તુષાર બસિયા (મેરાન્યુઝ.રાજકોટ) : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ અધ્યાદેશને લઈ ખેડૂતો નારાજ છે. દોઠ માસ જેટલા સમયથી દિલ્હીની બોર્ડર પર બેસી આંદોલન ચલાવી રહ્યાં છે. પરંતુ હવે ગુજરાતમાં પણ ખેડૂતો મોટા પાયે આંદોલન કરે તેવી શક્યતા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ગામડે-ગામડે જઈ ખેડૂતોને એકત્રીત કરી આંદોલનની તૈયારી કરી રહી છે. 

દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ગુજરાતના ખેડૂતોની પાંખી હાજરીથી રાજય અને કેન્દ્ર સરકાર ખુશ હતી. થોડા ઘણા સંગઠનોના નેતા અને ખેડૂતોને યેનકેન પ્રકારે દિલ્હી જતા અટકાવવા શક્ય પણ હતા. માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ગુપ્તરાહે બેઠકો કરી અને પૂરતી તૈયારી સાથે જ આંદોલન શરૂ કરવાની રણનિતી અખ્યાતર કરી હતી. હવે જ્યારે ખાનગી રીતે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે તો ખુલીને સંઘર્ષ સમિતિ ગામડે-ગામડે ખેડૂતો પાસે પહોંચવા લાગી છે. સુત્રોના જણાવ્યા અનુસાર કિસાન સંઘર્ષ સમિતિ એ સૌરાષ્ટ્રના મોટામોટા નેતાઓ, આગેવાનો અને સંગઠનોનો વિશ્વાસ જીતી લીધો છે. સાથે આ તમામ આગેવાનો ગુપ્તરીતે ખેડૂતોને આંદોલનમાં જોડાવાની રણનીતી પણ આપી ચૂક્યા છે.


 

 

 

 

 

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સૌરાષ્ટ્રના આગેવાનો એ પાંચ ટીમની રચના કરી છે. સુત્રો જણાવે છે કે સમગ્ર વ્યુહરચના એવી ઘડવામાં આવી છે કે આ 5 ટીમો સૌ પ્રથમ ગામડાંઓમાં જઈ ખેડૂતો એકત્રીત કરી તેમને કાયદાના નુકસાન સમજાવશે, સાથે જ એક યાદી તૈયાર કરશે કે કેટલા ખેડૂતો આંદોલનના પ્રથમ તબક્કામાં બહાર આવશે. આ સમિતિના આગેવાનો રાજકોટ, જુનાગઢ, જામનગર સહિત કેટલાક જિલ્લામાં કામે લાગી ગયા છે. આ બેઠકોમાં એક ટીમમાં પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યની સૂચક હાજરી પણ કિસાન નેતા પાલ આંબલીયા સાથે જોવા મળે છે. જ્યારે બીજી તરફ મજૂબત ખેડૂત નેતામાં સ્થાન પામેલા પાલ આંબલીયાને પરાસ્ત કરવા તેમના જ પક્ષની એક ટીમ (મોટા ભાગે નવયુવાનોની) જાતીવાદના નામે ગુપચૂપ બેઠકો ચલાવી રહી છે.

ઉપરાંત તેમના માટે વાહન, ભોજન અને રહેવાની સુવિધા માટે અંદરખાને ફંડ-ફાળા એકત્રીત કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. સુત્રોનું કહેવું છે કે આ કામમાં વેપારીઓ અને એ.પી.એમ.સી.ના સભ્યો પણ સહયોગ કરી રહ્યાં છે. ટૂંકમાં કહીએ તો પંજાબ-હરિયાણાના ખેડૂતો જે પ્રકારે આયોજન સાથે આંદોલન કરે છે તેમ કરવાનો પ્રયત્ન ગુજરાત કિસાન સંઘર્ષ કરી રહી છે. સાથે જ કિસાન સંઘર્ષ સમિતિ હાલના તમામ નાના-મોટા ખેડૂત આગેવાનોને આખરમાં પોતાની સાથે વિશ્વાસમાં લઈ આંદોલનમાં જોડાવા આહવાન કરશે. 

હાલ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બે આગેવાનો હજૂ પણ સમિતિ સાથે નહીં જોડાયેલા ખેડૂત આગેવાનો સાથે ચર્ચાઓ કરી રહ્યાં છે. હાલ જે સંગઠનો કે આગેવાનો સંઘર્ષ સમિતિ સાથે નથી તેમને પણ મનાવી સાથે લેવાના પ્રયાસ હાથ ધરાતા હોય તેમ જણાય છે. જો આ આયોજન સફળ થાય તો સરકારને નાકે દમ આવે તેવી સ્થિતીનો સામનો કરવો પડે.