જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ) : કચ્છનાં પાટનગર ભુજમાં આવેલા પ્રથમ કોરોના કેસથી સમગ્ર શહેર પરેશાન છે. ખાસ કરીને ભુજનાં જે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન એરિયા જાહેર કરવામાં આવ્યો છે તેમાં રહેતા ત્રણ હજાર લોકો સૌથી વધુ હાડમારી ભોગવી રહ્યા છે. દૂધ-દવા અને શાકભાજી જેવી અતિ આવશ્યક ચીજવસ્તુઓ ઘરે ન પહોંચતી હોવાને કારણે ધનવાન દીકરીના બાપની ભૂલ આ ત્રણ હજાર લોકો ભોગવી રહ્યા છે.

'મેરાન્યૂઝ'ને ફોન કોલ કરીને આ લોકો તેમની વ્યથા રજૂ કરી રહ્યા છે. તંત્ર દવારા તેમના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની સાથે દૂધ શાકભાજી જેવી ચીજ વસ્તુઓ ઘરે પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તેવું થયું નથી. દૂધ શાકભાજીતો ઠીક પરંતુ પાણીની બોટલ પણ ન મળતી હોવાને કારણે અહીંના હજારો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ જયાં આખું ભુજ શહેર ધમધમી રહ્યું છે ત્યારે પોતે જાણે ગુનો કર્યો હોય તેવી ફીલિંગ વિજયનગરના લોકોને થઈ રહી છે. આટલી પારાવાર સમસ્યાઓ હોવાની સાથે તેઓ પોતાનું દર્દ પણ વ્યક્ત નથી કરી શકતા. યુવતીના કેસમાં જે રીતે રૂપિયા અને વગનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને કોઈને અહીં રહેતા લોકો ફરિયાદ કરતા પણ ડરે છે અને પોતાની ઓળખ છુપાવીને તેમની વ્યથા રજૂ કરી રહ્યા છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોમ ડિલિવરી કેમ નથી થતી તે જાણવા માટે કચ્છ કલેક્ટરનો ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ મળી શક્યા ન હતા.