તુષાર બસિયા (મેરાન્યુઝ.અમદાવાદ) : સરકાર મોટા પાયે યોગ દિવસની ઉજવણી કરે છે. જનઆરોગ્ય માટે યોજનાઓ લાવે છે, અને અકસ્માતમાં ઘાયલોને સહાય આપવાના વાયદાઓ કરે છે. આ તમામ યોજનાની રકમમાં એક મોટી રકમ હોય તે યોજનાની વાહવાહી કરતી જાહેરાતની હોય છે. એવામાં આજદિન સુધી દેશની એક પણ સરકારે રક્તની ગુણવત્તાની કોઈ દરકાર કરી જ નથી. કેમકે આજે પણ દર્દીને ચડાવાતું રક્ત જૂની ટેકનોલોજીથી ચકાસવામાં આવે છે. જેમાં HIV અને હિપેટાઇટિસ જેવા રોગના વાયરસને પારખવાની ક્ષમતા એડવાન્સ ટેકનોલોજી કરતા ખૂબ ઓછી છે. સ્વૈચ્છિક રક્તદાતાઓની ઉણપ પણ છે જેના લીધે રક્તની ખેંચ બ્લડબેંકોને સતત રહે છે એ બાબત પણ ગુણવત્તા જેટલી જ ગંભીર છે.

સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ચઢાવવામાં આવતાં રક્તની ગુણવત્તાને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું જણાતું નથી. આજે પણ બ્લડ બેંકો વર્ષો જૂની ELISA ટેકનોલોજીથી બ્લડની ચકાસણી કરે છે, જેમાં સરકારે પણ ELISA પદ્ધતિને જ ફરજિયાત રાખી છે. સરકારની ગાઈડલાઈનમાં NAT ટેસ્ટ પદ્ધતિને ફરજિયાત નહીં જણાવી હોય. બ્લડ બેંકો પણ NAT ટેસ્ટ પદ્ધતિને પ્રાધાન્ય આપતી નથી. લોહીની હલકી ગુણવત્તાના ભોગે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૧ માં થેલેસેમિયા ગ્રસ્ત ૨૩ જેટલા બાળકોને HIVના વાયરસ વાળું રક્ત આપવાથી જીવન બરબાદ થયું હતું. આ પ્રકારે સમગ્ર દેશમાં હજારો લોકોને મોતના ખપ્પરમાં હોમાતા જોયા બાદ પણ નિષ્ઠુર તંત્રની જાણે આંખ ઉઘડતી નથી. એવું પણ નથી કે સરકાર ઇચ્છે તો પણ કશું થઈ શકે તેમ નથી, સરકાર માત્ર પરિક્ષણ માટે વપરાતા સાધનો બદલાવે તો આ પણ આંકડામાં ખૂબ ઘટાડો લાવી શકાય તેમ છે.
 
ટેકનોલોજીમાં ભારત પાછળ.
રક્તદાતા પાસેથી મેળવેલ રક્તને બ્લડ બેંકોએ ટેસ્ટ કરવાનું રહે છે. જે પૃથક્કરણ માટે દેશમાં મુખ્યત્વે ELISA (એન્ઝાઇમ લિંકડ ઇમ્યુનોસોરબન્ટ એસે) નામના ટેસ્ટ કીટ દ્વારા કરવામાં આવે છે. આ ટેકનોલોજી 1971માં આવી હતી. જેતે સમયે સૌથી આગળ પડતી ટેનકોલોજી ELISA હતી. ત્યારબાદ તેના કરતાં પણ વધુ સારી NAT(ન્યુક્લિક એસિડ એમ્પ્લીફિકેશન ટેસ્ટિંગ) ટેકનોલોજી આવી જેના પરિણામ ખૂબ જ સારા હતા. ૯૦ ના દાયકામાં આવેલી ટેકનોલોજી NAT ને ૧૯૯૨ સુધીમાં લગભગ દરેક વિકસિત દેશોએ અપનાવી લીધી હતી, સમય જતાં વિકાસશીલ દેશો પણ આ ટેકનોલોજી અપનાવવા લાગ્યા છે. જ્યારે ૩૦ વર્ષ જેટલા સમય પછી પણ ભારતમાં આ ટેકનોલોજી લાવવામાં સરકારો નિષ્ફળ રહી છે. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો અને WHO અનુસાર NAT લોહીનું સૌથી ઉત્તમ રીતે પરીક્ષણ કરતી ટેકનોલોજી છે.

