મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ : ભુજની હોસ્પિટલમાં એક સાથે 12 મૃતદેહનાં વાયરલ વિડીઓથી ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા મૃતદેહને પ્લાસ્ટિકમાં લપેટવાના આ વાયરલ વિડીઓને લીધે લોકોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. સોશિયલ મિડિયામાં સ્પ્રેડ થયેલો આ વિડિઓ ભુજ કોંગ્રેસનાં એક કાર્યકરે ફેસબુકમાં પોસ્ટ કરવાને પગલે આ વાત બહાર આવી હતી. જોકે આ વિડિઓ જે દેખાય છે તે સત્ય છે કે નહીં તે અંગે કચ્છનાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

કચ્છની સૌથી મોટી ભુજની સરકારી હોસ્પિટલ જી.કે.જનરલમાં 12 મૃતદેહ પડ્યા છે તે અંગેનો વિડિઓ ફેસબુક ઉપર કોંગ્રેસનાં કાર્યકર રફીક મારાએ પોસ્ટ કર્યો છે. આ પોસ્ટને તેમને કચ્છ કલેક્ટર ઉપરાંત ગુજરાત સરકાર અને સીએમને પણ ટેગ કર્યા છે. રવિવાર બપોરથી આ વાયરલ વિડીઓને પગલે કચ્છનાં લોકોમાં દહેશત ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકો વોટ્સએપ સહિતનાં માધ્યમ થકી એકબીજાને પૂછતાં રહ્યા હાટ.


 

 

 

 

 

સત્તાવાર બે મોતનાં સમાચાર વચ્ચે વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલા બાર મૃતદેહ અંગે કચ્છનાં કલેક્ટર પ્રવીણા ડી.કે.નો સંપર્ક કરતા તેઓ હંમેશની જેમ નો રીપ્લાય થયા હતા. જી.કે.જનરલ હોસ્પિટલના સર્જન ડોક્ટર કશ્યપ બુચ પણ મળી શક્યા ન હતા.

સીએમની વિઝીટ અંગે વ્યક્ત કરાયેલી દહેશત સાચી પડી ?

મુખ્યમંત્રીનાં આગમનથી કોરોનાના દર્દીઓ પાછળ રહેલું તંત્ર સરભરામાં લાગી જશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અને સીએમ આવ્યા તે દિવસે શનિવારે જ દર્દીઓના સગાઓનો હોબાળો જોવા મળ્યો હતો. સીએમની મિટિંગમાં જવાને કારણે સિવિલ સર્જન કોરોના દર્દીઓ માટે જે જરૂરી પ્રક્રિયા કરવાની હોય તે કરી શક્યા ન હતા. બીજીબાજુ કલેક્ટર ઓફિસમાં માર્ગ અને મકાન વિભાગનાં એક ઈજનેર ઢળી પડ્યા હતા. આ બે ઘટના તો બહાર આવી છે. હજુ બીજે કયાંક શુ થયું હશે તે ખબર નથી. તેવામાં બાર બાર મૃતદેહનાં વાયરલ વિડીઓથી કયાંક ને કયાંક તંત્ર તેમજ સરકાર ઉણી ઉતરી હોય તેવું કચ્છમાં ચર્ચાઈ રહ્યું છે.

શેઠ(સીએમ)ની શિખામણ ઝાંપા સુધી

મહામારીના ખોફનાક વાતાવરણ વચ્ચે લોકો સુધી ઝડપી અને સાચી માહિતી પહોંચે તે માટે માધ્યમોને સહકાર આપવા માટે મુખ્યમંત્રી દ્વારા કચ્છ કલેક્ટર અને ડીડીઓ સહિતનાં તંત્રનાં અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં 24 કલાકમાં જ કલેક્ટર આ વાતને ઘોળીને પી ગયા હોય તેમ મીડિયાને સાચી માહિતીથી વાકેફ કરવાને બદલે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. જેને પગલે સરકારનો તંત્રનાં અધિકારીઓ ઉપર કોઈ જ કન્ટ્રોલ ન હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું.