મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: થોડા સમય પહેલા કચ્છનાં ભુજ તાલુકામાં આવેલા કુનરીયા ગામમાં ખનીજ ચોરીનો મામલો બહાર આવ્યો હતો. જેમાં સરપંચના ભાઈની સંડોવણી હોવાથી પોલીસ ફરીયાદ પણ કરવામાં આવી હતી. હવે આજ ગામની નદીની પેટાળમાંથી પોલીસ અને ખનીજ વિભાગની 'મીઠી નજર'થી ફરી ધોળે દિવસે એકવાર ખનીજ ચોરી ચાલુ થઈ ગઈ છે. 

જિલ્લા પંચાયતની ટીકીટ મેળવવા ઇચ્છુક ભાજપનો જ એક ટેક્નોસેવી કાર્યકર આ ખનીજ ચોરી પાછળ હોવાનું બહાર આવ્યું છે. નદીમાંથી જેસીબી વડે ડમ્પર ભરીને કરવામાં આવતી આવતી આ બિન્દાસ્ત ચોરી માટે પશ્ચિમ કચ્છ પોલીસની એક બ્રાન્ચનાં કેટલાક પલળેલા કર્મચારી તો આ ખનીજ ચોરી માટે રીતસરનું એસ્કોર્ટ પૂરું પાડે છે. 

પોલીસ અને ખનીજ વિભાગ ભાજપનાં આ કાર્યકરને રેતી ચોરી માટે હપ્તા ઉપરાંત એટલા માટે મદદ કરે છે કે, ગાંધીનગરના એક બહુ મોટા નેતાનાં મૂળ રાજકોટનાં અને કચ્છમાં રહેતા નેતાનો સપોર્ટ મળી રહ્યો હોવાનો પણ સૂત્રોએ દાવો કર્યો હતો.

આ અંગે ભુજનાં ખનીજ વિભાગના અધિકારી પ્રણવ સિંગનો સંપર્ક કરતા તેમને આ મામલે અજાણ હોવાનું કહ્યું હતું અને તપાસ કરવાની વાત પણ કરી હતી.