રવિ ખખ્‍ખર (મેરાન્યૂઝ.વેરાવળ): કોડીનાર પંથકમાં પોલીસ ચોકકસ રાજકીય નેતાના ઇશારે કામ કરી રહી હોવાથી કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થ‍િતિ બિહાર કરતા પણ બદતર છે. સમગ્ર જીલ્‍લામાં કોરોના મહામારીના નિયમોની અમલવારીમાં પોલીસ સ્‍ટાફ જડ વલણ અપનાવતો હોવાથી વેપારી સહિત તમામ વર્ગના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જેવા અનેક પ્રશ્નો આજે રેંજ આઇજીની હાજરીમાં યોજાયેલા લોકદરબારમાં જીલ્‍લાના આગેવાનોએ રજૂઆત કરી પોલીસ તંત્ર માનવતાવાદી વલણ રાખી કામગીરી કરે તેવી માંગણી કરી હતી.

ગીર સોમનાથ જીલ્‍લા પોલીસના વાર્ષીક ઇન્‍સપેકશન અર્થે આવેલા રેંજી આઇજી મન્‍નીદરસિંહ પવારની અઘ્‍યક્ષતામાં આજે કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્‍લાભરના આગેવાનો સાથે લોકદરબાર યોજેલો હતો. જેમાં મહેશ મકવાણાએ કોડીનાર પંથકમાં પોલીસ તંત્ર પુર્વ સાંસદ દિનુ સોલંકીના ઇશારે એકતરફી કામગીરી કરી અસામાજીક પ્રવૃતિઓ બંઘ કરાવવા ઝુંબેશ ચલાવનારા લોકોને પરેશાન કરી રહી છે. કોડીનાર પંથકમાં કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થ‍િતિ બિહાર કરતા બદતર છે. ત્‍યારે પ્રજાહિતમાં પરિસ્‍થ‍િતિ સુધારી પોલીસ તટસ્‍થ કામગીરી કરે તે જરૂરી છે. પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, ભાજપ પ્રમુખ દેવાભાઇ ઘારેચા, કપીલ મહેતા સહિતનાએ સમગ્ર જીલ્‍લામાં કોરોના મહામારીને ડામવા જાહેર થયેલા નિયમોની અમલવારીને લઇ પોલીસ સ્‍ટાફ જડ વલણ અપનાવતુ હોવાથી વેપારીઓ સહિત તમામ વર્ગોના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. દરરોજ અસંખ્‍ય ફરિયાદો રાજકીય-સામાજીક આગેવાનો સુધી પહોંચે છે. જે અંગે પોલીસ તંત્ર માનવતાવાદી વલણ અપનાવે તે જરૂરી છે. ઇમરાન પંજાએ લોકડાઉન દરમ્‍યાન જાહેરનામા ભંગના થયેલા અસંખ્‍ય કેસીસ બાબતે પ્રજાહિતને ઘ્‍યાને રાખી તમામ કેસનો એક જ સુનવણીમાં નિવેડો આવે તેવી કાર્યવાહી કરવી જોઇએ.

સુત્રપાડા ભાજપના શૈલેન્‍દ્રસિંહ રાઠોડે પ્રાંચી ખાતે સત્‍વરે આઉટપોસ્‍ટ કાર્યરત કરવી જોઇએ. બાબુભાઇ હીરપરાએ ગીરગઢડાના ચાર ગામો કોડીનાર અને બે ગામો ઉના પોલીસની હદમાં આવતા હોવાથી છ ગામના લોકોને ઘટનાઓ સમયે કે કોઇ ફરિયાદ નોંઘાવવા સમયે લાંબો ઘક્કો ખાવો પડે છે. જ્યારે છએય ગામોને રેવન્‍યુ, આરોગ્‍ય સહિતની સેવા માટે ગીરગઢડાની જ કચેરીઓ લાગુ પડે છે. ત્‍યારે ફકત પોલીસ કામગીરી માટે અન્‍ય તાલુકામાં લાંબુ થવુ પડતુ હોવાથી છએય ગામોને ગીરગઢડા પોલીસની હદમાં સમાવીષ્‍ટ કરવા જોઇએ. જીલ્‍લાના તમામ શહેરોમાં ટ્રાફીક સમસ્‍યા હોય જે હલ કરવા સંબંઘિત વિભાગો સાથે બેઠક કરી નકકર કામગીરી કરવી જરૂરી છે. તાલાલાના જતીન ગઢીયાએ જીલ્‍લાના હાઇવે પર બેફામ ઓવરલોડેડ દોડતા વાહનોથી દરરોજ નાના-મોટા અકસ્‍માતો બની રહ્યા છે. જેની સામે પોલીસે કડક ચેકીંગ હાથ ધરી બંઘ કરાવવા જોઇએ.

વઘુમાં સીફૂડ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ પીયુષ ફોંફડીએ જીઆઇડીસી વિસ્‍તાર ખુબ મોટો હોય જેમાં હજારોની સંખ્‍યામાં સ્‍થાનીકો સાથે પરપ્રાંતીય ભાઇ-બહેનો કામ કરે છે. છેલ્‍લા થોડા સમયથી જીઆઇડીસી વિસ્‍તારમાં ડ્રગ્‍સની હેરાફેરી, વિદેશી દારૂનો જથ્‍થો સ્‍ટોરેજ કરવા જેવી અનેક અસામાજીક પ્રવૃતિ ફુલી ફાલી છે. જેને જડમુળથી ડામી દેવા જીઆઇડીસીમાં કડક અઘિકારીના નેજા હેઠળ ખાસ ઝુંબેશ ચલાવવાની સાથે એક પોલીસ ચોકી કાર્યરત કરવાની જરૂર છે. ખારવા સમાજના રીતેષ ફોફંડીએ તાજેતરમાં રાજ્ય સરકારે અમલમાં લાવેલા દરિયાઇ સુરક્ષાના કાયદા મુજબ અત્રેના બંદરમાં પ્રવેશતી પરપ્રાંતીય ફીશીંગ બોટોની શંકાસ્‍પદ કામગીરી સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

રેંજ આઇજી પવારએ જણાવ્યું કે, લોકદરબારમાં રજુ થયેલા પ્રશ્નો અંગે ઘટતુ કરવા અઘિકારીઓને માર્ગદર્શન સાથે સૂચના આપવામાં આવશે. જ્યારે કોડીનાર પંથકની રજૂઆત સંદર્ભે રજૂઆતકર્તાને તથ્‍યો સાથે રૂબરૂ મળવા બોલાવ્યા છે. જેના તથ્‍યો જોયા બાદ કોઇને શેહ શરમ વગર નિષ્‍પક્ષ કામગીરી કરાવવામાં આવશે. જીલ્‍લામાં પોલીસ માનવતાવાદી વલણ રાખી કાયદાની અમલવારી કરાવે તે માટે અઘિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપીશ.