મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ : સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો છે ત્યારે કચ્છનાં અબડાસા તાલુકામાં કોંગ્રેસે બહુમત મેળવી છે. પરંતુ કોંગ્રેસનો આ વિજયનો જામ ટૂંક સમયમાં ભાજપ આંચકી કે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે, ટીકીટ આપવાથી માંડીને પ્રચાર પ્રસારમાં કયાંક ને કયાંક કચ્છ ભાજપનાં નેતાઓનો દોરી સંચાર હોય તેવું લાગી રહ્યું હતું. ખાસ કરીને, થોડા મહિના પહેલા જ કોંગ્રેસને વિધાનસભાની પેટા ચૂંટણીમાં મોટો પરાજય આપવામાં ભૂમિકા ભજવનાર અપક્ષે કોંગ્રેસનો દામન પકડ્યો ત્યારથી આ વાત લગભગ નક્કી થઈ ગઈ હતી. જોકે મતદારોએ નેતાઓનાં કહેવાતા સેટિંગને તોડીને અબડાસા તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી દસ કોંગ્રેસને અને આઠ ભાજપને આપીને 'ગોઠવણ' તોડી નાખી હતી. કોંગ્રેસ કરતા બે ઓછી સીટ મેળવી હોવા છતા જેલમાં રહેલા ભાજપનાં એક નેતા ભાજપ હાઇકમાન્ડ સમક્ષ પોતાની ઇમેજ સુધારવા કોંગ્રેસનાં બે ઉમેદવારને ગમે તે ભોગે તોડી તાલુકા પંચાયતની સત્તા મેળવવા માટે 'ખેલ' ગોઠવી દીધો છે. અલબત્ત તાલુકા કોંગ્રેસથી માંડીને ઉપર સુધીની નેતાગીરી 'સબ સલામત' સલામતની બાંગ પોકારી રહ્યા છે. કોંગ્રેસ જાતે ભાજપને કેવી રીતે તાલુકા પંચાયતની ધૂરા સોંપશે તે સમજવા નીચેના કેટલાક મુદા સમજવા જેવા છે. 


 

 

 

 

 

સૌ પ્રથમ જયારે કોંગ્રેસ દ્વારા અબડાસા તાલુકા પંચાયત અને તાલુકાની એક જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારોને પ્રદેશ કોગ્રેસના આદેશને અવગણીને રાતોરાત બદલ્યા ત્યારથી જ ગોઠવણની શરૂઆત થયેલી અને ત્યારથી સત્તાની આ રમતની શરૂઆત થઈ હતી. શિક્ષિત,પ્રતિષ્ઠિત વેપારી,સ્થાનિક  અને લોકોમાં વર્ચસ્વ ધરાવતા કાર્યકરોને અવગણીને કોંગ્રેસે અન્ય બદલાયેલા ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા તે બદલાયેલા તમામ ઉમેદવારો ભૂંડી રીતે હાર્યા પણ છે, ઉપરાંત ભુતકાળમાં ભાજપના તાલુકા પંચાયત સદસ્ય રહેલા અને ભાજપના જ કાર્યકર રહેલા મોકાજી સોઢાને કોઠારાની તાલુકા પંચાયતની ટીકીટ આપી. ઉપરાંત નલિયા-૧ની એસટી કેટેગરીવાળી બેઠક માટે મૂળ દાહોદ ગોધરાના અને હાલમાં કચ્છમાં નખત્રાણા તાલુકાના તરા મંજલ વાડી વિસ્તારમાં રહેતા ઉમેશ નાયકાને ટીકીટ આપી હતી. આ ઉમેશ નાયકા ચૂંટણી પહેલા તરા મંજલ નખત્રાણા વાડી વિસ્તારમાં કામ કરતા હતા. જેને મોથાળા જિલ્લા પંચાયત બેઠકના કોગ્રેસના ઉમેદવાર માવજી મહેશ્વરીએ અબડાસા તાલુકા કોગ્રેસના અગ્રણીઓની મદદથી ચૂંટણી અગાઉ નાયકાએ પોતે અબડાસા તાલુકાનાં વિંગાબેર ગામમાં રહે છે તેવું સરપંચે આપેલું પ્રમાણપત્રના આધારે એક અઠવાડિયા પહેલા જ અબડાસા તાલુકાના મતદાર બન્યા હતા. જેનો જે તે વખતે અબડાસા તાલુકા ભાજપના મહામંત્રી  જયદીપસિંહ જાડેજાએ વાંધો પણ ઉઠાવ્યો હતો. ચૂંટણી બાદ રિઝલ્ટ આવ્યું ત્યારે કોંગ્રેસના ઉમેશ નાયકા જીતી ગયા હતા. 

