મેરાન્યૂઝ નેટવર્ક,જામનગર: જામનગર કોર્પોરેશનમાં વિપક્ષના કોર્પોરેટરને વિકાસ કામ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી ન હોઈ સત્તાધારી ભાજપના નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવા આશયથી વિપક્ષે કોર્પોરેશન ખાતે જ હવન કર્યો હતો તેમજ આ મામલે જામનગર કોર્પોરેશનના ચેરમેનને આવેદન પાઠવ્યું હતું.

જામનગર કોર્પોરેશનમાં સત્તાધારી ભાજપનાં ૩૮, કોંગ્રેસના ૨૪ અને અન્ય ૨ કોર્પોરેટર હોઈ, તેમાં  વિપક્ષના કોર્પોરેટરને ગ્રાન્ટ આપવામાં ન આવતી હોઈ, વિપક્ષી કોર્પોરેટર દ્વારા આજે જામનગર મહાનગરપાલિકાના ખડી સમિતિના ચેરમેનને વિપક્ષી કોર્પોરેટર દ્વારા આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે સત્તાધારી પક્ષ આલિયાની ટોપી માલિયાને માથે ઓઢાડે છે. જામનગર મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરોને લોકોના કામ કરવા માટે સરકારે નક્કી કરેલ ગ્રાન્ટ ફાળવવી ફરજીયાત છે જનરલ બોર્ડનો પણ ઠરાવ થયેલ છે તેથી હેતુફેર ના થઇ શકે છતાય હેતુ ફેર કરી ગ્રાન્ટ અન્ય જગ્યાએ વાપરી નાખી છે. શાસક પક્ષની ભાજપની અણાવડતને લીધે જામનગર મહાનગરપાલિકા ઉપર સતત દેવું વધતું જાય છે છતાં લોક ઉપયોગી ન હોય તેવા કામોમાં ઢગલાબંધ રૂપિયા વહીવટ કરી વાપરીને પાલિકાની તિજોરી તળિયા ઝાટક કરી શાસક પક્ષની નાદારી ભરી સ્થિતિ ઉજાગર કરી છે. વિપક્ષના કોર્પોરેટરોની ગ્રાન્ટ આપવાને બદલે આ નાણા બીજે વાપરી લોકોની અપેક્ષાનું ફીંડલુ વાળી વિપક્ષના કોર્પોરેટરોની ગ્રાન્ટ આપવાને બદલે નાણા બીજે વાપરી નાખ્યા છે. જેની સામે જામનગરની જનતા વતી સખતમાં સખત વિરોધ નોંધાવ્યો છે તો વિપક્ષી કોર્પોરેટરો આટલેથી ન અટકતા કોર્પોરેશનમાં જ હવન કરીને શાસક પક્ષના નેતાઓની સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.