં તમામ મીડિયાએ કરી. કલેકટર પ્રવીણા ડી.કે. અને ડીડીઓ ભવ્ય વર્મા તથા આરોગ્ય અધિકારી વચ્ચે સંકલન નથી. તેઓ ફોન પણ ઉપાડતા નથી, વગેરે જેવી ગંભીર ફરિયાદો સીએમ સમક્ષ થઈ ત્યારે તે અધિકારી પણ હાજર હતા. એક મુખ્યમંત્રી સમક્ષ અધિકારીઓની ફરિયાદ થતી હોય તેવા કિસ્સા જૂજ બનતા હોય છે. જોકે પરિસ્થિતિ પામી ગયેલા રૂપાણીએ સરકારી જવાબ આપી દીધો કે, હું તપાસ કરાવું છું. અને મામલો વીંટાઈ ગયો હતો.

કચ્છનાં પ્રશ્નોને મામલે ઘેરાયેલા સીએમનાં વ્હારે કોઈ ન આવ્યું
કચ્છને સ્પર્શતા સવાલોને લઈને મીડિયાએ પ્રશ્નો કર્યા ત્યારે સીએમ વિજયભાઈ રૂપાણીએ એકલા હાથે મોરચો સાંભળ્યો હતો. ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ તો સમજ્યા કે બહારથી આવ્યા હતા. કચ્છમાંથી સરકારમાં પ્રતિનિધિત્વ કરતા રાજ્યકક્ષાનાં મંત્રી વાસણ આહીરની ચુપકેદી પણ જોવા જેવી હતી. મંત્રી આહિર તો છેલ્લા ઘણા દિવસોથી તંત્રનાં બાબુઓ સાથે મિટિંગ પણ કરી રહ્યા છે. આહીરની જેમ કચ્છનાં સાંસદ વિનોદભાઈ ચાવડા પણ સાઇલેન્ટ મોડમાં આવી ગયા હતા. સામાન્ય રીતે સનદી અધિકારીઓ તેમની કેડરના ઓફિસરની વાત આવે ત્યારે કઈંક બોલતા હોય છે. પરંતુ કચ્છનાં તંત્રની અને આઈએએસ અધિકારીની ફરિયાદો થઈ ત્યારે મુખ્ય સચિવ અનિલ મુકિમ અને મેડમ જયંતિ રવિ પણ ચૂપ બેઠા હતા.