મેરાન્યૂઝ નેટવર્ક.ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતેના મૂળ અને બિહાર રેજીમેન્ટ 5માં સીઆરપીએફના કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવી ચુકેલા અજીતસિંહ પરમાર માટે આજે કોડીનારમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર આવી ગયા હતા. તેમનો મૃતદેહ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. દિવાળીના તહેવારો દરમિયાન રજા મળતા પોતાના પરિવાર પાસે હસીખુશી રજા માણવા પાછા આવી રહેલા અજીતસિંહની આવી રીતે લાશ મળતાં પરિવાર માટે આ આઘાત સૌથી વધુ ઘાતકી હતો. માત્ર પરિવાર જ નહીં અહીના પંથકના લોકો પણ આ જાણીને સ્તબ્ધ થઈ ગયા હતા. રેલવે પ્રધાન પીયુષ ગોયેલએ ટ્વીટ કરીને પણ તેમના મૃત્યુ અંગે લાગણી વ્યક્ત કરી હતી. જોકે અહીં લોકો ટ્વીટ નહીં પણ ન્યાયની માગ સાથે સામે આવ્યા હતા.

સ્વ. અજીતસિંહ પરમારના પરિવારે સવાલો ઉઠાવ્યા છે કે રેલવે પોલીસે કોઈ પણ જાતની તપાસ વગર તેમની દફનવિધિ કરાવી જેને લઈને શંકાઓ ઉપજી છે. ઘટનાને લઈને સીબીઆઈ તપાસની માગ સાથે કોડીનારના લોકો રસ્તા પર આવ્યા હતા અને તેમણે મામલતદારને આ અંગે આવેદન આપીને ન્યાયની માગણી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે તેઓ સીઆરપીએફની એ બટાલીયનમાં હતા જેમાં નકસલીઓ અને આતંકવાદીઓની સામે થતા ઓપરેશન્સ માટે સારી એવી ટ્રેનિંગ મળી અને તેમની સામે લડવામાં તેઓ સક્ષમ પણ હતા. સ્ફૂર્તિ, ચતૂરાઈ, આક્રમકતા અને સૂજબુજ સહિતની તમામ ખાસિયતો ધરાવતા જવાનોને કોબ્રા કમાન્ડો તરીકે સ્થાન મળતું હોય છે. કોબ્રા (Commando Battalion for Resolute Action) કમાન્ડો સ્વ. અજીતસિંહ બિહાર રેજીમેન્ટ 5માં તૈનાત હતા. તેમનો મૃતદેહ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પાસેથી મળ્યો હતો અને તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશન પરથી. ન્યાયીક તપાસની માગને લઈને લોકોએ આવેદન આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો.