મેરા ન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: બીજા તબ્બકાની ચૂંટણી પુરી થતાંની સાથે એક્ઝિટ પોલને કારણે માહોલ ગરમાયો છે. કોંગ્રેસ તરફી વિચારધારા ધરાવતા મતદારો આ એક્ઝિટપોલને કારણે રાજી ના થાય તે બહુ સ્વભાવીક છે, પણ ભાજપના નેતાઓ અને ભાજપીઓ પણ હજી એક્ઝિટપોલ સાચા પડશે તેવો આત્મવિશ્વાસ બતાડી શકતા નથી, તેની પાછળનું કારણ એવું છે કે અગાઉ એક્ઝિટ પોલ અનેક વખત ખોટા સાબીત થયા છે.

2004માં તમામ તમામ એક્ઝિટ પોલ એનડીએ સરકાર બનાવી રહી છે, તેવું કહેતા હતા, પણ પરિણામ જાહેર થયું ત્યારે તેના કરતા ઉલ્ટું થયું અને યુપીએ સરકાર બનાવે એટલી સ્પષ્ટ બહુમતી લઈ ગયું હતું, આવું જ રાજ્યની ચૂંટણીઓમાં પણ થયુ હતું. બિહારની ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલ ભાજપ સરકાર બનાવે છે તેવા તારણ ઉપર હતા, પણ ભાજપની હાર થઈ અને નિતીશ-લાલુના જોડાણની જીત થઈ હતી. જ્યારે પંજાબની ચૂંટણીમાં આપ સરકાર બનાવવા તરફ આગળ જઈ રહી છે તેવું તારણ હતું, પણ ત્યાં એક્ઝિટ પોલ ખોટા પડયા અને કોંગ્રેસે સરકાર બની દીધી હતી.

જ્યારે દિલ્હીની ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલ ભાજપ સરકાર બનાવે છે તેવા મતની હતી, પણ દિલ્હીમાં આપનું જાડુ એવું ફર્યું કે ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી, જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલ સ્પષ્ટ ન્હોતા, ભાજપ સરકાર બનાવે છે તેવો મત બધાનો જ હોવા છતાં સરકાર બનાવવા માટે અન્ય કોઈ સાથે ગઠબંધન કરવુ પડશે તેવો મત હતો. એક એજન્સીને બાદ કરતા તમામ એક્ઝિટ પોલ ભાજપને 200 બેઠકો આપી રહ્યું હતું, પણ ભાજપ 300નો આંકડો પાર કરી ગયું હતું.

ગુજરાતની હાલની ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપને 100-110ની વચ્ચે બેઠકો આપી રહ્યું છે, જ્યારે એક એજન્સી 135નો દાવો કરી રહી છે. આ એક્ઝિટ પોલ અગાઉની ચૂંટણીઓની જેમ કેટલાં સત્યની નજીક અને સત્યની દુર છે, તેની ખબર તો 18મી ડિસેમ્બરના રોજ જ પડશે, છતાં એક્ઝિટ પોલ પોતાના જ અનુમાન ખોટા પાડી ચુક્યુ છે.