મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: એક તરફ દેશમાં 'પેડમેન' જેવી હિન્દી મુવી દ્વારા મહિલાઓના એ મુશ્કેલી ભર્યા દિવસોને લઈને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાં બીજી તરફ કચ્છનાં પાટનગર ભુજમાં આવેલી એક મહિલા કોલેજમાં 'પિરિયડ્સ' એટલે કે માસિક ધર્મને લઈને છાત્રાઓને મેન્ટલી ટોર્ચર કરવામાં આવી રહી હોવાનો મામલો બહાર આવ્યો છે. બે દીવસ પહેલા અગિયારમી ફેબ્રુઆરીના દિવસે સહજાનંદ મહિલા કોલેજની વિદ્યાર્થનીઓને વોશરૂમ કપડા ઉતારીને તેમનાં પીરિયડ્સ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેને કારણે છાત્રાઓ ડઘાઈ ગયી હતી. સમગ્ર મામલે જયારે વિવાદ સર્જાયો ત્યારે કોલેજનાં સંચાલકો તથા ટ્રસ્ટીઓએ ઘટનાને દબાવી દઈને માફી માંગવાનું નાટક પણ કર્યું હતું. જોકે વિદ્યાર્થીનીઓ દ્વારા કાયદેસર પગલા ભરવાની હઠ પકડાતા મામલો વધુ ગંભીર બની ગયો હતો.

છાત્રાઓએ કેમેરા સામે કરેલા આક્ષેપ મુજબ, બે દિવસ પહેલા મંગળવારે જયારે સહજાનંદ મહિલા કોલેજમાં છાત્રાઓએ કેમ્પસમાં આવવાનું શરૂ કર્યું ત્યારે મેદાનમાં જ ઉભી રાખી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમને વોશરૂમમાં જઈને કપડા ઉતારી તેઓ પિરિયડ્સમાં છે કે નહીં તે દેખાડવાની ફરજ પાડવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી માસિક ધર્મને લઈને તેમને ટોર્ચર કરવામાં આવી રહ્યું હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.

દરમિયાન બીજીબાજુ સૂત્રોનું માનીએ તો કોલેજમાં સેનેટરી પેડને નાશ કરવા માટે એક મશીન મુકવામાં આવેલું છે. જેનો ઉપયોગ કરવાને કેટલીક છાત્રાઓ બારીમાંથી પેડને બહાર ફેંકી દેતી હતી. વારંવારની સૂચના છતા કોઈ પરિણામ ન આવતા કોલેજ દ્વારા ચેકીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અલબત્ત જે રીતે ચેકીંગના બહાને છાત્રાઓને આવા ગંભીર મામલે જાહેરમાં ચેકીંગ કરવામાં આવી તેને લઇને વિદ્યાર્થીનીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. છાત્રાઓ દ્વારા મોબાઈલથી તેમના વાલીઓને જાણ કરતા પેરેન્ટ્સ પણ કોલેજ આવી જતા મામલો વધુ ગરમ બની ગયો હતો. જેને કારણે કોલેજ વ્યવસ્થા મંડળ તથા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મોડે સુધી સમજાવટનાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.