મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ:દિલ્હીમાં લાખોની સંખ્યામાં એકઠા થઇ રહેલા કિસાનો પ્રત્યે જયાં દિલ્હી પોલીસ ખૂબ જ જવાબદારી પૂર્વક અને સંયમથી કામ લઈ રહી છે. ત્યારે કચ્છમાં ભુજ ખાતે પોલીસે કિસાન તરફી દેખાવ કરી રહેલા વિપક્ષના કોંગ્રેસીઓ સાથે અમાનવીય કહી શકાય તેવું વર્તન કર્યું હતું. શુક્રવાર સવારથી ભુજનાં જ્યુબિલી સર્કલ પાસે બેસીને દેખાવ કરી રહેલા મહિલાઓ સહિતનાં કોંગ્રેસી કાર્યકરોને બાવડા ઝાલી અને ટીંગાટોળી કરી પોલીસની વાનમાં ભરી દેવામાં આવ્યા હતા. જેને કારણે ભુજમાં પોલીસ જાણે કે ભાજપની એજન્ટ બનીને વર્તાવ કરી રહી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

દિલ્હીમાં લાખો કિસાનો દ્વારા લાખોની સંખ્યામાં ભેગા થયા છે. તેવામાં એકાદ બે કિસ્સાને બાદ કરતા કયાંય બળજબરી કે ખેડૂતોને હટાવવામાં આવ્યા હોય તેવી ઘટના બની નથી. તેવામાં ભાજપનાં ગઢ સમા ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં એકઠા થયેલા કિસાનોના સમર્થનમાં બહાર આવતા સરકારનાં પગ નીચે રેલો આવી રહ્યો છે. અને કદાચ એટલે જ પોલીસને કડકાઇથી કામ લેવાની જાણે કે, કમલમમાંથી સૂચના મળી હોય તે રીતે કચ્છમાં ભુજ ખાતે પોલીસે શક્તિ પ્રદર્શન કરીને દેખાવને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

જિલ્લા કક્ષાનાં નેતાઓથી માંડીને મહિલા કાર્યકરોને જે રીતે બળ પ્રયોગ સાથે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી તેને લીધે વિપક્ષને નેગેટિવ પબ્લિસિટીનો લાભ મળ્યો હતો. કારણ કે પીક અવર્સ દરમિયાન પસાર થતા અજાણ લોકોને પણ પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ખબર પડી હતી કે, કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં સમર્થનમાં ભુજમાં જ્યુબિલી સર્કલ ખાતે દેખાવ કરવામાં આવી રહ્યો છે.