મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મોરારિબાપુનો વાણીવિલાસ થયા પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા પણ શબ્દોના તોલમાપમાં થાપ ખવાઈ રહી છે. થોડા વખત અગાઉ મોરારિબાપુએ નીલકંઠ વર્ણી પર કહેલા શબ્દોએ ભારે રમખાણ મચાવ્યું છે. આ સંદર્ભે ઘણા સ્વામીઓ દ્વારા નિવેદનો થયા તે પણ જાહેર થયા છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્ય સ્વરૂપદાસએ તો ભગવાન સ્વામિનારાયણને બ્રહ્મા, વિષ્ણું, મહેશના પણ લીડર તરીકે સ્વામિનારાયણ ભગવાન હોવાનું કહ્યું. બીજી તરફ મોરારિબાપુના સમર્થનમાં કલાકારો પણ દોડી આવ્યા છે. અહીં સુધી કે તેઓ મોરારિબાપુને પોતાના બાપ તરીકે ઘણાવી રહ્યા છે. જોકે કલાકારોનું એવું પણ કહેવું છે કે હવે આ વિવાદને પુરો કરો અને એક જ ધર્મ છે તો તે દિશામાં આગળ વધો.

સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસજીએ આ વીડિયોમાં કહ્યું છે કે, ‘કેવડા મોટા ભગવાન મળ્યા. બાપ. સર્વોપરી ભગવાન મળ્યા. તમે કલ્પના તો કરો. એની ઊંચાઈની શું વાતો થાય. જો જુઓ ભક્તો દેવ, દેવી બધું સનાતન સત્ય છે. આ ધરતી પર તો તેત્રીસ કરોડ તો દેવતા છે. પણ એ દેવ દેવી તેત્રીસ કરોડ છે એના લીડર ઇન્દ્ર છે. કોણ છે. ઇન્દ્ર છે. એના લીડર બ્રહ્મા, વિષ્ણુ અને શંકર છે. એના લીડર વિરાટ પુરુષ છે. એના લીડર પ્રધાન પુરુષ છે. એના લીડર મહાપુરુષ છે. મહાપુરુષ લીડર મૂળ અક્ષર છે. અક્ષર લીડર ભગવાન સ્વામિનારાયણ છે. અક્ષર પર પુરુષોત્તમ કહેવાય. એટલે વાત ભૂલાય નો જાય. એટલે ખાસ ખટકો રાખજો.’

ગુજરાતી લોકગાયક કિર્તિદાન ગઢવીએ જણાવ્યું કે, બાપુને કોઈ ધર્મ સાથે વાંધો નથી. કોઈને દુઃખ થાય કે વિવાદ ઊભો થાય તેવું ક્યારેય બાપુ બોલતા નથી. પ્રમુખ સ્વામીનો જ્યારે દેહવિલય થયો તે વખતે અંતિમ આરતીમાં બાપુને જોયા હતા. વાત હિન્દુત્વની છે કે હિન્દુઓની વસ્તી વિશ્વમાં ખુબ ઓછી છે. આપણે અંદર-અંદર વિવાદો કરવા બેસીએ તો તેનો અંત ક્યારે આવે. બાપુતો મારા જેવા ઘણા કલાકારોનો બાપ છે. તેમના અંગે કોઈ કાંઈ બોલે તે મારાથી સહન નથી થતું.

જાણિતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે કહ્યું કે, મારોરિ બાપુ અમારો બાપ છે, કોઇ દિવસ કોઇની લાગણી દુભાવે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ ધ્યાન રાખવું જોઇએ. મેં જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદન અત્યાર સુધીમાં સાંભળ્યા તેમાં એક પણમાં વિવેકપણું જોવા મળ્યું નથી. આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે સમગ્ર રાષ્ટ્રને એક કરવા નીકળ્યા છીએ ત્યારે સામાન્ય બાબતને લઇને વિવાદને વધુને વધુ વિકરાળ ન બનાવીએ. આજુબાજુના દેશો આપણા પર આક્રમણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને એક થવાની જરૂર છે.
સાંઈરામ દવે એ કહ્યું કે, બાપુને હું મારા ભગવાન માનું છું, હાલ બાપુ માફી માગે તેવી કાગારોળ જાગી છે ત્યારે મને કલાકાર તરીકે દુઃખ થાય છે. સોશ્યલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો મુકાય છે અને વિવાદમાં ઘી નાખવાના પ્રયત્નો થાય છે. તમામને મારી પ્રાથના છે કે આમ ન કરો.

ઉલ્લેખનીય છે કે પેરિસ ખાતે જાહેરમાં મોરારિબાપુ બોલ્યા હતા કે, નીલકંઠનું છેતરામણું સ્વરૂપ આવતું જાય છે. નીલકંઠ અભિષેક મતલબ શિવનો અભિષેક અન્ય કોઈનો નહીં. નીલકંઠ કોને કહેવાય જેણે ઝેર પીધું હોય તેને, લાડુડીઓ ખાધી હોય તેને નીલકંઠ ન કહેવાય. તે પછી આ વિવાદ વકર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા બીએપીએસ દ્વારા પણ મોરારિબાપુને આ નિવેદનને પગલે જાહેરમાં માફી મગાય તેવું કહેવાયું હતું. મોરારિબાપુનો એક વીડિયો પણ આવ્યો જેમાં તેઓ મિચ્છામી દુક્ડમ બોલ્યા હતા. તે પછી વિવિધ સ્વામીઓના એલફેલ નિવેદનો ચાલુ થયા સામે મોરારિબાપુના ભક્તો અને સમર્થકોના પણ એવા જ નિવેદનો શરૂ થયા અને વિવાદે એક મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.