પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): થોડા વર્ષો પહેલા મેં નિર્ણય કર્યો હતો કે મારૂ જ્ઞાન, મારી કુશળતા અને મારી સમજ હું કોઈ શ્રીમંત વ્યકિત અથવા સંસ્થાને મફત આપીશ નહીં, તમે પત્રકાર હોવ, કલાકાર હોવ અથવા લેખક હોવ તો તમારા સર્જનને લોકો ખુબ દાદ આપે, તમારા ખુબ વખાણ કરે, તમારી ઉપર મા સરસ્વતીની કૃપા છે તેવુ પણ કહે, પણ કયારેય તમારી ઉપર મા લક્ષ્મીની કૃપા થાય તેવી તેમની અપેક્ષા નહીં હોય. માત્ર પત્રકારત્વની જ વાત કરીએ તો વર્ષોના સંઘર્ષ, મહેનત અને લગનને કારણે અનેક પત્રકારોએ પોતાના વિષયમાં મહારથ હસ્તગત કરી છે, અનેક પત્રકારો અને સર્જકો જીવતા ગ્રંથ જેવા છે,તમે તેમને ઉંઘમાંથી ઉઠાડીને પણ કોઈ માહિતી પુછો, તેમને તે માહિતી કંઠસ્થ છે આવી સ્થિતિ નિર્માણ થવા માટે કોઈ પણ પત્રકાર-સર્જક જીંદગીના અનેક વર્ષો ખર્ચી નાખે છે,માત્ર તે પોતે જ નહીં પણ પત્રકાર અને સર્જકના ઉત્તમ થવાના પાગલપણમાં અજાણપણે તેનો પરિવાર પણ જોતરાઈ જતો હોય છે અને પરિવાર પણ તેના માટે પોતાની સુખ સગવડ ,સહિતની અનેક બાબતોને અવગણી કિમંત પણ ચુકવે છે.
મને આ સત્ય બહુ મોડે સમજાયુ કે જો હું જ મારી કિમંત કરીશ નહીં તો કોઈ મને કિમંત આપવાનું વિચારશે પણ નહીં, જેના કારણે મેં એક પ્રેકટીશ શરૂ કરી છે, કોઈ ચેનલ,અખબાર અથવા અન્ય કોઈ માધ્યમ મારી સેવા લેવા માગતુ હોય તો હું તરત પહેલો સવાલ પુછુ છુ કે મને શુ આપશો, શરૂઆતમાં મારો પ્રશ્ન બહુ વિચિત્ર લાગતો અને તેમને આધાત પણ લાગતો, ટીવી ચેનલમાં હમણાં ડીબેટનો યુગ ચાલે છે, કોઈ પણ ચેનલ જુઓ તો રોજ તેમા કોઈ વિષય નિષ્ણાત અને પત્રકારો હોય છે, ડીબેટમાં ભાગ લેતા રાજકારણીનો તો રાજકારણ ધંધો છે પણ ડીબેટમાં આવતા પત્રકાર અને વિષય નિષ્ણાતનો આ ધંધો નથી, પત્રકાર અને વિષય નિષ્ણાત એક કલાકની ડીબેટમાં જે માહિતી દર્શકો સુધી પહોંચાડે છે તેનો અભ્યાસ કરવા માટે પત્રકાર અને નિષ્ણાતે જીંદગી ખર્ચી નાખી છે, પણ પત્રકાર અને નિષ્ણાતની આ વિધ્વતાની ચેનલને કોઈ કિમંત નથી, ચેનલના સંચાલકો માને છે કે અમારી ચેનલમાં તમને બોલાવી અને તમારી ઉપર ઉપકાર કર્યો છે.
 
 
 
 
 
