મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલા વિવાદમાં એક તરફ સોશિયલ મીડિયામાં કુમાર કાનાણીના પુત્ર વિરુદ્ધ વિવિધ પોસ્ટ ફરતી થઈ છે તો બીજી તરફ સુનિતા યાદવને લોકો ટેકો જાહેર કરી રહ્યા છે તેવા સંજોગોમાં કુમાર કાનાણીના પુત્રને લઈને તેમણે નિવેદનમાં કાયદાનો ભંગ કર્યો હોય તો પુત્ર પર કાર્યવાહી કરો તેવું કહ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ મહિલા કોન્સ્ટેબલ અને કાનાણીના પુત્ર વચ્ચે થયેલી વાતચિત વખતનો રાત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ઉપરાંત પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં પોલીસે મંત્રીના પુત્ર સહિત 6 સામે ફરિયાદ નોંધી છે અને 3ની અટકાયત કરી છેય

મળતી માહિતી મુજબ આ મામલે હવે પ્રકાશ કાનાણી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. તેમની સામે સુરતના વરાછામાં ફરફ્યું ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે એવી માહિતી પણ મળી રહી છે કે આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ સહિત 3ની અટકાયત પણ કરવામાં આવી છે. ACPએ કહ્યું કે વીડિયોના આધારે તપાસ કરવામાં આવશે.

કર્ફ્યૂની અમલવારી દરમિયાન મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે પછી સુનિતાએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપવાની તૈયારી બતાવી તો સોશિયલ મીડિયામાં તે રાજીનામું ન સ્વિકારી યોગ્ય કાર્યવાહી કરવાની માગ સાથે લોકો કાનાણી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફીટકાર લગાવી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ કાનાણીએ કહ્યું કે, ‘મારો છોકરો કોઈ ગુનેગાર છે? મારો દીકરો મારી ગાડી લઈને ગયો તો કાઢી નાખે? મારા છોકરાની એક ભુલ પકડી લીધી, પરંતુ મહિલા પોલીસે જે ગાળો દીધી તે બધી માફ છે? ફેમિલીમાં ન સાંભળી શકાય તેવી ગાળો બોલે છે? કાયદાનો ભંગ કર્યો છે તો કાર્યવાહી કરો.’

હાલમાં એક વીડિયો ફરતો થયો છે જેમાં કુમાર કાનાણીનો પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે વાતચિત થાય છે. કે આટલી રાત્રે તમને બહાર નિકળવાની પરવાનગી આપી કોણે? સાથે જ કોન્સ્ટેબલ પ્રકાશ કાનાણીને તેના પિતા કુમાર કાનાણીને ફોન કરવાનું કહે છે. જોકે આ વીડિયો અધુરો છે. આ વીડિયોમાં સંપૂર્ણ સત્ય જોઈ શકાયું નથી. કારણ કે આ વીડિયો શરૂઆતની વાતચિતનો હોય અને પછી અડધેથી કપાયો હોય તેવું લાગી રહ્યું છે. 5.44 સેકન્ડનો આ વીડિયો અહીં રજુ કર્યો છે. જુઓ...

આ પહેલા વાયરલ વીડિયો મામલે પ્રકાશ કાનાણીએ પણ ખુલાસો કર્યો. પ્રકાશ કાનાણીએ જણાવ્યું કે,‘મારા સસરા હોસ્પિટલમાં દાખલ છે. મહિલા પોલીસે મારા મિત્રને હેરાન કર્યા હતા. મારા મિત્રનો ફોન આવ્યો એટલે હું ત્યાં ગયો હતો.’ ઉપરાંત, પ્રકાશ કાનાણીએ કહ્યું કે,‘મે મર્યાદામાં રહીને વાત કરી છે.’