મેરાન્યૂઝ નેટવર્ક,પોરબંદર: તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા બાદ ધારાસભ્ય કાંધલ જાડેજા પર ઉપરાઉપરી મારમારીની જુદી-જુદી બે ફરિયાદો નોંધાવવામાં આવી છે. ત્યારે આ અંગે મિડિયા સાથે કરેલી વાતચીતમાં તેમના કાકી હિરલબા જાડેજાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કાંધલની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

રાણાવાવમાં પેટ્રોલ પમ્પમાં તોડફોડ અને મારામારીના બનાવ અંગે વિરોધીઓ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જે પેટ્રોલપંપમાં તોડફોડનો આરોપ છે, તેના મૂળ માલિક અલ્પેશ પટેલિયા છે. જાડેજા પરિવાર હંમેશા ગરીબોના બેલી બનીને રહ્યો છે. અગાઉ પણ જ્યારે સ્વ.સંતોકબેન જાડેજા તથા સ્વ.ભુરાભાઇ જાડેજા ચૂંટાઈને આવ્યા ત્યારે પણ અમારા વિરૂધ્ધ ખોટી ફરીયાદો કરવામાં આવી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, કાંધલ જાડેજા સામે ખોટી રીતે પોલીસ ફરીયાદ કરીને તેની રાજકીય કારકીર્દી ખતમ કરવાનો વિરોધીઓ પ્રયાસ કરે છે. તેમજ રાજકીય કિન્નાખોરી રાખીને આ ફરિયાદો કરવામાં આવી છે. જેની સામે અમારો પરિવાર ક્યારેય ઝુકશે નહીં. અને અમારા પરિવાર વિરૂધ્ધ ખોટી ફરીયાદો કરનાર તમામને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.