રક્ત ચકાસવા કેટલા પ્રકારની ટેસ્ટિંગ ટેકનોલોજીઓ ઉપલબ્ધ છે ?

૧. NAT(ન્યુક્લિક એસિડ એમ્પ્લીફિકેશન ટેસ્ટિંગ)
૨. Chemiluminescence
૩. ELISA
૪. Rapid 
(જેમાં કાઉન્સિલ ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝનની ગાઈડલાઈન મુજબ NAT સિવાયની કોઈ એક પધ્ધતિ ફરજીયાત છે.)

શું તફાવત છે NAT અને ELISA માં ?

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાલડી શાખાના ડો. વિશ્વાસ અમીન ટેકનોલોજી વિશે સમજાવતા જણાવે છે કે "NAT રક્તના સૂક્ષ્માતીસુક્ષ્મ અંશનું પરીક્ષણ કરવાની પધ્ધતિ છે, જે રક્ત દ્વારા લાગી શકે એવા ચેપનું જોખમ ઘટાડે છે. આ પરીક્ષણથી રક્તમાં જન્મતા અને છૂપા રહેતા વિષાણુ અને તેના વિકસવાના સમય વચ્ચેનો જે ગાળો હોય છે તેને ટૂંકાવી ઓળખવાની ક્ષમતા વધુ સારી હોય છે. જ્યારે ELISA પધ્ધતિ આ કાર્ય કરવામાં NAT કરતા ઓછી ક્ષમતા ધરાવે છે.  

NAT પધ્ધતિનું વિન્ડો પિરિયડ ડિટેક્શન HIV ૮ દિવસ, HCV ૩.૯ દિવસ, HBV ૧૬.૭ દિવસ હોય છે, જ્યારે ELISA કે CHLA પધ્ધતિમાં HIV ૧૫ દિવસ, HCV ૫૮.૩ દિવસ અને HBV 38.3 દિવસ હોય છે. આ વિન્ડો પિરિયડ એ વિષાણુનો હોય છે જે લોહીમાં અતિસુક્ષમ રીતે છુપાયને બેઠા હોય છે અને રોગની ખબર રોગીને પણ નથી હોતી." તેઓ વધુમાં એમ પણ જણાવે છે કે "દર્દીને આપવામાં આવતું બ્લડ જો NAT દ્વારા ચકાસવામાં આવે તો પણ સંપૂર્ણ સુરક્ષિત નથી થઈ શકતું, પણ હાલની સ્થિતિમાં તો સૌથી સુરક્ષિત કહી શકાય તેમ છે."

આ સાથે તેઓ રક્તદાન કરવાની જાગૃતિ અંગે પણ જણાવે છે કે "લોકોને રક્તદાન કરવામાં આજે પણ સંકોચ છે, સ્વૈચ્છિક રીતે વધુને વધુ લોકોએ રક્તદાન માટે આગળ આવવું જોઈએ. રક્તદાન કરનારા લોકો દર્દીના જીવ બચાવવાનો સૌથી મોટો ફાળો આપનાર ગણાય. રક્તદાન કરવાથી કોઈ પ્રકારનું નુકશાન રક્તદાતાને થતું નથી, તો શા માટે રક્તદાન કરવામાં પીછે હઠ કરવી ?"

રક્ત અંગેના નિયમો શુ છે?