મને આ વાતનું કાયમ માંઠુ લાગતુ રહ્યુ ,તેના કારણે મેં નક્કી કર્યુ કે હું કોઈ ધંધાદારી વ્યકિત સાથે મફત કામ કરીશ નહીં,, ચેનલને પોતાનો ધંધો છે,તે દર દસ મિનીટે જાહેરખબરમાંથી આવક મેળવે છે અને મેં વર્ષો સુધી જે વિષય ઉપર કામ કર્યુ છે તેનું કોઈ મુલ્ય નથી, એટલે મને જયારે મારા કોઈ સાથી પત્રકાર પોતાની ચેનલમાં આવવનું કહે છે ત્યારે હું પ્રેમથી કહુ છુ,તુ મારો મિત્ર છે તારા ઘરે આવુ કચરા પોતુ કરી જઈશ, પણ તારી ચેનલ માટે હું મફતમાં શુ કામ કામ કરૂ, 2017માં મને એક રાષ્ટ્રીય ચેનલમાંથી ફોન આવ્યો કે તમારે દિલ્હીના ફલાણા પત્રકાર સાથે લાઈવ ડીબેટમાં બેસવાનું છે, મેં કહ્યુ તમે મને શુ આપશો ? મને ફોન કરનાર ચેનલના સંયોજકને આધાત લાગ્યો તેમણે મને કહ્યુ તમને ખબર છે તમે દિલ્હીના કેટલા મોટા પત્રકાર સાથે ડીબેટમાં બેસવાના છો, મેં કહ્યુ હું તમારી આટલી મોટી ચેનલ અને તેના આટલા મોટા પત્રકાર સાથે ડીબેટમાં બેસુ એટલે મને પંપવાળો પેટ્રોલ મફત આપવાનો નથી, મારા બાળકોની સ્કુલ ફિ માફ કરવાની નથી અને મને કરિયાણુ મફત મળવાનું નથી તો પછી ટીવીમાં મારો ચહેરો દેખાય કે નહીં તેનો મને શુ લાભ થવાનો છે.
દરેક વખતે આપણા જ્ઞાનનું મુલ્ય મુકીએ તે પણ વાજબી નથી, ગરીબો માટે કામ કરતા કોઈ નાની સંસ્થા અથવા મ્યુનિસિપલ સ્કુલના બાળકોને મફત ભણાવવામાં કોઈ વાંધો નથી, પણ જેઓ ધંધો જ કરવા બેઠા છે, તેમના સાથે ધંધાદારી થવુ જોઈએ તેવુ માનુુ છુ,સરસ્વતીના સાધકે પણ લક્ષ્મીની અપેક્ષા રાખી લક્ષ્મીની સાધન કરવી પડશે, તમે ખુબ સરસ લખો છે અથવા તમે ખુબ સારૂ બોલો છે તેવા વખાણ સાંભળવા સારા લાગે છે, પણ વખાણને કારણે પત્રકાર-સર્જક અને નિષ્ણાતના પરિવારનું પેટ ભરાતુ નથી, હજી થોડા દિવસ પહેલા એક ફિળ્મ કંપનીવાળા આવ્યા,તેમણે મને કહ્યુ તમારી સ્ટોરી ઉપરથી અને એક ફિલ્મ બનાવવા માંગીએ છીએ, મેં કાયમ પ્રમાણેનો તેમને સવાલ પુછયો,તેમણે મને કહ્યુ ફિલ્મમાં તમને ક્રેડીટ લાઈન આપીશુ, મેં કહ્યુ મારી સ્ટોરી ઉપર ફિલ્મ બને તે મને ગમે પણ તમારી ક્રેડીટ લાઈન બતાડવાથી મને કોઈ શાક મફત આપશે નહીં, કોઈ ડૉકટર મારી સારવાર મફત કરશે નહીં તો મારે રાજી થવાનું કોઈ કારણ હોય તેવુ મને લાગતુ નથી.
માત્ર મુલ્ય મળે એટલુ જ નહીં યોગ્ય મુલ્ય પણ મળવુ જોઈએ, કારણ જે તે વિષયના નિષ્ણાત થવાનો પ્રયત્ન શરૂ થયો, ત્યારે તેનું મુલ્ય મળશે તેવી કલ્પના અને અપેક્ષા ન્હોતી, એટલે એક ચોક્કસ સ્થાન મેળવવાનો અવિરત પ્રયત્ન થયો અને તેના પરિણામ સ્વરૂપ, પત્રકાર-સર્જક અને વિષય નિષ્ણાત સામાન્ય માણસને અઘરા લાગતાપ્રશ્ન સરળતાથી સમજાવી શકે છે, હવે જયારે તેનું મુલ્ય આપવાનું થાય ત્યારે આપનારનો હાથ સંકડો થવો જોઈએ નહીં, હું ઘણી બધી પત્રકારત્વની કોલેજમાં વિધ્યાર્થીઓને મારી સમજ આપવા જતો હતો, જો કે ત્યારે કોલેજ દ્વારા જે માનઘન આપવામાં આવતુ ત્યારે મને લાગતુ કે આ માનઘન છે કે અપમાન ઘન .. અત્યંત ઓછુ હતું, મે મનોમન નક્કી કર્યુ હતું કે જે વાત મને ગમતી નથી તેવો વ્યવહાર હું બીજા સાથે કરીશ નહીં, જો કે ત્યારે મને ખબર ન્હોતી કે થોડાક વર્ષો પછી હું પોતે એક પત્રકારત્વની સ્કુલનો હિસ્સો બનીશ, અમે નવજીવન ટ્રસ્ટમાં છેલ્લાં બે વર્ષથી પત્રકારત્વ ભણાવીએ છીએ અને મેં પોતાની સાથે નક્કી કર્યા પ્રમાણે પત્રકારત્વ ભણાવવા આવતા પત્રકાર અને નિષ્ણાતને જે માનઘન આપીએ છીએ.તે અમને આપવામાં અને નિષ્ણાતને લેવામાં સંકોચ થાય નહીં એટલુ હોય તેનું અમે ધ્યાન આપીએ છીએ.