પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 2017ની વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપને પાડી જ દો કહેનાર હાર્દિક પટેલનો ઈશારો કોંગ્રેસને મત આપો તે તરફ હતો. જો કે કોંગ્રેસ સત્તાની નજીક તો આવી પણ થોડાક માટે સત્તા મેળવવામાં જરૂરી બેઠકોથી દુર રહી ગઈ હતી, પણ જ્યારે હવે 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પટેલ મતો મેળવવા માગતી નથી, અથવા પાટીદાર અનામતની તરફેણ કરી તે અન્ય ઓબીસી મતદારોને નારાજ કરવા માગતી નથી તેવું લાગી રહ્યું છે, કોંગ્રેસને સમજાયું કે હાર્દિકના પાટીદાર અનામત આંદોલનને ટેકો આપવાનો સીધો અર્થ છે કે તમે અન્ય ઓબીસી મતદારોથી દુર રહ્યા છો. ગુજરાતમાં જેમને પણ સત્તા મેળવવી છે તેમના માટે ઓબીસી કાર્ડ ખુબ જ મહત્વનું છે.

મંગળવારના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પત્રકાર પરિષદ હતી. જેમાં પત્રકારોએ એક ડઝન કરતા વધુ વખત પરેશ ધાનાણીને પાટીદાર અનામત અને હાર્દિક પટેલ અંગે જુદી જુદી રીતે પ્રશ્ન પુછયા હતા, પણ એક પણ વખત પરેશ ધાનાણીએ પોતાના જવાબમાં હાર્દિકના નામનો ઉલ્લેખ કર્યો નહીં, પાટીદાર અનામતની તેઓ તરફેણ કરે છે તેવું પણ કહ્યું નહીં, જ્યારે પરેશ ધાનાણીને પુછવામાં આવ્યુ કે હાર્દિક દ્વારા તા 25 ઓગષ્ટથી શરૂ થનાર ઉપવાસ અંગે પુછ્યું અને આ ઉપવાસમાં કોંગ્રેસ જોડાશે તેવો પ્રશ્ન પુછયો ત્યારે તેમણે કહ્યું કે તે ઉપવાસ અંગે મને કોઈએ કઈ કહ્યું નથી અને હું જાણતો નથી.

પત્રકારોએ જ્યારે પુછ્યું કે હાર્દિક પાટીદાર અનામતની માગણી કરી રહ્યો છે, તમે તેને ટેકો આપશો ત્યારે ધાનાણીએ કહ્યું સમાજના બીન અનામત વર્ગના લોકોની સમસ્યા છે તે અંગે જરૂર લડીશુ, ત્યાર બાદ પુછવામાં આવ્યું કે વિધાનસભામાં તમે પાટીદાર અનામત અંગે બીલ લાવશો ત્યારે તેમણે કહ્યું મને જાણકારી મળી છે કે રાજ્યની ભાજપ સરકારે બીન અનામત વર્ગના લોકોને અનામત વર્ગના લોકોને મળતી સહાય આપવાનો નિર્ણય કર્યો છે તેનો અર્થ આંદોલનકારીઓની જીત થઈ છે. આમ ધાનાણીના કહેવાનો અર્થ હતો કે અનામતની માગણી કરનારની માગણી સ્વીકારાઈ ગઈ છે, તેથી આંદોલનનો કોઈ અર્થ નથી. 

2017માં હાર્દિકની સભામાં જ્યારે લાખો લોકો આવતા હતા અને હાર્દિક ભાજપને પાડી દેવાની વાત કરતો હતો ત્યારે કોંગ્રેસનું શેર લોહી ચઢી જતું હતું અને કોંગ્રેસ માની રહી હતી કે આ યુવા નેતાના આહવાનને કારણે હવે સત્તા તેમનાથી થોડીક જ છેટી છે. જેના કારણે ટીકીટ વહેંચણીમાં કોંગ્રેસને હાર્દિકની વાત માનવી પડી હતી. કોંગ્રેસમાં કોને ટીકીટ આપવી તેમાં હાર્દિકનો મત અગત્યનો રહ્યો હતો. આમ છતાં કોંગ્રેસને સત્તા મળી ન્હોતી, હવે કોંગ્રેસને સમજાયું છે કે જો માત્ર હાર્દિકને સાથે રાખી ચાલ્યા તો 2019માં પણ હાર્દિક લોકસભાની ચૂંટણીમાં પણ બેઠકોની માગણી કરશે.

કોંગ્રેસના સિનિયર નેતાઓનો એક વર્ગ એવું પણ માને છે કે ચૂંટણી જીતવા માટે હાર્દિકનો સાથ લેવામાં કઈ વાંધો નથી, પણ ક્યાંકને ક્યાંક હાર્દિક તેવું માનવા લાગ્યો હતો કે કોંગ્રેસને હાર્દિક વગર ચાલશે નહીં, તે કોંગ્રેસના નેતા કરતા પણ સવાયો હોય તેવું કોંગ્રેસીઓ માનવા લાગ્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કરતા પણ હાર્દિક પટેલનો મત અગત્યનો થઈ ગયો હતો અને તે કોંગ્રેસ ઉપર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સંજોગોમાં ક્રમશઃ કોંગ્રેસને પાટીદાર મતોની જરૂર હોવા છતાં તે હાર્દિકના સહારે લોકસભા લડવા માગતી નથી તે વાત સ્પષ્ટ છે.