મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: NSUIનાં મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા કરનાર બંને આરોપીઓ અજયસિંહ વાળા અને તેના સાળા ધનરાજસિંહ જાડેજાને પોલીસે ગઇકાલે સરધાર પાસેથી દબોચી લીધા હતા. ગાંધીગ્રામ પોલીસે બંનેને આજે સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં નામદાર કોર્ટે બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમિયાન પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બંનેએ જયરાજસિંહની હત્યા કર્યા બાદ ધનરાજસિંહનું બાઇક તેના ઘર પાસે મૂકી ગોંડલ રોડ ચોકડીએ ગયા હોવાનું જણાવ્યું હતું.

વધુમાં આરોપીઓનાં જણાવ્યા મુજબ ગોંડલ ચોકડીએ રાત્રીના 11.30 સુધી છુપાઈ રહ્યા બાદ બસમાં બેસી બંને સોમનાથ ગયા હતાં. સવારે પાંચ વાગ્યે ત્યાં પહોંચી બાદમાં બીજી બસમાં ભાવનગર જતાં રહ્યા હતાં. ભાવનગરથી સિહોર અને સિહોરથી જુનાગઢ તથા છેલ્લે ફરીથી ભાવનગર ગયા હતાં. ત્યાં સગાના ઘરે આશરો મેળવવા એક મિત્રને સાથે લઇને પહોંચ્યા હતાં. પણ બંને હત્યા કરીને આવ્યા હોવાની ખબર પડતાં મિત્રના સગાએ પોલીસને ફોન કરતાં બંને ભાગી છૂટ્યા હતાં. અને રાત્રે ચિત્રા નજીક બગીચામાં રોકાયા હતાં. 

ત્યારબાદ પૈસા ખૂટ્યા હોઇ ફરી રાજકોટ આવવા બસમાં બેઠા હતાં. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બંને ભાવનગરથી સરધાર તરફ આવી રહ્યા છે. તેના આધારે બંનેને ઝડપી લેવાયા હતાં. અજયસિંહે પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે, સાળા ધનરાજસિંહ સાથે જયરાજસિંહને વાહન અથડાવવા બાબતે માથાકૂટ થઇ હતી. તેમજ જયરાજસિંહે ફોન કરી તેના ભાઇ સહિતના ચારેક શખ્સોને બોલાવ્યા હતાં. શાળાએ ફોન કરતા હું ગયો ત્યારે મને ઢીકા-પાટુનો માર મારતાં મેં ગુસ્સે ભરાઇ છરી ઝીંકી દીધી હતી. 

હાલ, પોલીસે બંને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે જયરાજસિંહની હત્યામાં બંને આરોપીઓ સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ? તેમજ જયરાજસિંહ સાથે બંને આરોપીઓને કોઈ જૂની અદાવત હતી કે કેમ ? વગેરે મુદ્દે ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા જોવાઇ રહી છે.