તાલુકા પંચાયતમા કોંગ્રેસને જો સત્તાથી દૂર રાખવી હોય તો તેની બે સીટ તોડવી જરૂરી છે. આ પરિસ્થિતિમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવીને ભાજપના જ સથવારે જીતી ગયેલા કોઠારા તાલુકા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવાર મોકાજી સોઢા અને નલિયા અનુ.જનજાતિ બેઠક ઉપર ચુંટાયેલા ઉમેશ નાયકા સોફ્ટ ટાર્ગેટ છે. વળી આ ઉમેશને ભાજપની તાસકમાં ધરવા માટે મોથાળાની બેઠકમાં ભુંડી હારનો સામનો કરનાર માવજી મહેશ્વરી પણ અંદરખાને સક્રિય છે. કારણ કે ઉમેશ નાયકા  તેમના વતન તરા મંજલ નખત્રાણા પંથકમાં  વાડીમાં જ કામ કરતો હતો. તો બીજી તરફ અનુસુચિત જાતિ સ્ત્રી અનામત એવી નલીયા- ૨ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર હંસાબેન મનજી મહેશ્વરીના પરિવારે પણ સ્ત્રી અનામત તાલુકા પંચાયત પ્રમુખ બેઠક ઉપર હંસાબેનને પ્રમુખ બનાવવા કોગ્રેસના મોવડી મંડળને અલ્ટીમેટમ આપી દીધુ છે અને જો હંસાબેનને પ્રમુખ નહી બનાવાય તો નવા જુની થશે એવી ગર્ભિત ધમકી પણ આપી દીધી છે.આમ હાલ કોગ્રેસના દશ પૈકી ત્રણ સભ્યો ભાજપ સાથે સંપર્કમાં હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળમાં ચાલી રહી છે.


 

 

 

 

 

આ બધી શતરંજ ગોઠવવા પાછળ તાલુકા કક્ષાનો એક નેતા કચ્છમાં ફરજ બજાવી ગયેલા એક આઈપીએસના ઇશારે આ ખેલ કરી રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આમ જે રીતે સત્તા પક્ષ દ્વારા જે રીતે શામ,દામ અને દંડ ભેદનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતા હોંઠ સુધી આવેલો સત્તાનો પ્યાલો કોંગ્રેસ પાસેથી છીનવાઈ જાય તો નવાઈ નહીં રહે.

