મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર:  કુખ્યાત ભૂ માફિયા જયેશ પટેલે કિરીટ જોષી હત્યા પ્રકરણના સાક્ષી અને જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડીયાને તથા તેના પરિવારના સભ્યોને આપેલ ધમકીની ટેલીફોનીક ચર્ચાનો ઓડીયો વાયરલ થયો હતો. આ ઓડીયોમાં વર્તમાન કૃષી મંત્રી આર.સી.ફળદુ સહિતના નેતાઓના નામ જયેશ પટેલ દ્વારા લેવામાં આવ્યા છે. આ બાબતને લઇને કૃષી મંત્રીએ જણાવ્યું હતું કે, તે જયેશ પટેલને પાર્ટીદારના નામે ઓળખે છે તેની સાથે કોઇ અંગત સંબંધ નથી એમ તેમણે એકરાર કરી કોઇ કોઇનું નામ લે તો તેમાં તેની સંડોવણી છે એમ માની લેવું કેટલું યોગ્ય ? જો કે કૃષિ મંત્રીએ ભૂ માફિયાને ઓળખતા હોવાનો સ્વીકાર કર્યો છે. 

જામનગરમાં ભૂ માફિયા જયેશ પટેલ દ્વારા ગત એપ્રિલ માસમાં જાણિતા વકીલ કિરીટ જોષીની હત્યા કરાવવામાં આવી હોવાની ફરિયાદ સીટી બી ડિવીઝનમાં નોંધાઇ હતી. આ હત્યા પૂર્વે પણ જયેશ પટેલ સામે પણ ત્રિસેક જેટલા ગુન્હા નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યા પ્રયાસ, ખંડણી, છેતરપીંડી, મની લોન્ડરીંગ, ચોરી સહિતનો સમાવેશ થાય છે. જો કે કિરીટ જોષી હત્યા બાદ પોલીસ અને સરકાર પર આવેલા દબાણ અને વકીલ તથા સમાજમાંથી સામે આવેલ રોષને લઇને જયેશ પટેલ છેલ્લા ચાર માસથી સતત ચર્ચામાં રહ્યો છે.

કરિયાણાના વેપારથી શરૂઆત કરનાર જયેશ 10 વર્ષમાં ગંભીર ગુન્હા આચરી મોટો જમીન માફિયા બની ગયો હોવાથી સમાજમાં હાઉ ઉભો થયો છે. કિરીટ જોષી હત્યા પ્રકરણ બાદ જયેશ પટેલ ભારતમા છે કે વિદેશમાં તેનો તાગ પણ પોલીસ મેળવી શકી નથી ત્યારે પકડવાની વાત તો દુર રહી. એક પછી એક જમીન કૌભાંડ આચરી માલેતુજાર બની ગયેલ જયેશ પટેલની પાછળ ચોકકસ રાજકીય વગ પણ કારણભૂત હોવાનું બુદ્ધિજીવીઓ માની રહ્યા છે. ત્યારે જયેશ પટેલે કિરીટ જોષી હત્યા પ્રકરણના શાક્ષી અને જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હસમુખ પેઢડીયાના ભાઇ જયસુખ ઉર્ફે ટીનોને ફોન કરી હસમુખ તથા તેના પરિવારના ટાંટીયા ભંગાવી નાખવાની આપેલ ધમકીને લઇને વધુ એક વખત જયેશ પટેલ ચર્ચાની એરણે આવ્યો છે આ બાબતે પોલીસે ફરિયાદી સાથે કરેલ ટેલીફોનીક ચર્ચા બાદ જયેશ સામે મિલ્કત પચાવી પાડવા અને ધાક ધમકી સબબ ફરિયાદ નોંધી છે તો બીજી તરફ જયેશ પટેલે ટીનાભાઇ સાથે કરેલ વાતચીતનો ઓડીયો વાયરલ થઇ જતાં આ પ્રકરણ જન-જન સુધી પહોંચી ગયું છે આ ઓડીયોમાં કિરીટ જોષીની હત્યા કરાવ્યાની કબુલાત કરી હસમુખ પેઢડીયાના ટાંટીયા ભંગાવી નાખવાની ધમકી આપી, બંગલો પડાવી લેવાની પણ વાત સામે આવી છે. લગભગ દસેક મિનીટની આ ચર્ચામાં પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, બિલ્ડીર વી.પી.મહેતા, તેના પુત્ર અમરીષ, એસ.પી. પ્રદીપ સેજુળ વર્તમાન કૃષિ મંત્રી આર.સી. ફળદુથી માંડી અમિત શાહ સુધીના નામ ઉલ્લેખ આવ્યો છે.

જેને લઇને ગઇકાલે જામનગરમાં ઉપસ્થિત કૃષિ મંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, જયેશ પટેલ જામનગરનો અને એક પટેલ હોવાથી પટેલના નાતે હું તેને ઓળખું છું, પરંતુ તેની સાથે કોઇ અંગત સંબંધો નથી. જયેશ પટેલે ગુન્હો કર્યો છે તો કાયદો કાયદાનું કામ કરશે. તો બીજી તરફ ફરિયાદી પરિવારને આપેલ ધમકીને અનુસંધાને તેઓએ જણાવ્યું હતું કે, ફરિયાદી પરિવારને પોલીસ રક્ષણ આપે.