૧. કોઈ પણ હોસ્પિટલ અથવા ડોકટર (સરકારી કે ખાનગી) દર્દીને રક્ત લેવા કોઈ ચોક્કસ બ્લડ બેંક પાસેથી જ રક્ત લેવા ફરજિયાત આગ્રહ કરી શકે નહીં.
૨. કોઈ પણ બ્લડ બેંક કાઉન્સિલ ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝનની ગાઈડલાઈનમાં સૂચવેલ રકમથી વધું રૂપિયાની માંગણી કરી શકે નહીં.
૩. કોઈ પણ વ્યક્તિને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવાનો હક્ક છે( પણ ફરજ પડાવી શકાય નહીં).
૪. કોઈ પણ બ્લડ બેંક ફરજીયાત રક્તના બદલામાં રક્તની માંગણી કરી શકે નહીં, માટે દર્દીના સગા-સબંધી માનવતા દાખવી સ્વૈચ્છિક રક્તદાન કરે એ સારું છે પણ ફરજ પાડી શકાય નહીં.
૫. જે તે બ્લડ બેંકે HIV, હિપેટાઇટિસ-બી અને સી, મેલેરિયા, સિફિલિસીસ અને બ્લડ ગ્રુપના પરીક્ષણો ફરજીયાત કરવાના રહે છે.

ડો. તારક પટેલ જણાવે છે કે "સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ગત વર્ષે ૧૦૦૦૦ જેટલા રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કરી ચુક્યા છે તેમજ ૪૩૦૦૦ કરતા વધું યુનિટ રક્તદાન પેટે મેળવ્યું છે જેનાથી હજારો દર્દીને સારવાર મળી છે. તો મોટી સંખ્યામાં લોકો નિયમિત રીતે સ્વૈચ્છિક રક્તદાનમાં જોડાય લાખો લોકોના જીવન બચાવવાની પ્રક્રિયામાં જોડાય તેવી આશા છે. પણ રક્તની અછતને પહોંચવા માટે તાતી માત્રામાં રક્ત એકત્ર કરવું ખૂબ મુશ્કેલ છે, જેની પાછળનું કારણ લોકોમાં રક્તદાન પ્રત્યેની ગેરસમજ છે."

આમ લેખક તરીકે આ વાત કહેવામાં જરાપણ અતિશયોક્તિ ન કહીં શકાય કે જેમ સરકાર ટેક્નોલોજીમાં પાછળ છે એમ સમાજ પણ રક્તદાન કરવામાં પાછળ છે. આ જોતા સરકારને ટેકનોલોજીમાં આગળ આવવાની માંગણી, તો સમાજને રક્તદાન કરવામાં આગળ આવવાની માંગણી કરતા અભિયાનોની જરૂરિયાત વર્તાય છે.

અપીલ
વર્ષે મોટી સંખ્યમાં રક્તની જરૂરિયાત છે તેની સામે રક્તની ઉપલબ્ધી અંગે અવારનવાર અછતનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. માંગ અને પુરવઠા ને જોઈએ તો પુરવઠો માંગ કરતા ઓછો છે. માટે નિયમિત રીતે રક્તદાન કરવું જોઈએ. રક્તદાન કરવાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી એ વાત વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી છે. રક્તદાન કરવાથી લોકોનો જીવ બચે છે એ પણ મોટું પુણ્ય છે. માટે વાંચકો પોતાની નજીકની બ્લડબેંકમાં જઈ નિયમિત રીતે રક્તદાન કરે તેમજ અન્યને પણ રક્તદાનવિશે સમજણ આપી રક્તદાન માટે પ્રેરે એવી અપીલ છે. સાથે જ્યારે રક્તદાન કરો ત્યારે પૂછવામાં આવતા તમામ પ્રશ્નોના જવાબ નિઃસનકોચ પણે સાચા જ આપો જેથી રક્ત મેળવનારને રક્તના ફાયદાને બદલે નુકશાન થતું અટકે.