28 હજાર વોટ લેનાર હનીફ પોતાના ભાઈને ન જીતાડી શક્યા

ચાર મહિના અગાઉની અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીથી શરૂ થયેલી આ 'રમત' પાછળ કચ્છમાં ફરજ બજાવી ગયેલા બે સનદી અધિકારીઓ જવાબદાર હોવાનું ખુદ કોંગ્રેસના નેતા આક્ષેપ કરી ચુક્યા છે. અબડાસાની વિધાનસભાની બેઠક હોય કે જિલ્લા-તાલુકા પંચાયતની બેઠક, તેમાં કોંગ્રેસનો મજબૂત હોલ્ડ રહેલો છે. તેવામાં વિધાનસભાની ચૂંટણી ટાણે અપક્ષ ઉમેદવાર હનીફ પઢીયારે કોંગ્રેસનું ગણિત ખોરવી નાખ્યું હતું. હનીફને જાણનારા એમ કહે છે કે, તેઓ અબડાસા મુસ્લિમ સમાજમાં સારું પર પ્રભુત્વ ધરાવતા આસામી છે. તેમણે 28 હજાર વોટ મેળવીને કોંગ્રેસને હરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હવે આ જ હનીફ પઢીયારના ભાઈ જાકબ પઢીયારને કોંગ્રેસે અબડાસા તાલુકા પંચાયતની વરાડીયા બેઠક ઉપર  ટીકીટ આપી અને તે હારી ગયા. આ સમીકરણ હજુ સુધી કચ્છનાં રાજકીય નેતાઓને ગળે ઉતર્યું નથી. હવે આ પરિસ્થિતિમાં જે રીતે કોંગ્રેસને તાલુકા પંચાયતની સત્તાથી દૂર રાખવા જે દાવ-પેચ થઈ રહ્યા છે તેની પાછળ પણ પેટા ચૂંટણીનું રાજકારણ જ હોવાનું સૂત્રો દાવો કરે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સત્તા કોંગ્રેસ મેળવે છે કે ભાજપ.


 

 

 

 

 

કોંગ્રેસમાં રાજીનામાનું નાટક

ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસના નેતાઓ રાજીનામા આપતા હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરાજય બાદ પણ રાજીનામાનુ 'નાટક' ભજવાયું છે. પ્રદેશ કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે તેમના રાજીનામા સ્વીકારાયા કે નહીં તે અંગે કોંગ્રેસનું મોવડી મંડળ કોઈ ફોડ પાડતું નથી. કારણ કે, વિધાનસભાની ચૂંટણી બાદ અબડાસા તાલુકા કોગ્રેસના પ્રમુખ બદલાય એ પૂર્વ  અબડાસા તાલુકાના પ્રમુખ પદેથી ઇકબાલ મંધરાએ પણ રાજીનામુ આપ્યું હતું, પરંતુ તે મંજુર થયું ન હોવાનું ખુદ અમિત ચાવડાએ કહ્યું હતું. જે તે ઇકબાલ મંધરા સાથે અબડાસા તાલુકા કોગ્રેસના અનેક હોદેદારોએ રાજીનામુ આપ્યુ હતુ..પરંતુ તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં અચાનક સક્રિય થયા હતા અને કોગ્રેસે સતાવાર જાહેર કરેલા ઉમેદવારો પણ કોગ્રેસ પાસે ત્રાગું કરીને બદલાવ્યા પણ હતા.   તેવી જ રીતે હાલની કારમી હાર બાદ કચ્છ કોંગ્રેસનાં પ્રમુખ પદેથી યજુવેન્દ્રસિંહ જાડેજાએ પણ રાજીનામુ આપ્યું છે. સ્વીકારાયુ કે નહીં તે ખબર નથી પણ બજેટની પ્રક્રિયા તેમણે ચોક્કસ આપી હતી. આમ રાજી-નારાજગીનાં ખેલથી સામાન્ય વ્યક્તિ તો ઠીક ખુદ કોંગ્રેસનાં કાર્યકરો પણ મૂંઝાઈ ગયા છે.

તા.પં.સભ્યો દસ પણ બે અગ્રણી સહિત અગિયાર વ્યક્તિ ફોટામાં દેખાયા

અબડાસા તાલુકા પંચાયત માટે ચૂંટાયેલા દસ સભ્યમાંથી કેટલાક ફૂટી ગયા છે તેવી ચર્ચા વચ્ચે કોંગ્રેસનાં અગ્રણી ઇકબાલ મંધરાએ સોશિયલ મીડિયામાં એક ફોટો મુક્યો છે. જેમાં દાવો એવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસનાં તમામ સભ્યો સાથે છે. પરંતુ આશ્ચર્યજનક રીતે ફોટામાં અગિયાર વ્યક્તિઓમાં ઇકબાલ મંધરા સહિત હનીફ પઢીયાર દેખાય છે. પરંતુ મહિલા સભ્યો પણ નથી દેખાતા ત્યારે પ્રશ્ન એ થાય કે તો કોગ્રેસના ચુટાયેલા સભ્યો કયાં છે ?