જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ) : ભુજમાં ભાજપનાં સ્નેહ મિલનનાં ફંક્શનમાં સીએમ ભુપેન્દ્ર પટેલનો 'કમલમતુલા'નો કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે. બુધવારે ભુજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ડ્રેગન ફ્રુટ (જેણે ભાજપની ભાષામાં કમલમ ફ્રુટ તરિકે ઓળખાય છે)થી તોલવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક બોક્સને ખોલવામાં આવતા તેમાં ડ્રેગન ફ્રુટ કમલમને બદલે કેળા નીકળ્યા હતા. જેને પગલે ભાજપનાં કાર્યકરો સહિત સામાન્ય લોકોને પણ જયારે આ વાતની ખબર પડી ત્યારે તેમની આંખો પહોળી થઇ ગઇ હતી. કારણ કે ડ્રેગન ફ્રુટ કમલમની બજાર કિંમત 300 રૂપિયા કિલોની છે જયારે કેળા ચાલીસ રૂપિયે કિલો મળે છે. સીએમના કાર્યક્રમમાં આ પ્રકારની ભૂલ ભાજપનાં શિસ્તબદ્ધ અને પ્રમાણિક કાર્યકર દ્વારા થઈ હોય તે વાત લોકોનાં ગળે ઉતરતી નથી. 

ગણતરીના દિવસોમાં કચ્છની બીજી વખત મુલાકાતે આવેલા મુખ્યમંત્રીને અનોખી રીતે આવકારવા માટે 'કમલમતુલા'નો કાર્યક્રમ અચાનક તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 95 કિલો વજન ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ડ્રેગન ફ્રુટ કમલમથી તોલવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ જયારે આ બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી કેળા નીકળતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. 

Advertisement


 

 

 

 

 

પૂર્વ કલેક્ટરનો હતો આ આઈડિયા

સીએમ ભુપેન્દ્ર પટેલને ડ્રેગન ફ્રુટ કમલમથી તોલવાનો આ આઈડિયા અન્ય બીજા કોઈનો નહીં પરંતુ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને હાલ ભાજપનાં પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલનો હતો. એમ.એસ.પટેલનાં નામથી જાણીતા કચ્છના આ પૂર્વ કલેક્ટરે કચ્છ જિલ્લાનાં ભાજપનાં પ્રમુખ કેશુભાઈ પટેલને આ અંગે જણાવ્યું હતું. જિલ્લા પ્રમુખ પટેલ વ્યસ્ત હોવાને કારણે તેમણે આ કામ એમ.એસ.પટેલને જ કરી લેવા જણાવ્યું હતું. 

'કમલમને બદલે કેળા'નું કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું?

કમલમને બદલે કેળા કેવી રીતે બોક્સમાં આવ્યા તે જાણવા જિલ્લા ભાજપનાં પ્રમુખ કેશુભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે પહેલા તો આખી ઘટનાને સામાન્ય ગણાવી હતી. કમલમ હોય કે કેળા... છે તો આખરે ફ્રુટ જ ને ? એમ જણાવી કેશુભાઈએ કહ્યું કે, આ ફ્રુટ સીએમનું વજન કર્યા પછી ગરીબોમાં વહેંચવાના હતા. પરંતુ કેટલાક પત્રકારોએ ડ્રેગન ફ્રુટ કલમલનાં બોક્સ સામેથી માંગ્યા હતા અને જે પત્રકારો આ બોક્સ લઈ ગયા હતા તેમાં કેળા નીકળતા આ વાતનો ખ્યાલ આવ્યો હતો. પટેલે એમ પણ કહ્યું કે, આ કાર્યક્રમ ભાજપનો હતો. એટલે ગ્રાન્ટ કે સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોય તેવું પણ નથી. આટલા મોટા કાર્યક્રમમાં આવી નાની વાતને મીડિયાએ ચગાવવી ન જોઈએ એમ કહીને આડકતરી રીતે તેમનાં પક્ષનાં કમિટેડ કાર્યકરોની ભૂલનું ઠીકરું મીડિયાનાં માથે ફોડયું હતું.